Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

એગ્રો વેસ્‍ટમાંથી બનાવાય છે બાયો-કોલ

જુનાગઢ અને કેશોદ આસપાસ કાર્યરત છે ૭૦ જેટલા યુનિટો :મગફળીના ફોતરા, સોયાબીન, દિવેલા તેમજ કપાસનો કાચા માલ તરીકે વપરાય છે

રાજકોટ, તા.૨૧: જુનાગઢ અને કેશોદની આસપાસ એગ્રોવેસ્‍ટમાંથી વ્‍હાઇટ કોલ અથવા બાયોકોલ બનાવનારા ૭૦ જેટલા યુનિટો કાર્યરત છે. આ યુનિટો મગફળીના ફોતરા, સોયાબીનના ફોતરા, દિવેલના ફોતરા અને કપાસનો કચરો કાચા માલ તરીકે વાપરીને તેમાંથી બાયોકોલ બનાવે છે જે બોયલર ધરાવતી ઘણી ફેકટરીઓમાં વપરાય છે.

એગ્રોવેસ્‍ટને બાયોકોલમાં ફેરવતા પ્રેસ મશીનો રાજકોટમાં બને છે. રાજકોટના કેટલાક એન્‍જીનીયરીંગ યુનિટો આ પ્રેસ મશીનોનું ઉત્‍પાદન કરે છે.

આ કોલસો બનાવતા યુનિટો જુનાગઢની આજુ બાજુના શીંગદાણાના પ્રોસેસીંગ યુનિટ પાસેથી મગફળીના ફોતરાઓ એકઠા કરે છે. જુનાગઢ જીલ્લામાં આવા લગભગ ૫૦૦ યુનિટો છે જે નિકાસ અને દેશની આંતરિક જરૂરિયાત માટે શિંગદાણાનું પ્રોસેસીંગ કરે છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

આ ઉપરાંત શીંગદાણામાંથી બટર અને અન્‍ય ઉત્‍પાદનો કરનાર યુનિટોમાંથી પણ એગ્રો વેસ્‍ટ મેળવાય છે. આ ઉપરાંત અન્‍ય એગ્રો વેસ્‍ટ ડાયરેકટ ખેડૂતો પાસેથી ખેતરમાં લેવામાં આવે છે. આથી ખેડૂતોને એક વીઘાએ રૂપિયા ૧૫૦૦ થી ૨૦૦૦ની આવક થાય છે.

જૂનાગઢમાં બાયો કોલનું યુનિટ ધરાવતા જગદિશ બારવાડીયાએ કહ્યું, આ બાયોકોગ જેતપુરના સાડી ઉદ્યોગ, કેમીકલ ઇન્‍ડસ્‍ટ્રી, ફાર્મા, કાસ્‍ટીંય, અને ફુડ ઇન્‍ડસ્‍ટ્રી જેવી વિવિધ ઇન્‍ડસ્‍ટ્રીઓમાં વપરાય છે.' તેમના કહેવા અનુસાર, એક મશીન કલાકમાં લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલો બાયોકોલ ઉત્‍પાદન કરે છે. તેમણે આના વિશે જાણવા માગતા લોકો માટે યુ ટયુબ પર વીડીયો પણ મુકાય છે.

(1:36 pm IST)