Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વિસાવદરના ભલગામ -ઝાંઝેસરમાં ૩ કલાકમાં ૬ ઇંચ વરસાદ

જાણે શિયાળો હવે નજીક ગઇકાલે અને આજે સવારે હવામાનમાં ઠંડક જોવા મળીઃ જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી પોણો ઇંચઃ કેશોદમાં અડધો ઇંચ

રાજકોટ તા. રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાની વિદાય થઇ રહી હોય તેવું વાતાવરણ છવાઇ રહ્યું છે.આવા હવામાન વચ્ચે કાલે કેશોદમાં અડધો ઇંચ તથા જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી પોણો ઇંચ વરસાદ પડયો હતો.

જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના ભલગામ અને ઝાંઝેસરમા ૩ કલાકમાં ૬ ઇંચ વરસાદ તુટી પડયો હતો.

છેલ્લા બે દિવસથી જાણે શિયાળો નજીક હોય તેવું વાતાવરણ અનુભવાઇ રહ્યું છે ગઇકાલે અને આજે સવારે હવામાનમાં ઠંડક અનુભવાઇ હતી.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : વિસાવદરના ભલગામ અને ઝાંઝેસર ગામે ગત સાંજે ૩ કલાકમાં ૬ ઇંચ વરસાદ ખાબકતા ગામના રસ્તા નદી જેવા થઇ ગયા હતા.

જુનાગઢ જિલ્લામાં ગઇકાલે સતત ત્રીજા પણ વરસાદી માહોલ રહ્યો હતો.  જેમાં કેશોદમાં ૧૧ મીમી ભેંસાણ વિસ્તારમાંં ૩ર મી.મી. અને વિસાવદરમાં ૧ર મી.મી. વરસાદ નોંધાયો હતો.

પરંતુ વિસાવદર તાલુકાના ભલગામ અને ઝાંઝેસર ગામમાં સાંજના છ વાગ્યે મેઘાએ ધોધમાર વરસવાનું શરૂ કરેલ અને રાત્રીના ૯ વાગ્યા સુધી અનારાધાર વરસતા ત્રણ કલાકમાં છ ઇંચ વરસાદ થયો હતો.

વરસાદથી બંને ગામના રસ્તા નદીમાં ફેરવાય ગયા હતા.

ગ્રામજનોએ જણાવેલ કે ચોમાસામાં પડયો ન હોય એવો વરસાદ ગઇકાલે સાંજે થયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ કાલે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો હતો. જેમાં જામજોધપુરના ધ્રાફામાં પોણો ઇંચ તથા નવાગામ, મોટા પાંચદેવડા, ધુનડા, વાંસજાળીયા, પરડવા, જામવાડી, શેઠવડાળામાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો હતો.

કેશોદ

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદ વિસ્તારમાંં ગઇકાલે બપોરે વાતાવરણમાં એકાએક પલટો આવતા પોણો કલાકમાં અડધોઇંચ વરસાદ પડી જવા પામેલ છે.

કેશોદમાં ગઇકાલે બપોરે અડધો ઇંચ વરસાદ પડી જતા સીઝનનો કુલ ૬૪ ઇંચ (૧૬૦૧ મીમી) વરસાદ પડેલ છે.

કેશોદમાં ગઇકાલે પડેલ વરસાદની સાથે સાથે અજાબ, શેરગઢ, માતરવાણીયા સહિતના અનેક ગામોમાં અડધો ઇંચ વરસાદ પડયાના વાવડ મળેલ છે ચોમાસાએ વિદાય લેતા લેતા છેલ્લે ખેતરોમાં જે થોડો ઘણો પાક અને ચારો બચેલ હતા એ ખેડુતોની મહેનત પર વરસાદે પાણી ફેરવતા ખેડુતો મુશ્કેલીમાં મુકાઇ ગયેલ છે.

(12:59 pm IST)