Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

લખતર ગ્રામસભામાં હોબાળો

મહિલાઓની ઉગ્ર રજુઆતથી અધિકારીઓ મૂંઝવણમાં મૂકાયા

વઢવાણ,તા. ૨૧ : લખતર ગ્રામપંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નિયત કરવામાં આવેલા એજન્‍ડા મુજબ ચર્ચા કરવામાં આવી હતી. તો કોઈ ગ્રામજનોએ અમુક પ્રશ્નો પણ ઉઠાવ્‍યા હતા. જયારે મહિલાઓની ઉગ્ર રજૂઆતથી અધિકારીઓ મૂંઝાઇ ગયા હતા.

મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ વરમોરાના અધ્‍યક્ષસ્‍થાને આ ગ્રામસભામાં જિલ્લાના પ્રતિનિધિ તરીકે લખતર મામલતદાર જી.એ.રાઠોડ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ગ્રામસભામાં ગામમાં આવેલ આંગણવાડી ભાડે હોવાની રજૂઆત, તો અશોકભાઈ જોષી દ્વારા એજન્‍ડા નિયમ મુજબ ન હોવાનો પ્રશ્ન ઉઠાવ્‍યો હતો.

ગામમાં અંડર ગ્રાઉન્‍ડ ગટરના કામ પૂર્ણ થયા વગર પંચાયતે કેવી રીતે સંભાળી, સંભાળ્‍યા બાદ મેઇન્‍ટેનન્‍સ થાય છે કે કેમ તે અંગે પ્રશ્નો ઊભા થયા હતા. ગામમાં રસ્‍તા તેમજ બ્‍લોકનાં કામો વિગેરે બાબતોના ઠરાવ રજૂ થયા હતા. આ બેઠકમાં મહિલાઓ દ્વારા ગામનાં પ્રશ્નોની ઉગ્ર રજૂઆત થતા અધિકારીઓ મૂંઝાયા હતા. આ બેઠકમાં સરપંચ, ગ્રામપંચાયતના સભ્‍યો, તાલુકા પંચાયતના કર્મચારી, આરોગ્‍ય કર્મચારી, આંગણવાડી કર્મચારી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે ગ્રામપંચાયતના મહિલા સરપંચે ગ્રામસભામાં આવેલી ગામની મહિલાઓ સાથે જ બેસીને અધ્‍યક્ષસ્‍થાન શોભાવ્‍યું હતું.ᅠ

મારી નાખવા ધમકી આપી

ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્‍તારમાં રહેતા જગદીશભાઇ કેશાભાઇ પરમારના દાદાની ગોરી ઘનશ્‍યામપુર ગામે આવેલી જમીન બાબતે કેટલાક શખ્‍સો દ્વારા જીવા ગામની સીમ ખાતે ઢોર માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.

આ બનાવ ગત તા. ૧૨ જુનના રોજ થયા બાદ આજદિન સુધી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા જગદીશભાઇ પરમારની ફરિયાદ હાથ નહીં ધરતા અને દરરોજ ધક્કા ખવડાવી જગદીશભાઈ સાથે આરોપી જેવુ વર્તન કરી માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્‍યું હતું. જેમાં સમાજના આગેવાનો દ્વારા બનાવ બાદ એક અઠવાડિયા સુધી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ નહીં કરવા બાબતે અને હુમલાખોરોને સાવરવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવી ભૂખ હડતાલની ચીમકી આપી હતી. સાથે જ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો પંકજભાઇ છાસીયા દ્વારા જણાવાયુ હતું કે ૨૧ જૂનથી સેવા-સદન ખાતે ડો.આંબેડકર પ્રતિમા સાથે પોલીસની ભેદભાવ ભરી નીતિ સામે સમાજ ભૂખ હડતાળ શરૂ કરશે. અને જયા સુધી યુવાનને ન્‍યાય નહીં મળે ત્‍યાં સુધી આ ભૂખ હડતાળ શરૂ રાખવામાં આવશે

(11:42 am IST)