Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ગીર જંગલમાં કનકાઇ મંદિરમાં રાત્રી રોકાણની છૂટ આપવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર

મંદિરમાં રાત્રી રોકાણની છૂટ આપવાથી વન્યજીવો અને પર્યાવરણને નુકસાન થશેઃ સરકારી પરિપત્ર કાયદા વિરૂધ્ધ હોવાની હાઇકોર્ટમાં રજૂઆતઃ હાઇકોર્ટ દ્વારા સરકાર અને વન વિભાગને નોટીસ

રાજકોટ તા. રર :.. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સપ્ટેમ્બર-ર૦૧૭ ના પરીપત્રથી  ગીર જંગલના સેન્કચ્યુરી વિસ્તારમાં આવેલ કનકાઇ મંદિરમાં પ્રવાસીઓને રાત્રી રોકાણની પરવાનગી આપવામાં આવતા તે પરીપત્ર કાયદાથી વિરૂધ્ધનો તથા વન્ય જીવોને નુકશાન કરતા હોવાથી રાજકોટ સ્થિત વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં પડકારાતા હાઇકોર્ટે ગુજરાત સરકાર, વન વિભાગ તથા કનકાઇ મંદિર ટ્રસ્ટ સામે કારણ દર્શક નોટીસ કાઢવામાં આવતા વનપ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી ગયેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ભારત સરકારના પાર્લામેન્ટરી કમીટીના રીપોર્ટ મુજબ સને ૧૯૯ર-૯૩ થી ગીર જંગલમાં આવેલ કનકાઇ તથા બાણેજ મંદિરોમાં પ્રવાસીઓની અવરજવરમાં અતિશય વધારો થતા ગુજરાત સરકાર દ્વારા તા. ૪-૮-૯૩ તથા તા. ૩-૧૧-૯૮ ના પરિપત્રો બહાર પાડી કનકાઇ તથા બાણેજ મંદિરમાં પ્રવાસીઓને રાત્રી રોકાણની મનાઇ ફરમાવી અને સેન્કચ્યુરી વિસ્તારમાં સૂર્યોદયથી સુર્યાસ્તના સમય સુધી જ પ્રવેશ આપવાનો નિયમ બનાવવામાં આવેલ હતો.

કનકાઇ મંદિરના ટ્રસ્ટ કનકેશ્વરી જીર્ણોધ્ધાર સમિતિ દ્વારા સરકારશ્રીના ઉપરોકત પરીપત્રોને સને ર૦૦૮ માં ગુજરાત ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવેલ અને એવી રજૂઆત કરવામાં આવેલ કે તુલસી શ્યામ મંદિરમાં જો રાત્રી રોકાણની પરવાનગી આપવામાં આવતી હોય તો તે જ રીતે કનકાઇમાં પણ રાત્રી રોકાણની છૂટ આપવી જોઇએ જે માંગણી ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા. ર૪-૩-ર૦૦૮ ના રોજ ગ્રાહય રાખવામાં આવેલ ન હતી. ત્યારબાદ વખતો વખત કનકેશ્વરી જીર્ણોધ્ધાર સમિતિ દ્વારા સરકારમાં  નિયમોની છૂટછાટ કરવા રજૂઆતો કરવામાં આવેલ જે રજૂઆતો ધ્યાને લઇ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તા. ૧-૯-ર૦૧૭ ના રોજ નવો પરીપત્ર બહાર પાડી અગાઉના એટલે કે તા. ૪-૮-૯૩ તથા તા. ૩-૧૧-૯૮ ના પરીપત્રોમાં ફેરફાર કરી કનકાઇ મંદિરમાં એક દિવસ પ૦ વ્યકિતઓને રાત્રી રોકાણ કરવા પરવાનગી આપવામાં આવેલ અને તે પરવાનગી મંદિરના ટ્રસ્ટના હોદેદારોની ભલામણથી વન વિભાગ દ્વારા પાસ પરમીટ આપવામાં આવશે તેવુ ઠરાવવામાં આવેલ હતું.

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વિવાદીત પરીપત્ર બહાર પડાયાનું રાજકોટમાં આવેલ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટના ધ્યાન ઉપર આવતા ટ્રસ્ટ દ્વારા તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત આર. ટી. આઇ. માં અરજીઓ કરી પરીપત્રના નિર્ણયને લગતા તમામ દસ્તાવેજો મેળવેલ હતા જે તમામ દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ ઉપરોકત પરીપત્ર કાયદા વિરૂધ્ધનો અને વન્ય જીવો તથા પર્યાવરણને નુકશાનકારક હોવાનું જણાતા તે સંદર્ભે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટે સરકારમાં રજૂઆતો કરેલી પરંતુ સરકાર દ્વારા કોઇ નકકર પગલા ન ભરાતા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં એડવોકેટ તુષાર ગોકાણી, તથા પ્રતિક જસાણી મારફતે પી. આઇ. એલ. (જન હિત યાચીકા) દાખલ કરવામાં આવેલ છે.

વિશેષમાં એ મુદ્ે પણ લેવામાં આવેલ છે કે ગીર જંગલમાં અંદાજે રપ થી ૩૦ જેટલા અલગ અલગ ધર્મસ્થાનો છે અને જો તમામ લોકોને આ રીતે રાત્રી રોકાણની પરવાનગીઓ આપવામાં આવે તો જંગલ શહેર બની જાય અને વન્યજીવોને તથા પર્યાવરણને અતિ ગંભીર નુકશાન થાય તેમે છે. પ્રવાસીઓ માટે ગીર નેશનલ પાર્ક તથા સેન્કચ્યુટી ૧પ જુનથી ૧પ ઓકટોબર સુધી તમામ લોકો માટે બંધ રાખવામાં આવે છે જયારે સરકારના તા. ૧-૯-ર૦૧૭ ના વિવાદીત પરીપત્રમાં સેન્કચ્યુરી બંધ હોય ત્યારે પ્રવેશબંધીનો કોઇ ચોકકસ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

વાઇલ્ડ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા આવેલ પી. આઇ. એલ. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીશ શ્રી આર. સુભાષ રેડ્ડી તથા વી. એમ. પંચોલીની ખંડપીઠ સમક્ષ સુનાવણીર્થે નીકળતા અરજદાર ટ્રસ્ટ તરફે ઉઠાવાયેલ મુદાઓમાં વજૂદ જણાતા હાઇકોર્ટ દ્વારા તા. ૧-૯-ર૦૧૭ નો વિવાદીત પરીપત્ર શા માટે રદ ન કરવો તે બાબતે જવાબ રજૂ કરવા સરકાર, વન અને પર્યાવરણ વિભાગ તથા કનકેશ્વરી જીર્ણોધ્ધાર સમિતિને નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સિંહોને મધ્ય પ્રદેશના કૂનો જંગલમાં ખસેડવા સામે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટે જ પહેલ કરી સુપ્રિમ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલ છે જેની સુનાવણી પણ ટૂંક સમયમાં થનાર હોય સરકારના તમામ નિર્ણયો પર  પક્ષકારો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ કેસમાં વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ વતી હાઇકોર્ટમાં એડવોકેટ નવીનભાઇ પાહવા, તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, અને રીપન ગોકાણી તેમજ રાજકોટના ધારાશાસ્ત્રીઓ મોહનભાઇ સાયાણી, અભયભાઇ ભારદ્વાજ, દિલીપ પટેલ, સ્તવન  મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ રોકાયેલા છે.

(11:42 am IST)