Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ધારી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત

ઉમેદવારો અને અખબારોને પેઇડ ન્યુઝ ન પ્રસિધ્ધ કરવા તાકીદ

એમ.સી.એમ.સી. કમિટીના સભ્યો સાથે બેઠક યોજતા જનરલ ઓબ્ઝર્વર જી.આર.માણકર

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા.૨૧: ૯૪-ધારી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર જી.આર.માણકરે ચૂંટણી લડતા ઉમેદવારો અને વિવિધ અખબારોને તાકીદ કરી છે કે તેઓ કોઇ પણ પ્રકારના પેઇડ ન્યુઝ ન પ્રસિધ્ધ કરે, અન્યથા આ બાબતની ગંભીર નોંધ લઇ આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરકીટ હાઉસ ખાતે યોજાયેલી મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનોટરીંગ કમિટીની બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર જી.આર.માણકરે પેઇડ ન્યુઝ અંગે ચૂંટણી પંચની સરકારી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવા સમિતિના સભ્યોને સૂચના આપી હતી. અને આ બાબતે ભારતના ચૂંટણી પંચની કાયદાકીય જોગવાઇઓની કડકાઇથી અમલવારી કરવા જણાવ્યું હતું.

પેટાચૂંટણીના ફોર્મ પરત કરવાની મુદત પુરી થઇ ગઇ છે ત્યારે આ ચૂંટણીમાં ભાગ લેનાર તમામ ઉમેદવારો પોતાના સમર્થનમાં કોઇ પણ પ્રકારના પેઇડ ન્યુઝનો આશરો ન લે, તે બાબતની કડક દેખરેખ રાખવા  માણકરે સમિતિના સભ્યોને ખાસ જણાવ્યું હતું. પ્રિન્ટ કે ઇલેકટ્રોનિક મીડિયામાં કોઇ પણ પ્રકારના પેઇડ ન્યુઝ નજરે ચડે તો આ બાબત સત્વરે ચૂંટણી અધિકારીના ધ્યાન પર મુકવા અને જરૂરી કાર્યવાહી કરવા પર ભાર મુકયો હતો. પેઇડ ન્યુઝ પ્રસિધ્ધ કરતા અખબારો અંગે ભારતીય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને જાણ કરતાં યોગ્ય પગલાં લેવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રિન્ટ ઉપરાંત ઇલેકટ્રોનિક મીડિયા અને સોશ્યલ મીડિયાનું પણ ઝીણવટભર્યું અવલોકન કરવા  માણકરે સમિતિના સભ્યોને તાકીદ કરી હતી. આ બેઠકમાં મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટીના સભ્ય સચિવ  એસ.બી.જોષીપુરા, સભ્ય પ્રાંત અધિકારી ઉંધાડ અને  દિલીપ રાવળ, માહિતી કચેરીના જી.વી.દેવાણી અને  એસ.એચ.ગોહિલ ઉપસ્થિત રહયા હતા.

(11:28 am IST)