Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

'ગીર' ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે તૈયાર કરાયેલા આધુનિક ‘‘ઓપન મોટ’’ આવાસોનું તા.૨૪ ઓગસ્ટે વનમંત્રીના હસ્તે લોકાર્પણ

મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આવાસોની અંદર-બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ અપાયો : વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ‘‘ઓપન મોટ’’ પ્રકારના આવાસો તૈયાર કરાયા : પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો આવાસોમાં ઉપયોગ

અમદાવાદ :  'ગીર' ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ‘‘ઓપન મોટ’’પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ‘‘ઓપન મોટ’’ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. એટલુ જ નહિ મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ આપવામાં આવ્યો છે. તા.૨૪ ઓગસ્ટે આ નવનિર્મિત આવાસોનું વન મંત્રી ગણપતભાઇ વસાવા તથા વન રાજ્યમંત્રી રમણભાઇ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.

રાજ્યના ગૌરવ સમા એશિયાઈ સિંહ, ભારતીય વાઘ તથા દીપડા જેવા બિડાલકુળના વન્યપ્રાણીઓ માટે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણીસંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી તાજેતરમાં વન્યજીવોના અદ્યતન આવાસોનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે. નવનિર્મિત આવાસોમાં મુલાકાતીઓ તમામ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકશે. જેનો લાભ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવનાર દેશ-વિદેશના પર્યટકો તથા ગાંધીનગરની પ્રકૃતિપ્રેમી જનતાને થશે.
વન અને પર્યાવરણ વિભાગ હેઠળના ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણીસંગ્રહાલયમાં સસ્તન, સરિસૃપ અને વિહંગ કુળના અલગ અલગ પ્રકારના વન્યપ્રાણીઓ-પક્ષીઓ રાખવામાં આવેલા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેના ડાયનાસોર અને ફોસીલ પાર્ક, અર્થ સેક્શનના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારના છોડ, ક્ષુપ, વેલા અને વનસ્પતિઓ ધરાવતો વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલો બોટનીકલ ગાર્ડન પણ છે. જેનું કેક્ટસ ગાર્ડન એક અનેરૂ આકર્ષણ ધરાવે છે. પ્રતિ વર્ષ ૬(છ) લાખ જેટલા મુલાકાતીઓ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેતા હોય છે.
રાજ્ય સરકાર દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં મુલાકાત લેનાર પ્રવાસીઓને મહત્તમ લાભ આપી શકાય તે હેતુસર ઉદ્યાનમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ  હાથ ધરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રયત્નોથી ભારતીય વાઘ, એશિયાઈ સિંહ તથા દીપડા જેવા બિડાલકુળના વન્યજીવોના સંરક્ષણ તથા સંવર્ધનના ભાગરૂપે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં મુલાકાત લેનાર મુલાકાતીઓમાં વન્યજીવો પ્રત્યે સહાનુભૂતિ અને લોકજાગૃતિ કેળવાય તે હેતુસર આ ત્રણેય પ્રજાતિના વન્યજીવો માટે આધુનિક આવાસોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ આવાસોને તેમાં વસવાટ કરનાર વન્યજીવોની રોજીંદી જરૂરીયાતોને અનુરૂપ ડિઝાઈન કરવામાં આવી છે. વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. આ આવાસો પૈકી એશિયાઈ સિંહ તથા ભારતીય વાઘના આવાસો આધુનિક ઓપન મોટ પ્રકારના હોવાથી મુલાકાતીઓ વન્યજીવોને કોઈપણ પ્રકારના અવરોધ વિના તેઓના કુદરતી વાતાવરણમાં વિહરતા નિહાળવાનો અવસર પ્રાપ્ત થશે. નવનિર્મિત આવાસોમાં વન્યજીવોને ખોરાક, પાણી, સારવાર તથા તમામ ઋતુઓમાં રક્ષણ પ્રદાન કરવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના પ્રયત્નોના ભાગરૂપે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં બિડાલકુળના વન્યજીવ સફેદ વાઘ(Royal Bengal Tiger)-નર(નામ : ગૌતમ, ઉંમર:૨.૫ વર્ષ) તથા માદા વાઘ(નામ : સૃષ્ટિ, ઉંમર - ૧૭ વર્ષ)ને ગુજરાત રાજ્યના વિવિધ ઝૂ માંથી ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે લાવવામાં આવ્યા છે. તેઓને અદ્યતન પ્રકારના ઓપન મોટ આવાસોમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલી સિંહની પ્રખ્યાત જોડ નર સિંહ(નામ-સૂત્રા, વય - ૧૩ વર્ષ) તથા માદા સિંહણ(નામ : ગ્રીવા, વય : ૧૧ વર્ષ)ને નવનિર્મિત આધુનિક ઓપન મોટ પ્રકારના આવાસમાં નિહાળવાનો અવસર પ્રાપ્ત થશે અને મુલાકાતીઓ હવેથી ભારતીય દીપડાઓ [નામ : વીર(નર) વય-૧૪.૫ વર્ષ, જીગર(નર) વય-૧૩ વર્ષ, ગ્રીષ્મા(માદા) વય-૧૨ વર્ષ, જાન્વી(માદા) વય-૧૧ વર્ષ]ને તેના ઓપન-ટુ-સ્કાય પ્રકારના આધુનિક આવાસમાં મુક્ત વિહરતા નિહાળી શકશે.
ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણીસંગ્રહાલયમાં નવનિર્મિત આવાસોનું તથા વાઘની જોડનું પ્રદર્શન માટે તા.૨૪/૦૮/૨૦૨૧ના રોજ સવારે ૧૦-૦૦ વાગે રાજ્યના કેબિનેટ વન મંત્રી તથા રાજ્યકક્ષાના વનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. જેમાં વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, વન્યજીવ અગ્ર મુખ્ય વન સંરક્ષક તથા 'ગીર' ફાઉન્ડેશનના નિયામક વિશેષ ઉપસ્થિત રહેશે જેનો પ્રકૃતિ પ્રેમી નાગરિકોએ લાભ લેવા 'ગીર' ફાઉન્ડેશનના નાયબ નિયામકની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

(6:45 pm IST)