Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ખોડલધામ મંદિરે ઉજવાયો આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ

યોગ, પ્રાણાયામ, આસન અને કસરતો રજૂ : લોકો મોટી સંખ્‍યામાં જોડાયા

રાજકોટ : યોગનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય અને લોકો નિયમિત જીવનમાં યોગ અપનાવી શારીરિક અને માનસિક સ્‍વસ્‍થ રહે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૬ વર્ષથી વિશ્વ યોગ દિવસની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વ યોગ દિવસની મા ખોડલના સાનિધ્‍યમાં શ્રી ખોડલધામ મંદિરે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે મા ખોડલના વિશેષ શણગાર કરવામાં આવ્‍યા છે. શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, ખોડલધામના આ પવિત્ર પરિસરમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મા ખોડલની કૃપાથી રળિયામણા અને કુદરતી સૌંદર્યની વચ્‍ચે ખોડલધામ દ્વારા યોગ દિવસ મનાવવા જઈ રહ્યા છીએ ત્‍યારે દેશવાસીઓને ખૂબ ખૂભ શુભકામના. વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત સવારે ૬ કલાકે મા ખોડલ સહિત દેવી-દેવતાઓની આરતીથી કરવામાં આવી હતી. ત્‍યારબાદ યોગ નિષ્‍ણાતો દ્વારા વિવિધ યોગ, આસન, પ્રાણાયામ અને કસરત રજૂ કરવામાં આવી હતી. આ વર્ષે ખાસ કરીને યોગ, પ્રાણાયામ, આસન અને કસરતના માધ્‍યમથી શારીરિક અને માનસિક ફિટનેસ કેવી રીતે જાળવી રાખવી તેના પર ભાર મૂકવામાં આવ્‍યો હતો. ઉઠવા-બેસવાની ટેવથી લઈને કંઈ રીતે યોગ્‍ય સ્‍થિતિમાં ઉભા રહેવું, સુવા માટેની યોગ્‍ય રીત કંઈ હોઈ શકે જેવા વિષયો અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમનું ફ્રેન્‍સ બૂક, યુ-ટયૂબ અને વેબસાઇટ પર લાઇવ પ્રસારણ કરાયું હતું.

(12:42 pm IST)