Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મુંદરા પોર્ટ પરથી 3 હજાર કિલો હેરોઈન પકડાવાના ગંભીર કેસમાં આયાતકાર પેઢીના સંચાલક દંપતીના 10 દિવસના રિમાન્ડ મંજુર

ભુજની સ્પેશિયલ NDPS કૉર્ટમાં પાલારાથી વિડિયો કોન્ફરન્સ મારફતે રજૂ કરાયાં: આરોપી દંપતી તમિલનાડુના ચેન્નાઈનું રહીશ

ભુજઃ મુંદરા પોર્ટ પરથી 3 હજાર કિલો હેરોઈન પકડાવાના ગંભીર પ્રકરણમાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે ટેલ્ક સ્ટોનના નામે માલ મગાવનાર આયાતકાર પેઢીના સંચાલક દંપતીના ૧૦ દિવસના રીમાન્ડ મેળવ્યાં છે. આરોપી મચવરમ્ સુધાકર અને તેની પત્ની ગોવિંદ રાજુ દુર્ગા કુર્ના વૈશાલીને આજે ભુજની સ્પેશિયલ NDPS કૉર્ટમાં પાલારાથી વિડિયો કોન્ફરન્સ મારફતે રજૂ કરાયાં હતા. આરોપી દંપતી તમિલનાડુના ચેન્નાઈનું રહીશ છે.

દંપતી આંધ્રપ્રદેશના વિજયવાડામાં આશી ટ્રેડિંગ કંપનીના નામે પેઢી ધરાવે છે. આ પેઢીના નામે તેમણે અફઘાનિસ્તાનથી સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોનનો જથ્થો મુંદરા પોર્ટ મગાવ્યો હતો. જો કે, તેમાં હેરોઈન હોવાની બાતમી મળતાં DRIએ ખાસ ઓપરેશન હાથ ધરી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી અત્યારસુધીનો હેરોઈનનો વિશ્વનો સૌથી વિશાળ જથ્થો સીઝ કર્યો છે.

DRIએ ગાંધીધામ ખાતે ગુનો દર્જ કરી આરોપી દંપતીની ચેન્નાઈથી ધરપકડ કરી હતી. ૧૭-૦૯-૨૦૨૧ના રોજ ચેન્નાઈ મેટ્રો કૉર્ટમાંથી દંપતીના ટ્રાન્ઝીટ રીમાન્ડ મેળવી ભુજ લઈ આવી સ્થાનિક કૉર્ટમાં રજૂ કર્યાં હતા. બેઉને કૉર્ટે પાલારા જેલમાં જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યાં બાદ આજે DRIએ તેમના ૧૪ દિવસના રીમાન્ડ મેળવવા અરજી કરી હતી. DRI વતી પેરવી કરતાં કેન્દ્ર સરકારના ખાસ વકીલ કલ્પેશ ગોસ્વામીએ કૉર્ટ સમક્ષ ગુનાની ગહન તપાસ અને અન્ય લોકોની સંડોવણી જાણવા માટે દંપતીના કસ્ટોડિયલ ઈન્ટરોગેશનની જરૂર હોવાની દલીલ કરી હતી. ભુજની ખાસ NDPS કૉર્ટના જજ સી.એમ.પવારે ગુનાની ગંભીરતાને અનુલક્ષીને દંપતીના ૩૦-૦૯-૨૦૨૧ સુધી ૧૦ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.

(9:14 pm IST)