Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

શિક્ષણની જરૂરિયાત અને તકલીફ આપના દ્વારા અમારા સુધી પહોંચાડો :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

કલેકટર પ્રવિણા ડી.કી ની અધ્યક્ષતામાં ત્રિદિવસીય શિક્ષણ પ્રવેશોત્સવની બેઠક યોજાઇ: કચ્છમાં ૨૩ થી ૨૫મી જૂન દરમિયાન ૨૩૫૫૭ બાળકોને શાળામાં અને ૮૩૪૬ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાશે:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે જિલ્લાના પદાધિકારીશ્રી અને અધિકારીઓ બાયસેગના જીવંત પ્રસારણમાં જોડાયા

 

ભુજ :23 થી 25 મી જૂન દરમિયાન રાજ્યમાં યોજાનાર ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩ અંતર્ગત ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમમાં સહભાગી તમામને બાયસેગથી મનનીય માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ,ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં બાળકોને શાળા પ્રવેશ ,નામાંકન, શિક્ષણની ગુણવત્તા અને સ્કુલ મોનીટરીંગ કમિટીના સભ્યોની મીટીંગ વગેરેમાં જોડાઈ ત્યાંની ગુણવત્તા અને ઉપલબ્ધિઓથી માહિતગાર થાવ. શિક્ષણમાં થયેલા નોંધનીય પરિવર્તનની સાથે આપ સૌ શિક્ષણની જરૂરિયાતો અને તકલીફો અમારા સુધી પહોંચાડો.  સરકાર  બાળકોના શિક્ષણ સાથે તેમની જરૂરિયાતથી માહિતગાર થઇ તેને યોગ્ય કરવા પગલાં ભરશે .મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં ગુજરાતમાં શિક્ષણના કાર્યો અને નવા આયામો , પ્રકલ્પો સિદ્ધ  કરવા સૌને અનુરોધ કર્યો હતો.”

  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને  તેમજ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર, શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ સહિતના મહાનુભાવોની ગાંધીનગર સ્થિત શાળા પ્રવેશોત્સવ અંગેની બ્રીફીંગ મિટિંગમાં કલેકટરશ્રી તેમજ  જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના પદાધિકારીઓ સહિતના અધિકારીઓ  બાયસેગ માધ્યમથી જોડાયા હતા. અધિકારીશ્રીઓએ અને પદાધિકારીઓએ  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું શાળા પ્રવેશોત્સવ અભિયાનના અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.    

જિલ્લાકક્ષાએ પણ  કલેકટર પ્રવિણા ડી.કે ના  અધ્યક્ષ સ્થાને આજરોજ કલેક્ટર કચેરી ભુજ ખાતે આ કાર્યક્રમના આયોજન અને સંકલનની બેઠક યોજાઇ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી.પ્રજાપતિએ કચ્છ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમની વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે, કચ્છમાં ગ્રામ્ય અને શહેરની ૧૬૭૮ શાળાઓમાં ૨૩ થી ૨૫મી જૂન સુધી દિવસના ત્રણ તબક્કામાં ૧૪૦૦ શાળાઓમાં પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ બાકીની શાળાઓમાં સ્કૂલ મોનિટરિંગ કમિટીઓ દ્વારા ૧૩૩ રૂટ પર આ કાર્યક્રમ યોજાશે. ૧૦ તાલુકામાં કુલ ૧૨૧૧૬ કુમાર અને ૧૧૪૪૧ કન્યા થઈ ૨૩૫૫૭ બાળકોને શાળા પ્રવેશ અપાશે તેમજ ૪૨૧૨ કુમાર અને ૪૧૩૪ કન્યા થઈને કુલ ૮૩૪૬ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાશે.    રાજ્યકક્ષાના ત્રિદિવસીય ઉત્સવમાં વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય, અંતરજાળ- ગાંધીધામ ખાતે તેમજ ભુજ તાલુકાના હાથીસ્થાન અને  મીરઝાપર ખાતે હાજરી આપશે. જ્યારે કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અંજાર-૪,બિદડા અને ઝરપરા ખાતે શાળા પ્રવેશોત્સવ કરાવશે.સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજ શાળા નંબર-૧, જિલ્લા પંચાયત પ્રમુખ પારુલ બેન કારા ભુજના માધાપર અને લોરિયા ખાતે તેમજ પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય વાસણભાઇ આહીર વરસામેડી-અંજાર, અંજાર-૧૧ , ભુજના કનૈયાબે ખાતે તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા લખપત ,અબડાસા અને નખત્રાણાની સ્કૂલમાં ઉપસ્થિત રહેશે. શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા નખત્રાણા તાલુકાની જીયાપર ,નેત્રા અને વિથોણ સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કરાશે.  આ સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન સર્વેઓ પણ બાળકોને શાળા પ્રવેશ  કરાવશે

  આ બેઠકમાં સર્વ પંચાયત પ્રમુખ તારા પારૂલબેન કારા ઉપપ્રમુખ વણવીર સિંહ રાજપુત, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, બાંધકામ સમિતી ચેરમેન જનકસિંહ જાડેજા, આરોગ્ય સમિતિ ચેરમેન કરસનજી જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઇ રોશિયા, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે,  જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા,  ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા શિક્ષણ અધિકારી ડો.બી.એન.પ્રજાપતિ, ડાયટ પ્રાચાર્યસંજય ઠાકર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનિલેશ. જી. ગોર ,શિક્ષક સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ રામસંગજી જાડેજા તેમજ નાયબ માહિતી નિયામક મિતેશભાઇ મોડાસીયા તેમજ શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિ સાથે સંકળાયેલો પદાધિકારી, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(12:06 am IST)