Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પાકિસ્‍તાન જેલમાંથી મુક્‍ત ૨૦ ભારતીય માછીમારો સાંજ સુધીમાં વાઘા બોર્ડર પહોંચશે

મુક્‍ત થયેલા ૨૦ માછીમારો પાંચ વર્ષથી પાકિસ્‍તાનની જેલમાં હતા : પાકિસ્‍તાનની જેલમાં હાલ ૫૩૩ માછીમારો છે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૦ : પાકિસ્‍તાનની કરાંચી જેલમાંથી મુકત કરાયેલા ૨૦ માછીમારોને આજે વાઘા બોર્ડરથી ભારત સરકારને સોંપી દેવાશે. પાકિસ્‍તાનની જેલમાંથી છોડવામાં આવેલા આ ૨૦ માછીમારો આજે સાંજ સુધીમાં વાઘા બોર્ડર ઉપર પહોંચી જાય તેવી સંભાવના છે.

વાઘા બોર્ડર ઉપર પાકિસ્‍તાનથી ૨૦ ભારતીય માછીમારો આવ્‍યા બાદ તેઓને વતન જવા ભારત સરકાર દ્વારા વાહન વ્‍યવસ્‍થા કરાશે. પાકિસ્‍તાન જેલમાંથી છુટી ગયેલ ૨૦ ભારતીય માછીમારોને પાકિસ્‍તાનમાં ત્‍યાંની સ્‍થાનિક સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ અપાઇ હતી.

ભારત અને પાકિસ્‍તાનની કાલ્‍પનિક જળસીમામાં પાકિસ્‍તાન મરીન દ્વારા અવાર-નવાર ત્‍યાં ફિશીંગ કરતી ભારતીય બોટો સાથે માછીમારોને ઉપાડી જાય છે. સરકાર દ્વારા આ પ્રશ્ને નિકાલ કરાતો નથી. ભારતના માછીમારી એસોસીએશન પાકિસ્‍તાન જેલમાંથી માછીમારોને બારોબાર રજૂઆત કરીને પાકિસ્‍તાનની જેલમાંથી માછીમારોને છોડાવે છે.

કરાંચીની જેલમાંથી ૨૦ ગુજરાતી માછીમારો મુકત કરવામાં આવ્‍યા છે. જેમાં ગિર સોમનાથના ૧૩, દેવભૂમિ દ્વારકાના ૬ અને જામનગરનો ૧ મળી કુલ ૨૦ માછીમારો પાકની જેલમાં કેદ હતા. જેમાં સોખડાનો નાનજી હામીર વાજા, પંચપીપલવાનો નારણ ઓઘડ કામલિયા, ચીખલીનો દિનેશ ભીખા ચુડાસમા, સોખડાનો મેરૂ દેવશી વાજા, સોખડાનો લાલજી રૂખડ વાજા, ધામાસાનો કાલુ સિગોડ ભના, નાનાવાડાનો કાનજી જાદવ સોસા, કાજરડીનો દેવશી બાબુ મકવાણા, કાજરડીનો રમેશ ડાયા રાઠોડ, કાજરડીનો મનુ નારણ વાળા, કાજરડીનો જીવા પરબત મજીઠીયા, કાજરડીનો દિનેશ મેઘા વાળા, કાજરડીનો દાના વાઘા વાળા, ઓખાનો અબુ ગતાર સીદી, વાડીનારનો નિશાર હારૂન હુંડાડા, ઓખાનો જુનાસ અલી ચાવડા, સાચનાનો અમીન સુલેમાન જાગા, ઓખાનો અનીશ કાદર કુરેશી, ઓખાનો ફરીદ અનવર બેતારા, ઓખાનો અકીલ યુનુસ ખત્રીનો સમાવેશ થાય છે

(1:09 pm IST)