Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જેતપુરમાં ૩૦.૪૦ લાખની લૂંટમાં સાકિલ અને સમીરની શોધખોળ

સીસીટીવી ફૂટેજનાં આધારે નાકાબંધી કરીને જુદી -જુદી ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

તસ્વીરમાં લૂંટ કરીને નાસી છૂટેલા બન્ને શખ્સો તથા ઇજાગ્રસ્ત સેલ્સમેન નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા -જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. રર :.. જેતપુરમાં ધોરાજીના સેલ્સમેન ચીમનભાઇ કાળાભાઇ વેકરીયા ઉપર હુમલો કરીને રૂ. ૩૦.૪૦ લાખની લૂંટ ચલાવીને નાસી છૂટનાર સાકિલ અને સમીરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ધોરાજી ખાતે રહી સોનાના દાગીનાનો કમીશનથી વ્હેચવાનો ધંધો કરતા ચીમનભાઇ કાળાભાઇ વેકરીયા છેલ્લા પાંચેક વર્ષથી અહીં દાગીના વ્હેચવા આવે છે. તેઓ રાજકોટની અક્ષર ઓરનામેન્ટસ તેમજ જેતપુરની શ્રીહરી જવેલર્સ, ખોડીયાર જવેલર્સ વેપારી પેઢીઓ પાસેથી દાગીના બનાવી અન્ય વેપારીઓને કમીશનથી વ્હેચે છે. ગઇકાલે નિતય ક્રમ મુજબ પોતાનું હોન્ડા જીજે-૦૩-આઇએસ-૪પ૪૮ વાળુ લઇ મતવા શેરીમાં શ્રી સીલ્વર જવેલર્સમાં ટીફીન મુકી શ્રીહરી જવેલર્સમાં ગયેલ જયાં તે પોતાનો થેલો રાખે છે. તે થેલો લઇને મતવા શેરીમાં જવુ હોય ચાલીને રમાકાંત રોડ પરથી પસાર થતા આ સુમસામ રસ્તો રહેતો હોય એક કાળા કલરનો શર્ટ પહેરેલ શખ્સે ચીમનભાઇને રોકી આંખમાં મરચુ છાંટી ત્યાં બીજો સફેદ કલરનો શર્ટ પહેરેલ હેલ્મેટ પહેરી શખ્સ બાઇક લઇને આવેલ તે બન્ને એ ટીકાપાટુનો માર મારી થેલો ઝૂંટવી લેવા પ્રયત્ન કરેલ જેથી ચીમનભાઇ બાઇક સાથે ઢસળાયેલ. અને પગમાં લાગેલ બન્ને શખ્સો થેલો લંૂટી પલાયન થઇ ગયેલ.

પોલીસને જાણ થતા તુરંત ઘટના સ્થાને પહોંચી તપાસ શરૂ કરેલ. બનાવના પગલે એસ. પી. બલરામ મીણા, ડીવાયએસપી સાગર બાગમાર, એલ. સી. બી. એસ. ઓ. જી. સહિતની ટીમ પહોંચી ગયેલ શહેરના નાકાબંધી કરી સીસી ટીવીના ફૂટેજ ચેક કરતા તેમાં બે શખ્સો વર્ણન મુજબના દેખાતા હોય તે અંગે તપાસ કરતા બન્ને શખ્સો શહેરના જ હોય જેમાં પાછળ બેઠેલ સાકીલનો પ્લાન હોય તેણે બાઇક ચલાવવા સમીરે હા કહેતા તેને સાથે લીધેલ. જે આધારે પોલીસે તેના કોલ ડીટેઇલ કઢાવી તપાસ કરેલ તે દેરડી રોડથી ખોડલધામવાળા રસ્તે નીકળેલ હોવાનંુ જાણવા મળેલ.

પોલીસ ફરીયાદમાં ચીમનભાઇએ જાણવા મુજબ કુલ ૭૧૦ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત રૂ. ર૮,૪૦,૦૦૦ તેમજ રૂ. ર લાખ રોકડા મળી કુલ રૂ. ૩૦,૪૦,૦૦૦ ની લૂંટ થયેલ હોય. તે મુજબ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધેલ.

સીસી ટીવીમાં ફોટા મળી જતા બન્ને શખ્સોને પોલીસ તાત્કાલીક ઝડપી લેશે તેવું લોકોમાં ચર્ચાય રહયુ છે. લૂંટ ચલાવનાર શખ્સો પાસે રોકડા રૂપિયા હોય તેઓ દુર સુધી નીકળી જાય તેવી પણ શકયતા છે. હાઇવે ઉપર સીસી ટીવી કેમેરા મુકેલ હોય લૂંટ ચલાવનાર શખ્સોએ પહેલા થી જ પ્લાન બનાવી રાખેલ હોય.

(3:10 pm IST)