Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

શ્રી જીવનમુકતેશ્વર મહાદેવ (ધારી): જયાં શિવપાર્વતીની સજોડે મૂર્તિમંત સ્વરૂપ બિરાજમાન છે

સુપ્રસિધ્ધ યાત્રાસ્થળ, હરીયાળું પક્ષીતીર્થ, પરમ શાંતિધામ, દર્શનીય પાર્વતી પરમેશ્વરધામ

સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ધારી મુકામે શેત્રુંજી નદીના કિનારે સુપ્રસિદ્ધ, દર્શનીય પાર્વતી પરમેશ્વરધામ શ્રી જીવનમુકતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં ભગવાન શ્રી શિવપાર્વતીનું સજેડે મૂર્તિમંત સ્વરૂપ બિરાજમાન હોય તેવું ગુજરાતનું સૌ પ્રથમ એક માત્ર મંદિર છે તદ્ ઉપરાંત દ્વાદશ જ્યોતિલિંગ દર્શન, શ્રી હનુમાનજી, શ્રી દત્તાત્રેયજી, શ્રી વિશ્વકર્માજી, શ્રી અંબિકામાતા, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી સંતોષીમા, શ્રી રાંદલભવાનીમાં વગેરેના નિજ મંદિરોનું નિર્માણ થયું છે. તેમજ શ્રી રામ-જલારામ મંદિરનું નિર્માણ થયું છે. જ્યાં અનેક ભાવિકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ભવ્ય મંદિરની વિશેષતા એ છે કે તેમાં દિવાલ પર ભગવદ્ ગીતાના એકથી અઢાર અઘ્યાયના તમામ શ્લોક લખવામાં આવ્યા છે. તથા મંદિરની અંદર અરીસાઓ લગાડ્યા છે. જેથી શ્રી રામ જલારામની સેંકડો મૂર્તિઓના ભાવવિભોર દર્શન થાય. પ્રતિ વર્ષ અહી જલારામ જયંતિ ઉજવાય છે. તથા અન્નકૂટ મહોત્સવનું આયોજન થાય છે. સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ. શ્રી મનહરલાલજી મહારાજનાં ભવ્ય સ્મૃતિમંદિરનું આ સ્થળે નિર્માણ થયું છે.

 આપવિત્ર સ્થાનમાં દિવ્ય જીવન સંઘના સ્વામી શ્રી અઘ્યાત્માનંદજી મહારાજ, આણદાબાવા આશ્રમના મહંત શ્રી શાંતિપ્રસાદજી મહારાજ, કબીર આશ્રમના શ્રી રામસ્વરુપદાસજી, ભજનિક સંત શ્રી દેવેન્દ્ર વિજયજી, પૂ. ગીતાદેવીજી, જામનગરના શ્રી ગિરધરલાલજી મહારાજ, જગન્નાથપુરીના શંકરાચાર્યજી, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સ્વરુપાનંદજી મહારાજ, રામાયણી શ્રી મોરારીબાપુ, ગોંડલના શ્રી હરિચરણદાસજી, જૂનાગઢના શ્રી બ્રહ્મગીરી બાપુ વગેરે સંતો મહાત્માઓની પાવન પધરામણી થઇ છે.

 આજે પીપળો, વડ, આંબળા, લીમડો, આસોપાલવ, પારસપીપળો, ભદ્રાક્ષ, સંતરા, નીલગિરિ, આંબા, ચીકુ, કેળ, નાળિયેરી, જાંબુ, જામફળ, ગુલમહોર, સીતાફળ, ચંપો, પપેયા, લીંબુ, અંજીર વગેરે વૃક્ષોની રળીયામણી ઘટા આ સ્થળને ભરપૂર કુદરતી સૌંદર્ય, પક્ષીતીર્થ તથા શાંતિધામ તરીકે સાર્થક કરે છે.

