Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મુંદરાથી ઝડપાયેલાં બે આરોપી મુશેવાલા મર્ડરના શાર્પ શૂટરઃ દિલ્હી પોલીસનો ધડાકો

બિશ્નોઈ ગેંગના ત્રણ ગેંગસ્ટર્સ પૈકી બે જણાં પંજાબી ગાયક સિધુ મુશેવાલા પર ગોળીઓ છોડનારાં બે મુખ્ય શાર્પ શૂટર હોવાનું ખુલ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧

મુંદરાના બારોઈમાંથી ગઈકાલે દિલ્હી પોલીસે ઝડપેલાં બિશ્નોઈ ગેંગના ત્રણ ગેંગસ્ટર્સ પૈકી બે જણાં પંજાબી ગાયક સિધુ મુશેવાલા પર ગોળીઓ છોડનારાં બે મુખ્ય શાર્પ શૂટર હોવાનું જાહેર કર્યું છે.

કશિશ અને પ્રિયવ્રત ઊર્ફે અશોક ઊર્ફે ફૌઝીએ મુશેવાલા પર AK એસોલ્ટ રાયલથી ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. જ્યારે, કેશવકુમારે હત્યા બાદ કશિશ અને ફૌઝીને નાસવા માટે મદદ કરી હતી.

સમગ્ર હત્યાકાંડની સિલસિલાબધ્ધ વિગતો જણાવતાં દિલ્હી સ્પેશિયલ સેલના સ્પેશિયલ કમિશનર HGS ધાલીવાલે કહ્યું કે કેનેડા રહેલાં ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે તેમને સિધુ મુશેવાલાના મર્ડરનું કામ સોંપ્યું હતું. કુલ છ શાર્પ શૂટર્સ સિધુ મુશેવાલાની સતત રેકી કરતાં હતા. હત્યાના દિવસે ૨૯ મેનાં રોજ સિધુ મુશેવાલા મિત્રો જોડે થાર ગાડીમાં જતો હતો ત્યારે છ શાર્પ શૂટરે બે અલગ અલગ કારમાં તેનો પીછો કર્યો હતો.

બોલેરો જીપમાં પ્રિયવ્રત ફૌઝી, દિપક મુંડી અને અંકિત સિરસા બેઠાં હતા. બોલેરો કશિશ ઊર્ફે કુલદિપ હંકારતો હતો. જ્યારે બીજી કોરોલા કારમાં જગરૂપ રૂપા અને મનપ્રીત મન્તુ સવાર હતા.

કોરોલા કારથી થા૨ને ઓવરટેક કરી મનપ્રીત મનુએ તેના ટાયર પર ગોળી મારી હતી. તે જ સમયે ફૌઝી અને કશિશ સહિતના તમામ છ શાર્પ શૂટરે સિધુ ૫૨ પિસ્તોલ અને AK એસોલ્ટ રાયફ્લૂથી ગોળીઓનો વરસાદ વરસાવવાનું શરુ કરી દીધું હતું. ગોળીઓથી વીંધાઈ ગયેલો સિધુ હવે જીવિત નહીં રહે તેવી ખાતરી થયાં બાદ શાર્પ શૂટર્સ સ્થળ પરથી તે વાહનોમાં નાસી ગયાં હતા.

બોલેરોમાં સવાર ફૌઝી સહિતના ચાર આરોપી ફતેહબાદ પહોંચ્યા હતા. ત્યાં આરોપી કેશવકુમાર બીજી કાર લઈને હાજર હતો. આ કારમાં બેસી તેઓ દિલ્હીથી દૂર અલગ અલગ સ્થળે નાસી છૂટ્યાં હતા.

કશિશ, કેશવકુમાર અને ફૌઝી છૂપાવા માટે મુંદરાના બારોઈના ભાડાનું મકાન રાખ્યું હતું. આ ત્રણેની પૂછતાછમાં બહાર આવ્યું છે કે તેમણે સિધુની હત્યા માટે જરૂર પડ્યે ગ્રેનેડ અને ગ્રેનેડ લોન્ચરથી પણ હુમલો કરવાની તૈયારી રાખી તે વિસ્ફોટકો તૈયાર રાખ્યાં હતા.

આ વિસ્ફોટકો તેમણે હરિયાણાના હિસ્સારમાં છૂપાવ્યાં હતા. દિલ્હી પોલીસે આવા આઠ ગ્રેનેડ, લોન્ચર, નવ ઈલેક્ટ્રોનિક ડિટોનેટર, એકે 47 રાયફલ, પિસ્તોલ્સ, જીવતાં કારતૂસ વગેરે હથિયારો પણ જપ્ત કર્યાં છે.

મુંદરાથી ઝડપાયેલાં ત્રણે આરોપી બિશ્વોઈ ગેંગના ખૂંખાર ગેંગસ્ટર્સ છે. તેમના પર હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ

નોંધાયેલાં છે.

મુશેવાલા મર્ડર કેસમાં મુખ્ય 6 શાર્પ શૂટર્સ હતા તે તમામ આઈડેન્ટીફાય થઈ ગયાં છે. જો કે, હજુ અન્ય આરોપીઓ પકડવાનાં બાકી છે. મુશેવાલાના મર્ડર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલાં ૧૬ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. અગાઉ પૂણે પોલીસે નાગોર અને માંડવીથી ઝડપેલાં ગેંગસ્ટર સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીને હજુ મુશેવાલા મર્ડર કેસમાં સંડોવણી સંદર્ભે પોલીસે ક્લિનચીટ આપી નથી.

(10:36 am IST)