Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ગોંડલમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ધોડાપુર આવ્યું

વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો : અમરેલીના લીલીયા, વલસાડના વાપી અને અમરેલી તાલુકામાં સવા ચારથી ૪.૫ ઈંચ વરસાદ વરસ્યો છે

રાજકોટ,તા.૨૦ : રાજકોટના ગોંડલ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો છે. ગોંડલના દેરડી, સુલતાનપુર, કમઢીયા, સાજડિયાળી, ખીલોરી, મેતા ખંભાળિયા કેસવાળા સહિતના ગામોમાં ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. આ સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. હજી પણ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ છે. જેથી લોકોમાં હરખની હેલી છવાઈ છે.  ગોંડલ પંથકમાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ કારણે વાસાવડની વાસવડી નદીમાં ધોડા પૂર આવ્યા છે. તો ગોંડલના પાટખિલોરી ગામે નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે. દેરડી (કુંભાજી) વાસાવડ અને અમરેલી તરફ જતા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે.

   તાલુકાના દેરડી (કુંભાજી), પાટખીલોરી, રાવણા, ધરાળા, મોટી ખિલોરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પાટખિલોરી ગામે નદીમાં ઘોડાપૂર આવતી નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે. દેરડી (કુંભાજી) ની કોલપરી નદીમાં પણ પૂરની સ્થિતિ આવી ગઈ છે. ગોંડલના સુલતાનપુરમાં પણ ધોધમાર વરસાદ ચાલુ છે. ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ૪ થી ૫ ઈંચ જેટલા વરસાદને કારણે દેરડી નદીમાં પૂર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના પારડી અને વલસાડ તાલુકામાં ૫.૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો વલસાડના ધરમપુરમાં ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલીના લીલીયા, વલસાડના વાપી અને અમરેલી તાલુકામાં સવા ચાર  થી ૪.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના વગઈ અને ભરૂચના હસોલમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં આજથી ૩ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના અપડેટ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે.

(9:20 pm IST)