Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા કોરોનાના મૃતકોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત

ઉપરોકત તસ્વીરમાં પત્રકાર પરિષદમાં વિગતો આપતા જયદેવભાઇ જોશી તથા કથાકાર મહાદેવપ્રસાદ મહેતા ઇન્સેટ તસ્વીરમાં દેખાય છે.(૪૫.૩)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૧ : જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીના ધાર્મિક ફાર્મ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયુ હતુ.

જેમા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર અને નાયબ મામલતદાર મહેશભાઇ શુકલ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ધવલભાઇ દવે તેમજ તમામ વોર્ડના પ્રમુખો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદમા જયદેવભાઇ જોશીએ જણાવ્યુ હતુ કે, કોરોના કાળમાં મૃત્યુ પામેલા મૃતકોના મોક્ષાર્થે આગામી તા.૬ નવેમ્બર ભાઇબીજથી જૂનાગઢના આંગણે વિખ્યાત કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે. જેમાં તમામ જ્ઞાતિના લોકો ભાગ લઇ શકશે.

જયદેવ જોષીએ વધુમા જણાવેલ કે આ સપ્તાહનું આયોજન થઇ રહ્યુ છે. તેમાં ૧૦૮ પાટલા નોંધવામાં આવશે. કથા પુર્ણ થયે તેમાથી જે આવક થાય તેમાથી સમસ્ત બ્રહ્મસમાજની વાડી બનાવવા માટે આયોજન હાથ ધરાશે અને જે સ્થળે કથા યોજાય ત્યા જ બ્રહ્મસમાજની વાડીનુ નિર્માણ કરવા કટીબધ્ધતા બતાવી હતી. અંતમા આ ભાગવત સપ્તાહનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કર્યો હતો અને પાટલો લખાવવા માટે અને વધુ વિગત માટે મહિલા પાખના ગીતાબેન જોશી મો. ૯૮૭૯૮ ૭૬૯૦૦ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.

(10:57 am IST)