Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મોરબીમાં 500થી વધુ સ્થળો અંદાજે 1.37 લાખ લોકો યોગમય બન્યા.

માનવતા માટે યોગ થીમ હેઠળ મોરબી જિલ્લામાં 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો : મોરબી જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષ સ્થાને યોજાયો

મોરબી : વિશ્વ સ્તરે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સમાંતર મોરબી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષ સ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જિલ્લામાં 483 જેટલા મુખ્ય સ્થળોએ તથા શાળા-કોલેજ કક્ષાએ યોજાયેલા કાર્યક્રમો મળી અંદાજે 1.37 લાખથી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.
વર્ષ 2015 થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવને મંજૂરી મળતા દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘માનવતા માટે યોગ’ની થીમ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસના જવાનો, વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉમંગભર ભાગ લઇ યોગમય બન્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના આગવા અંગ એવા યોગને વડાપ્રધાને વિશ્વ સમક્ષ મુક્યું અને વિશ્વએ તેને સ્વિકારી લીધું. આપણા જીવનમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. નિયમિત યોગ કરવાથી માનવીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ઉપરાંત માનસિક તેમજ શારીરિક શાંતિ અને વિકાસમાં પણ યોગનું મહત્વનું યોગદાન છે. નાલંદા તેમજ તક્ષશિલા વિદ્યાપીઠના ઉદાહરણ ટાંકી તેમણે જણાવ્યુ હતું કે, તન-મનની તંદુરસ્તી માટે યોગનું આદીકાળથી ખૂબ મહત્વ રહ્યું છે. વધુમાં તેમણે સૌને યોગને જીવનનું અંગ બનાવી દરરોજ યોગ કરવા અપીલ કરી હતી
મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં અંદાજે 3500 થી વધુ લોકોએ યોગાસન અને પ્રાણાયમ કરી યોગ દિવસની ઉજવણીનો ભાગ બન્યા હતા. ઉપરાંત જિલ્લામાં 483 જેટલા મુખ્ય સ્થળોએ યોજાયેલા તથા શાળા-કોલેજ કક્ષાએ યોજાયેલા કાર્યક્રમો મળી અંદાજે 1,37,000થી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર જે.બી. પટેલ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, નાયબ વન સંરક્ષક ચીરાગ અમીન, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નાયબ પોલીસ અધિક્ષક એમ.આઇ. પઠાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, જિલ્લા પૂરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઇ દેથરિયા સહિત અગ્રણીઓ, ઔદ્યોગિક સાહસિકો, અધિકારીઓ, કર્મચારીઓ,યોગા ટ્રેનર્સ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં યોગ સાથે જોડાયા હતા.

(11:22 pm IST)