Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કોળી પ્રૌઢની હત્યાના આરોપીઓ ન પકડાઈ તો આવતીકાલે જસદણ-વિંછીયા બંધનું એલાન

કોળી સમાજના આગેવાન પોપટભાઈ રાજપરાની જાહેરાતઃ નિર્દોષ ગાંડુભાઈ કોળીનો ભોગ લેવાતા કોળી સમાજમાં આક્રોશ

આટકોટ, તા. ૨૨ :. જસદણના કુંદણી ગામે માછીમારી પ્રશ્ને નિર્દોષ ખેડૂત ગાંડુભાઈ કોળીની છરીના ઘા ઝીંકી હત્યા થતા ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. કોળી પ્રૌઢના હત્યારાઓ ન પકડાઈ તો આવતીકાલે જસદણ અને વિંછીયા બંધનું એલાન કોળી સમાજના આગેવાનોએ આપેલ છે.

જસદણના કુંદણી ગામે નિર્દોષ ખેડૂત ગાંડુભાઈ કોળીની હત્યા થતા જસદણ સરકારી હોસ્પીટલે કોળી સમાજના આગેવાનો ઉમટી પડયા હતા. કોળી સમાજના આગેવાન પોપટભાઈ રાજપરાએ નિર્દોષ ગાંડુભાઈ કોળીના હત્યારાઓ ન પકડાઈ તો આવતીકાલે જસદણ અને વિંછીયા બંધનું એલાન આપેલ છે.

કોળી સમાજના આગેવાન પોપટભાઈ રાજપરાએ વધુમાં જણાવ્યુ હતુ કે, માછીમારી પ્રશ્ને જસદણ તાલુકામાં અગાઉ પણ અનેક મારામારીના બનાવો બન્યા છે. માછીમારીનો કોન્ટ્રાકટ માથાભારે શખ્સોને અપાતો હોય છાશવારે આવા બનાવો બને છે.

નિર્દોષ ખેડૂતની હત્યાના પગલે જસદણ તાલુકામા કોળી સમાજમાં ઉગ્ર આક્રોશ ભભૂકી રહ્યો છે. બનાવની જાણ થતા તાલુકા પંચાયતના પ્રમુખ મનસુખભાઈ, જસદણ પંથકના જિલ્લા પંચાયતના સભ્ય તથા ગામેગામના સરપંચો હોસ્પીટલે એકત્ર થઈ રહ્યા છે અને આ નિર્દોષ ખેડૂતની હત્યાના બનાવનો વિરોધ વ્યકત કર્યો હતો.

(11:37 am IST)