Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

હાઇવે ઉપર ચાલુ વાહનોના રસ્સા-તાડપત્રી કાપી ચોરી કરતી ગેંગ દ્વારા ચોરી કરેલ મુદામાલ કબ્જેઃ પાટડી તાલુકાના રામગ્રી ગામની સીમમાં વોકળામાં છુપાવેલ

વઢવાણ, તા.૨૧: સંદીપ સિંધ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ સુચના હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.ઢોલ દ્વારા જીલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ખાસ કરીને ધ્રાંગધ્રા - વિરમગામ તથા અમદાવાદ - રાજકોટ હાઇવે ઉપર ચાલુ વાહનોના રસ્સા તાડપત્રીઓ કાપી ખાસ મોડેસ ઓપરેન્ડીથી હાઇવે ચોરીના ગુન્હાને અંજામ આપી કીમતી ચીજવસ્તુઓની ચોરીઓ કરતી ગેંગને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા અંગે અભીયાન હાથ ધરવામાં આવેલ.

આ ગેંગનો ગુન્હાહીત ઇતિહાસ શોધી કાઢતા ગેંગમાં મુખ્યત્વે પાટડી તથા લખતર તાલુકાના અમુક ગામના આરોપીઓ દ્વારા સંગઠીત થઇ ખુન, ખુનની કોશીષ, ગેંગરેપ, લુંટ, ધાડ, ખંડણી, અપહરણ, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ જીવલેણ હુમલો, આર્મ્સ એકટ, પ્રોહીબીશન ભંગ, હાઇવે ચોરી, વાહનચોરી સહિતના અસંખ્ય ગુન્હાઓ આચરેલ હોય, પોલીસ વિભાગ દ્વારા આરોપીઓને અનેક ગુન્હા કામે અટક કરી કોર્ટ હવાલે કરવામાં આવેલ. પરંતુ મજકુર આરોપીઓ કોર્ટથી ગુન્હા કામે જામીનમુકત થયા બાદ ફરીથી પોતાની ગુનાહિત પ્રવૃતિ શરૂ રાખતા હોય, જેથી સંગઠિત ગુન્હા આચરતી ટોળકીના તમામ આરોપીઓ વિરૂધ્ધ અસરકારક કાર્યવાહી હાથ ધરી તેઓની આવી અસામાજીક પ્રવૃતિને કાયમી ધોરણે નેસ્તનાબુદ કરવા સને-૨૦૨૦ માં આ ગેંગના કુલ-૨૦ આરોપીઓ વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.માં ગુજસીટોક એકટ-૨૦૧૫ હેઠળ એફ.આઇ.આર નોંધી કુલ-૧૭ આરોપીઓને અટક કરવામાં આવેલ જે તમામ આરોપીઓ હાલે કોર્ટની જયુડીશ્યલ કસ્ટડીમાં છે.

તેમ છતા પણ આ ગેંગ સાથે સંકળાયેલ અમુક ઇસમો દ્વારા હાઇવે ચોરીના અસંખ્ય ગુન્હાઓ તથા ગુજસીટોકના ગુન્હામાં નાસતો ફરતા આરોપી હનીફખાન કાળો મુન્નો અમીરખાન જત મલૈક રહે.ગેડીયા તા.ચોટીલા વાળા સાથે મળી અન્ય જીલ્લાની હદમાં હાઇવે ચોરીને અંજામ આપી તેનો મુદામાલ ગેડીયા તથા આજુબાજુના ગામોમાં તથા સીમ વિસ્તારમાં છુપાવી રાખતા હોય જેથી તે અંગે હ્યુમન સોર્સ, ટેકનીકલ સોર્સથી હકીકત મેળવી ચોર મુદામાલ શોધી કાઢવા અંગે એલ.સી.બી. ટીમ દ્વારા માલવણ ગેડીયા ઇંગરોડી સેડલા, ખેરવા, સોખડા વિગેરે વિસ્તારમાં સખત પેટ્રોલીંગ ફરી, ફળદાયક હકીકત મેળવવા તજવીજ કરવામાં આવેલ.

દરમ્યાન એલ.સી.બી. ટીમને હકકીત મળેલ કે હાઇવે ચોરી કરતી ગેંગનો મુખ્ય સુત્રધાર હનીફખાન ચોરી કે છળકપટથી મેળવેલ મુદામાલ સાથે પાટડી તાલુકાના રામગ્રી ગામની ધવલી પાટી તરીકે ઓળખાતી સીમમા વોકળામાં છુપાયેલ છે. જે આધારે છાપો મારતા વોકળામાંથી લાઇફબોય સાબુના બોક્ષ નંગ-૧૨ સાબુ નંગ-૮૪૦ કિ.રૂ.૨૫,૨૦૦/ તથા એક કાળા કલરનું બજાજ કંપનીનું નંબર પ્લેટ વગરનુ પલ્સર મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૫,૨૦૦/- ની મુદામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ તેમજ  બજાણા પો.સ્ટે. ખાતે મુદામાલ સોંપી આપેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના એ.એસ.આઇ. ભુપેન્દ્રકુમાર જીણાભાઇ તથા જુવાનસિંહ મનુભા તથા પો.હેડ.કોન્સ. હીતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂસિંહ ભરતસિંહ એ રીતેની ટીમ દ્વારા હાઇવે ચોરીનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

(11:51 am IST)