Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જુનાગઢમાં પ્લાસ્ટીકના કારખાનામાં આગઃ ભારે નુકસાન

વીએસએસ રિપ્રોડકશન નામના કારખાનામાં લાગેલી આગને ફાયર ફાઇટરોએ માંડ-માંડ કાબુમાં લીધીઃ પ્લાસ્ટીકના દાણા અને ગઠા ખાખઃ ભવનાથમાં કાર સળગી

 જુનાગઢ તા.રર : જુનાગઢમાં સવારે આગના બે બનાવ બન્યા હતા. જેમાં પ્લાસ્ટીકના કારખાનામાં આગથી ભારે નુકસાન થયુ હતુ અને ભવનાથમાં કાર સળગતા સરપંચનો બચાવ થયો હતો.

જુનાગઢના ભવનાથ પાસે પાજનાકા નજીક આજે સવારે મોટી પાનેલીના સરપંચ બાધાભાઇ ભારાઇની કાર સળગી ઉઠી હતી. આ અંગેની જાણ છતાં મનપાના ફાયર બ્રિગેડ સ્ટાફે તુરંત જ દોડી જઇને આગને બુઝાવી હતી.

આગથી કારનો આગળનો ભાગ નુકસાન પામ્યો હતો. સરપંચ બાધાભાઇનો આબાદ બચાવ થયો હતો.

આ ઉપરાંત શહેરની જીઆઇડીસીમાં આવેલ રફીક ઇબ્રાહીમ આલાનો વીએસએસ રિ-પ્રોડકશન નામના પ્લાસ્ટીકના કારખાનામાં સવારે આગ ફાટી નીકળી હતી.

આ અંગેની જાણ થતા કોર્પોરેશનના બે ફાયર ફાઇટરોએ પહોંચી જઇને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઇ લીધી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ આગથી પ્લાસ્ટીકના દાણા તેમજ ગઠા વગેરે ખાખ થઇ જતા નુકસાન થયુ હતુ.

(3:50 pm IST)