Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ભારતીય નાગરીકના પાસપોર્ટ હોલ્ડરની વેલ્યુ વિશ્વસ્તરે ખૂબ જ મહત્વની : પૂનમબેન માડમ

જામનગરમાં પાસપોર્ટ કેન્દ્રનું ઉદ્દઘાટન

જામનગર, તા.૨૨ : ફેબ્રુઆરી ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ભારતીય ડાક ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય અમદાવાદ અને મુખ્ય ડાકઘર જામનગરનાં સહયોગથી પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્ર જામનગરનું સાંસદશ્રી પૂનમબેન માડમ અને જામનગર શહેરનાં અગ્રગણ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબિન કાપી અને દિપ પ્રાગટ્ય  કરી ઉદ્દદ્યાટન કરવામાં આવેલુ હતુ.

ટાઉનહોલ જામનગર ખાતે યોજવામાં આવેલ ઉદ્દદ્યાટન સમારોહમાં સાંસદશ્રી પૂનમબેન માડમએ પોતાના વકતવ્યમાં દેવભુમિદ્વારકા અને જામનગરની જનતાને અભિનંદન આપતા જણાવ્યુ હતુ કે, પાસપોર્ટ માટે અમદાવાદ કે રાજકોટ જવુ નહી પડે. પાસપોર્ટની સંપૂર્ણ સુવિધા કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર દ્વારા અને આપ સૌના સહયોગથી અહી જામનગરમાં જ ઉપલબ્ધ થઇ છે. વિદેશ પ્રવાસ જવા માટે પાસપોર્ટ અત્યંત મહત્વનું ડોકયુમેન્ટ છે. જેની સુવિધા આજે ઘર આંગણે ઉપલબ્ધ થઇ શકી છે. ભારતીય નાગરીકનાં પાસપોર્ટ હોલ્ડરની વેલ્યુ વિશ્વસ્તરે ખૂબજ મહત્વની છે. તેમણે વધુમાં જામનગરનાં લોકોને પાસપોર્ટ લેવા માટે યોગ્ય વ્યવસ્થિત સુવિધા ગોઠવાય તેવુ આયોજન કરવા અનુરોધ કર્યો હતો.

મેયરશ્રી પ્રતિભાબેન કનખરાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યુ હતુ કે, સાંસદશ્રી પૂનમબેન માડમનાં અને આપ સૌના સહયારા પ્રયત્નોથી જામનગરની જનતાને આવી સરસ પાસપોર્ટ માટેની સુવિધા પ્રાપ્ત થવા બદલ અભિનંદન પાઠવેલ હતા.

ડેપ્યુટી પાસપોર્ટ ઓફીસર શ્રીમતી સોનીયા યાદવે પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, જામનગરમાં ખોલવામાં આવેલ ચોથુ પાસપોર્ટ કેન્દ્ર છે. પાસપોર્ટ લેવા માટે ભુતકાળમાં અમુક ડોકયુમેન્ટનાં અભાવે પાસપોર્ટ લેવામાં તકલીફ પડતી હતી જે હવે નવા સુધારેલા નિયમોને કારણે નહી પડે.

આ પ્રસંગે જામનગર શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, પૂર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઇ ચાવડા, જાડાનાં પૂર્વ ચેરમેનશ્રી દિલીપસિંહ ચુડાસમા, ડી.ડી.ઓ.શ્રી મુકેશ પંડ્યા, કમિશ્નરશ્રી બારડ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:25 am IST)