Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

જૂનાગઢમાં કુરિયરવાળાની ઓળખ આપીને સોનાની માળાની ચીલઝડપ કરનાર ૨ દિવસના રિમાન્‍ડ ઉપર

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૨૧ : જુનાગઢ શહેરના ગીતાનગર સોસાયટી ખાતે રહેતા ફરીયાદી મધુબેન વા/ઓ કાંતીભાઇ વેકરીયા પટેલ ઉવ. ૬૦ ના ઘરે અજાણ્‍યા ઇસમે પોતે કુરીયર લઈને આવેલ હોવાનું જણાવી, કુરિયર વાળા તરીકે ઓળખાણ આપી, ફરીયાદીએ પોતાના ગળામા પહેરેલ તુલશીની સોનાની માળા કિમત રૂ. ૩૦,૦૦૦/- ની ચીલ ઝડપના ગુન્‍હામાં જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી, કોર્ટમાં રજૂ કરી, દિન ૦૨ ના પોલીસ રિમાન્‍ડ ઉપર મેળવવામાં આવેલ છે.

જુનાગઢ રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપ સિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગુન્‍હાની ગંભીરતાને ધ્‍યાને લઇ, પકડાયેલ આરોપીની સઘન પૂછપરછ કરી, જીણવટ ભરી તપાસ કરવા સુચના કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપી આંતર રાજય ગુન્‍હેગાર હોઈ, ગુજરાત રાજયના મહેસાણા, પાલનપુર, હિંમતનગર, ખેડા, આણંદ, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્‍ય, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્‍ય, ગાંધીનગર, જૂનાગઢ, વિગેરે સહિતના જિલ્લા તથા શહેરોમાં પકડાયેલ હોઈ, ખૂબ જ શાર્તિર ગુન્‍હાહિત માનસ ધરાવે છે. જૂનાગઢ ખાતે ગુન્‍હો આચાર્યા પહેલા અને પછી નહિ પકડાવા માટે ખૂબ જ તૈયારી કરવામાં આવેલ હતી, પરંતુ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી તથા સ્‍ટાફના હે.કો. નાથાભાઈ, આઝાદસિંહ, ઇન્‍દ્રજીતસિંહ, ચેતનસિંહ, પોકો કરણસિંહ સંજયસિંહ, સહિતના સ્‍ટાફની ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્‍ટ અને નેત્રમ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા, પોકેટ કોપ એપ્‍લિકેશન અને વડોદરા શહેર પોલીસ સાથે સંકલન કરી, ગણતરીના કલાકોમાં આરોપી કિશોર ઉર્ફે અજય મોહનભાઈ માછી રહે. સમાં, વડોદરા ને રાજકોટ ગ્રીન લેન્‍ડ ચોકડી ખાતેથી પકડી પાડી, ચેઈન સનેચિંગના ગુન્‍હામાં ગયેલ મુદ્દામાલની સોનાની મગમાળા સહિતનો મુદામાલ રિકવર કરવામાં આવેલ હતો.

પકડાયેલ આંતર રાજય આરોપી કિશોર ઉર્ફે અજય મોહનભાઇ પુંજાભાઇ માછી રહે. સમાં, વડોદરા દ્વારા ૧૫ જેટલા કુરિયારના કવર પણ બનાવેલા હતા. જૂનાગઢ ખાતે ડિસ્‍કવર મોટર સાયકલ લઈને આવ્‍યા બાદ પોતે ગુન્‍હો કર્યા બાદ પકડાઈ નહિ અને પોલીસ ગેરમાર્ગે દોરાય તે હેતુથી મોટર સાયકલની નંબર પ્‍લેટ જૂનાગઢ પાસિંગની બનાવી, ગુન્‍હો આચરેલ હતો. ગુન્‍હો આચર્યા બાદ મોટર સાયકલ જેતપુર બાયપાસ ઉપર મૂકી, ત્‍યાંથી પ્રાઇવેટ વાહનમાં રાજકોટ ગ્રીન લેન્‍ડ ચોકડી પહોંચી ગયો હતો. ગુન્‍હો કરવા સમયે પોતે પહેરેલ ટી શર્ટ બદલાવી, શર્ટ પહેરી લીધો હતો, જેથી સીસીટીવી આધારે તપાસ થાય તો, પણ બચી શકાય. પોતાના ફેમિલી તથા છોકરાઓને પોતાની સાથે રાખી, પોલીસ પૂછપરછ કરે તો, બચી શકાય, તેવું આયોજન પણ કરેલ હતું. પકડાયેલ આંતર રાજય આરોપી કિશોર ઉર્ફે અજય મોહનભાઇ પુંજાભાઇ માછી રહે. સમાં, વડોદરા ભૂતકાળમાં વડોદરા શહેર, ગાંધીનગર, અમદાવાદ શહેર, આણંદ જિલ્લા, નડિયાદ, ગોધરા, પાટણ, પાલનપુર, મહેસાણા જિલ્લા, હિંમતનગર, પાદરા વડોદરા, સહિતના જિલ્લા તથા શહેર ઉપરાંત રાજસ્‍થાન રાજયના બાડમેર સહિતના પોલીસ સ્‍ટેશનોમાં આશરે ૩૫ થી ૪૦ જેટલા ગુનાઓમાં પકડાયેલ રીઢો ગુનેગાર હોઈ, પોલીસથી બચવા માહેર હોઈ, ઘણા ગુન્‍હો કર્યા બાદ પોલીસમાં પકડાઈ ના જાય અને કોઈ પુરાવાઓ ના મળે તે માટે અથાગ પ્રયત્‍નો કરવામાં આવેલ હતા. તેમ છતાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત સીસીટીવી કેમેરા તથા પોકેટ કોપ એપ્‍લિકેશન દ્વારા આરોપીની હોશિયારીથી એક કદમ આગળ વિચારી, રાજકોટ ખાતેથી પકડી પાડવામાં આવેલ હતો. ગણતરીના કલાકોમાં જૂનાગઢ પોલીસ દ્વારા આરોપીને પકડી પાડતા, આરોપી પણ પોતે પોલીસથી બચવા અથાગ પ્રયત્‍નો કરવા છતાં પકડાઈ જતા, અચંબામાં પડી ગયો હતો.

 પોલીસ રિમાન્‍ડ દરમિયાન પકડાયેલ આરોપીની વિશેષ પૂછપરછ હાથ ધરી, સી ડિવિઝન પીએસઆઈ જે.જે.ગઢવી, આર. ડી.ડામોર તથા સ્‍ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(1:42 pm IST)