 અહી છેલ્લા ૨૦ વર્ષોથી પ્રતિ વર્ષ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું શ્રાવણ માસમાં આયોજન થાય છે. જેમાં જુદા જુદા ભાગવત કથાકારની અમૃતવાણીનો ભાવિકો લાભ લે છે. પ્રતિવર્ષશ્રાવણ વદ આઠમને જન્માષ્ટમીના પવિત્ર દિવસે કથામાં ધામધૂમથી નંદમહોત્સવ કૃષ્ણ જન્મ ઉજવાય છે. કથાની પૂર્ણાહૂતિ પ્રસંગે મંદિરના શિખર પરથી પ્રભુ પ્રસાદ રુપે સાકર વર્ષાનું આયોજન થાય છે.

  નવરાત્રીના નવ દિવસ ધારીન ગીતા વિઘાલયની બાલિકાઓ અહીં માતાજીની આરાધના કરે છે. હજારો દર્શનાર્થીઓની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, તુલસી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં દર સોમવારે શિવમંદિરમાં હિમાલય દર્શન, કેલાસ દર્શન, ગંગા અવતરણ, શ્રીફળ મંદિર, કલાત્મક રંગોળી વગેરે દર્શનીય શોભા શણગારનું આયોજન કાર્યકરો કરે છે. જન્માષ્ટમી ઉપર મંદિરના વિશાળ પટાંગણમાં મોટો લોકમેળો યોજાય છે. ગીતા વિદ્યાલય દ્વારા સંસ્કાર સિંચન માટે બાલ-મનોવિકાસ કેન્દ્ર ચાલે છે. આ સ્થાનમાં અવારનવાર નિષ્ણાંત તબીબોના નિઃશુલ્ક નિદાન યજ્ઞ યોજાય છે. દર્શનાર્થીઓ માટે પીવાના પાણીના બે પરબ, પ્રાણીઓ માટે પાણીનો અવેડો, પક્ષીઓને ચણ, સાધુસંતોને ભોજન, યુવા સંમેલન, રકતદાન શિબિર, બટુક ભોજન વગેરે સદપ્રવૃત્તિઓ અહીં નિયમિતપણે થાય છે.

 બહારગામથી આવતા દર્શનાર્થીઓ, મુલાકાતીઓ, સતાધારની યાત્રાએ જતા યાત્રાળુઓ તેમની પદયાત્રા દરમ્યાન પર્યાવરણના આ બેનમૂન સ્થળે વિસામો લઇને પાવન થાય છે. સૌરાષ્ટ્રની વિવિધ શાળા-કોલેજના શૈક્ષણિક પ્રવાસ-પર્યટન અહીં યોજાય છે.

 શેત્રુંજી નદીના કંાઠે લગભગ ચારસો જેટલા વિવિધ લીલાછમ વૃક્ષો, રંગબેરંગી પક્ષીઓનો કલરવ, દિવ્ય તથા મનોહર મૂર્તિઓ, તથા વિદ્વાન બ્રાહ્મણોના રુદ્રાભિષેકનો મંત્રોચ્ચાર, આહલાદક  ઋષિકુળનું વાતાવરણ, દર્શનીય પ્રતિમાઓ, પ્રાકૃતિક સૌદર્ય, નૈસર્ગિક વાતાવરણ, તથા લોક કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓથી આ જગ્યા એક પવિત્ર તીર્થસ્થળ તથા યાત્રાધામ તરીકે ભાવિકોના હૃદયમાં સ્થાન પામેલ છે. આ યાત્રાધામના દર્શને આવતા તમામ ભાવિકો અપાર શાંતિથી તથા અલૌકિક ચેતનાની અનુભૂતિ કરે છે. આ ભકિતધામમાં દિવ્ય દર્શનનો અનેરો લ્હાવો લેવા અવશ્ય પધારો.........

શ્રી જીવનમુકતેશ્વર મહાદેવ,

શ્રીજલારામ પ્રાર્થના મંદિર,

નબાપરા. જિ. અમરેલી., મુ. ધારી.

 ડો.કૃષ્ણ કુમાર મહેતા

મો.૯૮૯૮૩ ૧૮૨૮૬

(11:56 am IST)