Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

અંજાર પોલીસની કસ્ટડીમાં ઘાયલ આરોપીનું મૃત્યુઃ ઢોર મારથી મોત થયું હોવાનો આરોપ

કસ્ટોડિયલ ટોર્ચરથી મૃત્યુ થયું હોવાનો મોટાભાઈનો આરોપ: પોલીસે કહ્યું-છગનને ‘પીવા’ ના મળતાં હતાશામાં માથું ભટકાવ્યું હતું

ગાંધીધામઃ ૪ વર્ષ પૂર્વે અંજારના સાપેડા નજીક બે લાખ રૂપિયાની લૂંટ-ધાડ કરનાર દાહોદના ૪૮ વર્ષિય આરોપી છગન ખીમજી ભાભોરનું જ્યુ. કસ્ટડીમાં મૃત્યુ થયું છે. થોડાંક દિવસ પૂર્વે લોકલ ક્રાઈમ બ્રાન્ચે છગન ભાભોરની ધાડના ગુનામાં ધરપકડ કરી અંજાર પોલીસને સુપ્રત કર્યો હતો. અંજાર પોલીસે ૧૬ જૂનનાં રોજ છગનને કૉર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રીમાન્ડ મેળવ્યાં હતા.

અંજાર પીઆઈ એસ.એન. ગડુએ જણાવ્યું કે રીમાન્ડ અંતર્ગત અમે આરોપીને દાહોદ પણ લઈ ગયાં હતા.દાહોદથી પરત આવ્યાં બાદ આરોપીએ અંજાર પોલીસ મથકના લૉકઅપમાં માથું ભટકાવી પોતાને ઘાયલ કર્યો હતો. ઘટના અંગે અંજાર પોલીસે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી છગનને સારવાર અપાવી મેજિસ્ટ્રેટ સમક્ષ પણ રજૂ કર્યો હતો.

ત્યારબાદ કૉર્ટે તેને ગળપાદર જેલમાં મોકલી આપ્યો હતો. જેલમાં ગયા બાદ આરોપીની તબિયત લથડતાં તેને જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર બાદ પરત જેલ મોકલાયો હતો. જો કે, ગત રાત્રે છગનની તબિયત લથડતાં તેને આદિપુર રામબાગ હોસ્પિટલે લઈ જવાયો હતો. પરોઢે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના સંદર્ભે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડી તપાસ હાથ ધરી છે.

મૃતક છગન ભાભોરના સ્વજનો આજે સાંજે મૃતદેહને લેવા દાહોદથી ગાંધીધામ દોડી આવ્યાં હતા. છગનના મોટાભાઈ કાળીયાભાઈ ભાભોરે અંજાર પોલીસના ઢોર મારથી તેના ભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાનો ગંભીર આરોપ કર્યો છે.

એસપીને કરેલી લેખિત રજૂઆતમાં કાળીયાભાઈએ આરોપ કર્યો છે કે, રવિવારે સવારે ૧૦ વાગ્યે તે છગનને મળવા ગયેલાં ત્યારે તે એક ખૂણામાં નગ્ન હાલતમાં ઊંધો પડ્યો હતો. તેને બોલાવતાં તે જમીન પર ઘસડાતો ઘસડાતો ભાઈ પાસે આવ્યો હતો, તેના માથામાં પાટો બાંધેલો હતો. મોટાભાઈએ પૃચ્છા કરતાં જ તે રડવા માંડ્યો હતો અને તેની સામે દાખલ થયેલાં લૂંટના ગુના સહિત અન્ય ગુના કબૂલવા માટે દબાણ કરીને પોલીસે તેને ઢોર માર માર્યો હોવાનું જણાવ્યું હતું.

કપડાં લોહીથી ખરડાઈ ગયાં હોઈ પોલીસે ઉતારી લીધાં હોવાનું તેણે મોટાભાઈને જણાવ્યું હતું. આ બાબતે કાળીયાભાઈએ રજૂઆત કરતાં પોલીસે ‘જે કહેવું હોય તે સોમવારે કૉર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ કહેજો અને તમારા ભાઈને મળી લેજો’ તેમ કહી પોલીસે પોતાને ત્યાંથી કાઢી મૂક્યો હતો તેમ અરજીમાં જણાવાયું છે.

પોલીસે પોતાને જાણ કર્યાં વગર રવિવારે પોતાના ભાઈને અંજાર કૉર્ટમાં રજૂ કરી દીધો હતો તેમ જણાવી કાળીયાભાઈએ આરોપ કર્યો છે કે રીમાન્ડનો સમયગાળો સોમવારે પૂરો થતો હોવા છતાં પોલીસે શા માટે તેને આગલા દિવસે રવિવારે કૉર્ટ સમક્ષ રજૂ કર્યો હતો?

પોતાના ભાઈનું મૃત્યુ અંજાર પોલીસના ઢોર મારના લીધે થયું હોવાનો આરોપ કરી કાળીયાભાઈએ જવાબદાર પોલીસકર્મીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી તટસ્થ તપાસ કરવા રજૂઆત કરી છે.

અંજાર પોલીસ મથકના લૉકઅપમાં છગને શા માટે માથું અફળાવી ઈજા કરી હતી તે અંગે જણાવતાં અંજારના પીઆઈ એસ.એન. ગડુએ ખુલાસો કર્યો હતો કે છગનને દારૂ પીવાની ભયંકર લત હતી. સ્વાભાવિક છે કે પોલીસ લૉકઅપમાં દારૂ પીવા મળી શકે નહીં. દારૂ પીવા ના મળતાં સંભવતઃ હતાશામાં તેણે પોતાનું માથું અફળાવ્યું હતું. તે અંગે અમે વીડિયોગ્રાફી પણ કરી હતી અને સ્ટેશન ડાયરીમાં પણ એન્ટ્રી કરી હતી.

(11:53 pm IST)