Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ભાવનગર ખાતે ૮ માં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની શિક્ષણમંત્રીની ઉપસ્‍થિતિમાં ઉજવણી

યોગને એક દિવસ પૂરતો નહી પરંતુ જીવનનો નિયમિત ભાગ બનાવો : જીતુભાઇ વાઘાણી

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૨૧ : શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ આજે વહેલી સવારે મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી.

શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્‍કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિ પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વે સ્‍વિકારી છે.

તેમણે જણાવ્‍યું કે, ‘યોગ ભગાવે રોગ'ના ન્‍યાયે યોગ એ માત્ર એક દિવસની ક્રિયા ન રહેતાં, નિયમિત જીવન શૈલીનો ભાગ બનાવવો જોઈએ.

વડાપ્રધાનશ્રીએ સંયુક્‍ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્‍તાવને સમગ્ર વિશ્વે સ્‍વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્‍વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્‍કૃતિની આ પરંપરાના ફાયદા સ્‍વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, યોગથી વ્‍યક્‍તિગત રીતે ફાયદો થાય જ છે. જયારે તેને સામૂહિક રીતે કરીને સમગ્ર સમાજને પણ સ્‍વાસ્‍થ્‍યપ્રદ, નિરામય બનાવવો જોઇએ.ᅠ

ભાવનગરમાં ગઈકાલે વરસાદ પડ્‍યો હતો. ગ્રાઉન્‍ડ પર પાણી ભરાયા હતા. છતાં, યોગ સાધકોનો યોગ પ્રત્‍યેનો અનુરાગ, ઉત્‍સાહ અને વહીવટી તંત્રની કટિબદ્ધતાના કારણે આજે વ્‍યાપાકરૂપમાં યોગ નિદર્શન શક્‍ય બન્‍યું છે. જે યોગની વ્‍યાપક સમાજ સંસ્‍કૃતિને દર્શાવે છે.

આ અવસરે વડાપ્રધાનશ્રીએ કર્ણાટકના મૈસુરથી જીવંત પ્રસારણમાં જણાવ્‍યું કે, યોગથી તણાવ ઘટે છે. આત્‍મવિશ્વાસ વધે છે. તેને ગમે તે જગ્‍યાએ ગમે ત્‍યારે કરી શકાય છે.

આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીનું યોગ દિવસનું જીવંત પ્રસારણ પણ દર્શાવવામાં આવ્‍યું હતું.

ભાવનગર ખાતે આ સિવાય જિલ્લાકક્ષાની ઉજવણી સીદસર ખાતે આવેલા સ્‍પોર્ટસ ગ્રાઉન્‍ડ ખાતે તેમજ નિલમબાગ પેલેસ, હાથબ બંગલો, વેળાવદર કાળિયાર અભયારણ્‍ય ખાતે પણ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી લક્ષ્યમાં રાખીને ૭૫-૭૫ લોકો સાથે યોગાભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો.

આ તકે ધારાસભ્‍ય સુશ્રી વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયા, ડેપ્‍યુટી મેયર કૃણાલભાઈ શાહ,ᅠ રેન્‍જ આઈ.જી. અશોકકુમાર યાદવ, કલેક્‍ટર યોગેશ નિરગુડે, શહેર ભા.જ.પા.પ્રમુખ રાજીવભાઇ પંડ્‍યા, ડેપ્‍યુટી કમિશનર વી.એમ.રાજપૂત, જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્‍યાસ, પદાધિકારીઓ-અધિકારીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્‍યામાં ભાવનગરની યોગપ્રેમી જનતા ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(11:53 am IST)