Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

હળવદમાં ૧૨નો ભોગ લેનાર સાગર સોલ્‍ટની દિવાલના પાયા જ ન ભરાયા હોવાનું ખુલ્‍યું : તપાસ માટે સીટની રચના

ઝડપાયેલા આરોપીઓના રિમાન્‍ડની તજવીજ : ૨ શખ્‍સોની શોધખોળ

(દિપક જાની - પ્રવિણ વ્‍યાસ દ્વારા) હળવદ - મોરબી તા. ૨૧ : હળવદ જીઆઇડીસીમાં ૧૨-૧૨ શ્રમિકોનો જીવ લેનાર સાગર સોલ્‍ટની એ કાળમુખી દીવાલમાં પાયા જ ન ભરવામાં આવ્‍યા હોવાનું પોલીસ તપાસમાં સ્‍પષ્ટ બન્‍યું છે ત્‍યારે આ ગંભીર બનાવની તપાસ માટે સીટની રચના કરી પોલીસે છ બે જવાબદાર આરોપીઓની ધરપકડ કરી હોવાનું જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું.

હળવદ દુર્ઘટના અંગે પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા પોલીસવડાએ જણાવ્‍યું હતું કે, તા.૧૮ના રોજ બપોરના બાર વાગ્‍યાના અરસામાં હળવદ જી.આઇ.ડી.સી. ખાતે આવેલ સાગર કેમ એન્‍ડ ફુડ નામના મીઠાના કારખાના શેડની દીવાલ એકા-એક ઘસી પડતા કારખાનામાં કામ કરતા બાર જેટલા શ્રમિકોના મૃત્‍યુ નિપજેલ તેમજ બે શ્રમિકો ઇજા ગ્રસ્‍ત થયેલ હતા. બનાવની ગંભીરતાને ધ્‍યાને લઇ બનાવ અંગેની ઉંડાણ પૂર્વક તપાસ કરવા પોલીસ મહા નિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી ગાંધીનગરના આદેશ અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના સંદીપસિંહ દ્વારા બનાવ સ્‍થળની વિઝીટ કરી સમગ્ર ઘટનાની જીણવટભરી અને ઉંડાણપુર્વકની તપાસ કરવા સુચના આપી સ્‍પેશીયલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમની રચના કરવા આદેશ આપ્‍યો હતો.

જે અન્‍વયે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા એસઓજી પોલીસ ઇન્‍સપેક્‍ટર જે.એમ.આલ, પીએસઆઇ પી.જી.પનારા, આર.બી.ટાપરીયા તથા એસઓજી અને એલસીબી તેમજ હળવદ પોલીસ સ્‍ટાફને સંયુક્‍ત રીતે સીટમાં સામેલ કરવામાં આવ્‍યા છે.

વધુમાં આ ગંભીર ઘટનામાં સીટની રચના સાથે જ સાગર સોલ્‍ટ દુર્ઘટનાના આરોપી અફજલ ઉર્ફે જીવો અલારખાભાઈ ઘોણીયા, વારીસભાઈ ઉફે દેવો અલારખાભાઈ ઘોણીયા, આત્‍મારામ કિશનરામ ઉફે કિશનરામ ચૌધરી, સંજયભાઈ ચુનીલાલ આશરા, મનુભાઈ ઉફે મનોજભાઈ રેવાભાઈ છનુરા અને આશીકભાઈ નુરમહમદ ઉર્ફે નુરાભાઈ સોઢાની પોલીસે ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, દુર્ઘટના સ્‍થળની એફ.એસ.એલ., રેવન્‍યુ ડીપાર્ટમેન્‍ટ ફેકટરી ઇન્‍સ્‍પેકટરની વીઝીટ કરા વામાં આવતા જે દીવાલ એકા-એક ધરાસાઇ થયેલ તે દીવાલ પાયાવીહોણી હોવાનું તેમજ કોઇ પણ જાતના બીમ કોલમ કે આધાર વગરની સિમેન્‍ટના બેલાની બનાવી ફેકટરીના શેડના ભોયતળીયા પર સિધ્‍ધી જ ચણેલ હોય જે બાબતે કારખાના માલીક ,સંચાલકો તથા સુપરવાઇઝરો વિગેરે સારી રીતે જાણતા હતા કે દીવાલ ખુબજ નબળી પાયા વિહોણી બનાવેલ છે તેમ છતા તે દીવાલની લગોલગ દીવાલની ઉંચાઇ કરતા પણ વધુ ઉંચાઇ સુધી મીઠુ ભરેલ બોરીયોની ઉપરા છાપરી થપ્‍પીઓ મારેલ હતી.

 

આ જગ્‍યાએ વધુ જથ્‍થો સ્‍ટોરેજ કરવાનું કામ ચાલુ રાખતા દીવાલ ઉપર મીઠાની બોરીઓ ઘસી આવતા દીવાલ ધરાસાઇ થયેલ જેના કારણે ૯ શ્રમિકો ૨ બાળ શ્રમિકો તથા ૧ નાના બાળકે જીવ ગુમાવેલ હતો. તેમજ એક બાળ શ્રમિકાને સામાન્‍ય ઇજા તથા એક શ્રમિકને ગંભીર ઇજા થયેલ હોય જે બાબતે કારખાના માલીક,સંચાલકો તથા જવાબદારો સામે આઈપીસી કલમ ૩૦૮,૩૦૪,૧૧૪ તથા બાળ મજુર પ્રતિબંધ અને નિયમ અધિનેયમની કલમ ૩(એ) તથા ૧૪ મુજબ ૮ ઇસમો તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરૂધ્‍ધ ગુનો દાખલ થયો છે અને આગળની તપાસ સ્‍પેશીયલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમે હાથ ધરી મરણ જનાર શ્રમિકોના પરીવારના સભ્‍યોના નિવેદનો તેમજ જુદા-જુદા સરકારી વિભાગો પાસેથી સત્‍વરે રીપોર્ટ મંગાવવામાં આવ્‍યા છે.

આ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, એસઓજી પીઆઇ જે.એમ.આલ પોલીસ, હળવદ પીઆઇ કે.જે.માથુકીયા, એલસીબી પીએસઆઇ એન.બી. ડાભી, એન.એચ ચુડાસમા, એસઓજી પીએસઆઇ પી.જી.પનારા, હળવદ પીએઆઈ આર.બી.ટાપરીયા, વી.આર.શુકલ તથા પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(11:11 am IST)