Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જૂનાગઢના રીક્ષા ચાલક ગામેતી યુવાનની હત્યા કરનાર ઝબ્બે : રીમાન્ડ મેળવવા તજવીજ

ફઇના દિકરાની હત્યાનો બદલો લેવા ખૂન કરેલ

 જૂનાગઢ, તા. ર૧ : જૂનાગઢના રીક્ષા ચાલક ગામેતી યુવાનના એક હત્યારાને ડીવાયએસપી સ્કવોડે ગણતરીના કલાકોમાં ઝડપી લેતા તેને રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અહીં મજેવડી દરવાજા બહાર આવેલ ભારત મીલના ઢોરા વિસ્તારમાં રહેતો ગામેતી જુસબ તૈયબ ઉઢા (ઉ.વ.૪પ) નામના રીક્ષા ચાલકની સોમવારની રાત્રે તેના ઘરમાં ઘુસી આઠ શખ્સો જુસબની હત્યા કરીને નાસી ગયા હતાં.

આ હત્યા અંગે સલીમ યુસુફ રામાએ સિરાજશા હમીદશા તથા તૌફિક ઉર્ફે ગુલાબી હમીદશા રફાઇ વગેરે ૮ શખ્સો સામે ફરીયાદ કરી હતી.

દરમ્યાન એસ.પી. નિલેશ જાજડીયાની સુચનાથી ડીવાયએસપી એમ.એસ. રાણાના માર્ગદર્શન હેઠળ તેમની સ્કવોડના જમાદાર એન.એમ. ડાંગર, જે.પી. મેતા, જી.એમ. વ્યાસ, પો.કો. રાજેન્દ્રસિંહ ચૌહાણ, પકંજ સાગઠીયા, ભરત ખાંભલા, રવિન્દ્ર વાંક વગેરે હત્યારાઓને ઝડપી લેવા પેટ્રોલીંગમાં હતાં.

ચારે જોશીપરાના નંદનવન મેઇન રોડ પરના નારાયણ નગર પાસેથી ડીવાયએસપી સ્કવોડના કાફલાએ ફકીર તૌફિકશા ઉર્ફે ગુલાબી હમીદશા રફાઇ (ઉ.વ.૧૯)ની ધરપકડ કરી અ-ડીવીઝનના હવાલે કરી દીધો હતો.  આમ ગણતરીના જ કલાકોમાં ઝડપાયેલ હત્યારો તૌફિકશાએ પોલીસ પૂછપરછમાં જણાવેલ કે અઢી મહિના પહેલા ફઇના દિકરાની હત્યા થયેલ જેનો બદલો લેવા માટે જુસબ તૈયબનું ખૂન કર્યાની કબુલાત આપી હતી. તપાસનીશ પી.આઇ. પી.એન. ગામેતીએ અન્ય ફરાર હત્યારાઓને ઝડપી લેવા માટે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(11:35 am IST)