Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

મોરબી પાલિકાને હોંર્ડીંડગ્સની આવક સહિત અન્ય મુદ્દે ઘટતી કાર્યવાહી કરવા મેરજાની તાકીદ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૧: મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજાની પાલિકામાં શુભેચ્છા મુલાકાત દરમ્યાન ધારાસભ્યએ સામાકાંઠે ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા તથા માળખાગત સુવિધા ઉભી કરવાની સૂચના આપી.

મોરબીમાં જાહેરમાં હોર્ડિંગ્સ ખડકી જાહેરાત કરતી જાહેરખબર એજન્સીઓને ઘી-કેળા હોય તેવી સ્થિતિ સામે આવી છે. કારણ કે નગરપાલિકા હોર્ડિંગ્સમાં ટેકસ પેટે એકપણ રૂપિયો વસુલ કરતી નથી. ત્યારે આ મુદ્દે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પાલિકા તંત્ર ઉપર વરસી પડ્યા હતા અને પાલિકાને હોંડીગ્સની આવક માટે તાકીદે કાર્યવાહી કરવા તાકીદ કરી છે.

મોરબીના ધારાસભ્ય મેરજાએ તાજેતરમાં નગરપાલિકાની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને નગરપાલિકા વિસ્તારમાં વિજપોલ અને હોર્ડિંગ્સ ઉપર જાહેરાત આપવા માટેની તાત્કાલિક પોલિસી બનાવી જાહેરાતની આવક વસુલ કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત જીઇબીના વાયરો તેમજ સ્ટ્રીટ લાઈટના લટકતા વાયરો અન્ડર ગ્રાઉન્ડ કરવા, સામાકાંઠે ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા તથા માળખાગત સુવિધા ઉભી કરવા, પંચાસર રોડ (માધાપર) તથા સામાકાંઠે સ્મશાનમાં ભઠ્ઠીની મંજૂરી મળી ગઈ હોય આગળની કાર્યવાહી કરવા અને વિશિપરા સ્મશાન માટે સ્પે. દરખાસ્ત કરવા તેમજ ૧૧૫ વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને ઘટતી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

(1:03 pm IST)