Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

મોરબીના નવલખી બંદરે અદાણી કંપનીના નામે કોલસા ચોરવાનું કોભાંડ ઝડપાયું.

શ્રીજી શિપિંગ કંપનીના કર્મચારી દ્વારા મોરબીના ટ્રક માલિકના સાળા અને ડ્રાઇવર વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

મોરબીના નવલખી બંદરેથી શ્રીજી શિપિંગ કંપનીના વિદેશી કોલસાને અદાણી કંપનીના નામે બારોબાર ટ્રક ભરી ચોરવાના તરક્ટનો શ્રીજી શિપિંગ કંપનીના માણસોએ પર્દાફાશ કરી ટ્રક તેમજ ટ્રક ડ્રાઇવરને રંગે હાથ પકડી લઈ માળીયા મિયાણા પોલીસ મથકે સોંપી આપી મોરબીના ટ્રક માલિકના સાળા વિરુદ્ધ રૂપિયા 3.15 લાખનો 35 ટન કોલસો ચોરવના કાવતરા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબીના નવલખી બંદરે કોલસાના કારોબારમાં છાસવારે કાળા ધંધા બહાર આવે છે ત્યારે આજે નવલખી બંદરે શ્રીજી શિપિંગ કંપનીમાં નોકરી કરતા અનિલભાઈ વશરામભાઈ સવાણીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.21 ના રોજ નવલખી બંદરે યેનકેન પ્રકારે અન્ય ટ્રકનો આઉટ ગેટ પાસ મેળવી લઈ મોરબીના ટ્રક નંબર જીજે-36-ટી-5191ના માલિક હિતેશભાઈ પટેલના સાળા રાજ પટેલે ટ્રક ડ્રાઇવર જયપ્રકાશ મુનાલાલ રે. ઇમલિયા, ભીંડ, મધ્યપ્રદેશ વાળા સાથે મિલીભગત કરી નવલખી બંદરે શ્રીજી શિપિંગ કંપની દ્વારા મંગાવાતો 35 ટન કોલસો બારોબાર ભરી લઈ નવલખી બંદરના મુખ્ય એન્ટ્રી ગેટ પરથી બારોબાર કાઢવા કોશિશ કરી હતી.
વધુમાં અલગ ટ્રક નંબર હોવાને કારણે એન્ટ્રી ગેટના સિક્યુરિટીના માણસોને શંકા જતા ટ્રક અટકાવી લઈ સમગ્ર મામલે નવલખી બંદરે ફરજ ઉપરના કસ્ટમ અધિકારીને જાણ કરી આજરોજ ટ્રક ડ્રાઇવર અને કોલસા ભરેલ ટ્રક તેમજ અદાણી કંપનીના ટોકન અને અન્ય પુરાવાઓ સાથે માળીયા મિયાણા પોલીસ મથકને સોંપી આપી ટ્રક ડ્રાઇવર જયપ્રકાશ મુનાલાલ અને ટ્રક ટ્રેઇલરના વહીવટ કરતા રાજ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર બનાવ મામલે માળીયા મિયાણા પોલીસે બન્ને વિરુદ્ધ આઈપીસી કલમ 465, 471, 420, 120(બી) અને 34 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(10:53 pm IST)