Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

અમુક જગ્યાએ ભુદેવો દ્વારા આજે જનોઇ બદલાવાઇ અમુક જગ્યાએ કાલે બદલાવાશેઃ ભાઇની રક્ષા માટે બહેન રાખડી બાંધશે

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કાલે રવિવારે કરવામાં આવશે. બહેન પોતાના ભાઇને રાખડી બાંધીને ભગવાનને પ્રાર્થના કરીને તેમની રક્ષા માટે આર્શિવાદ આપશે.

રક્ષાબંધન પર્વમાં ભુદેવો દ્વારા જનોઇ બદલવામાં આવે છે જે અંતર્ગત આજે અનેક જગ્યાએ ભુદેવો દ્વારા જનોઇ બદલવામાં આવી હતી. જયારે અમુક જગ્યાએ કાલે જનોઇ બદલવાની વિધી કરાશે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર ખાતે દરેક તહેવારોને અનુલક્ષી, કાર્યક્રમો, જાહેર જનતાના આરોગ્ય લક્ષી કાર્યક્રમો, વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. તેવી રીતે આ વર્ષે પણ તારીખ રર-૮-ર૦ર૧ (રક્ષાબંધન) રવિવારના રોજ સવારે ૯ કલાકે જામનગર શહેરમાં રહેતા સર્વ ભૂદેવો માટે જનોઇ બદલાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મંદિર ટ્રસ્ટની દ્વારા જણાવવામાં આવે છે કે, આ કાર્યક્રમમાં જામનગર શહેરમાં રહેતા સર્વે ભુદેવો બહોળી સંખ્યામાં ભાગ લે. જનોઇ બદલાવવા માટે પૂજાપો, જનોઇ સહિતની પુજા સામગ્રી મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. સાથે સાથે કાર્યક્રમ પુર્ણ થયે જે લોકો જનોઇ બદલાવવા આવેલ છે તે આ માટે બ્રહ્મભોજન પણ રાખવામાં આવેલ છે. વધુ વિગત માટે ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાનો સંપર્ક કરવા જણાવાયું છે.

જેતપુર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર : રક્ષાબંધન (બળેવ )એટલે બ્રાહ્મણો નો મોટો તહેવાર અને આ દિવસે જનોઈ બદલવા નું અનેરૃં મહત્વ હોય સમસ્ત બ્રહ્મ સમાજ જેતપુર દ્વારા આવતી કાલ તારીખ ૨૨, રવિવાર ના રોજ રક્ષાબંધન ના શુભ અવસરે સમુહ જનોઈ બદલાવવા નો કાર્યક્રમ રાખેલ છે જેનો હેતુ દરેક બ્રહ્મ બંધુઓ આ આયોજન મા ઉત્સાહથી ભાગ લઈને યજ્ઞપવિત જનોઈ ધારણ કરી શકે અને બ્રહ્મત્વ પ્રત્યે જાગૃત થાય આયોજન ને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો એ જેતપુર શહેર તાલુકા મા વસતા બ્રહ્મસમાજ ને અપીલ કરી છે આયોજન મા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે . આ સાથે બ્રહ્મ બંધુઓ એ જનોઈ બદલાવવા માટે સાથે લાવવાની સામગ્રી આસન, નેપકીન, તરભાણું, પંચપાત્ર,આચમની ,ગૌમુખી ધોતી-ખેસ લાવવાનું રહેશે ચંદન,ચોખા પવિત્ર જનોઈ અને ફુલ બ્રહ્મ સમાજ દ્વારા અપાશે કાર્યક્રમ સવારે ૯ કલાકે સમસ્ત બ્રહ્મસમાજ ની વાડીમાં શરૂ થઈ જશે તેથી દરેક સમયસર હાજરી આપે

આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી મનહરભાઈ વ્યાસ, અશોકભાઈ જોષી કમલેશભાઈ પંડ્યા, ઉમાકાંતભાઈ જોષી જીજ્ઞેશભાઈ જોષી- સુભાષભાઈ તેરૈયા નિલેશભાઈ જોષી, કેયુરભાઈ પંડયા, હિરેનભાઈ જોષી સહિત આગેવાનો મહેનત કરી રહ્યા છે.

... રક્ષાબંધન ...

તાંતણા વણાય પ્રેમના  વિરના હાથે બંધાશે

રક્ષાબંધન તણો દિવસ  ભાઇબ્હેનથી ઓળખાશે

કુંતા અભિમન્યુંને બાંધી  રાખડી યાદ એની થાશે

ભારતમાં ભાઇબહેનના પ્રેમ આનાથી ઓળખાશે

બલીરાજાથી પરિચિત ઇતિહાસ આ બોલાશે

સુખી સંપન્ન પરિવાર વિરા તણો મળી જાશે.

બહેન તણા આર્શિવાદ વિરા ને મલી જાશે

ઘરઘર હિન્દુ મારા વિરાને રાખડી બંધાશે

કરી ચાંદલો કંકુચોખા લગાવી રાખડી બંધાશે

પ્રેમ ભાવના લાગણીથી તાંતણો આ બંધાશે

કવિ શબ્દ 'રમેશ' બહેન રેખા હાથ રાખડી બંધાશે

ઘણું જીવો મારા વિરા બેનડી આર્શિવાદ દેવાશે.

કવિ - રાજગોર રમેશ એ.

મો. ૯૬૬૪૯ પપ૮૦૪ વાંકાનેર

(12:00 pm IST)