Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વેરાવળના ડારી ગામે દલિત સમાજના લોકોના પ્લોટોમાં દબાણ થતા રજુઆત

અજાણ્યા શખ્સોએ તળાવ બનાવી જીંગા ઉછેર કેન્દ્ર ચાલુ કરી દીધુ ?!

પ્રભાસ પાટણ તા.ર૧: વેરાવળ તાલુકાનાં ડારી ગામનાં દલિત સમાજનાં હિરાભાઇ સવદાસભાઇ ચાંડપા, રામજીભાઇ મંગાભાઇ ચાંડપા (ડારી) જીતુભાઇ પાલાભાઇ ચાંડપા (સંજયનગર), દુદાભાઇ બાવાભાઇ ચાંડપા (ભાલકા), વાલજીભાઇ તથા લવજીભાઇ વાલજીભાઇ ચાંડપા (ભાલકા) આ તમામ ફરીયાદી અરજદારોએ વેરાવળ તાલુકાનાં ડારી ગામે સર્વે નંબર પ૦૪/૦૧ તથા પ૦૬/૧/ર તથા સર્વે નં.પ૦૭ વાળી જમીન ડારીના ખાતેદાર ખેડુત શેરજીભાઇ આમદભાઇ જાકાણીને નામે હતી અને આ ખેડુત હાલ હયાત છે. આ જમીન તા.ર૦-૩-૧૯૯૧થી વેરાવળ તા.પં.માં બીનખેતી કરવામાં આવેલ અને તેમાં ૧૧ર પ્લોટ કરવામાં આવેલ.

આ પ્લોટ મુળ માલીક અને અન્ય લોકો પાસેથી વેચાતા લેવામાં આવેલ અને આ પ્લોટમાં ભવિષ્યમાં રહેવા જવાનું હોવાથી આ પ્લોટમાં પાયા સુધીનું કામ કરવામાં આવેલ અને કબજો વાળવામાં આવેલ. આ તમામ અરજદારો દલિત સમાજનાં હોવાથી તેઓએ પોતાની બચાવેલી મુડીનાં આ પ્લોટો લીધેલ પરંતુ થોડા સમય પછી આ પ્લોટમાં આટો મારવા જતા કોઇ અજાણ્યા ઇસમોએ આ પ્લોટોમાં ઉંડું ખોદકામ કરી અને અનલીગલી જીંગા ઉછેર કરવા માટેનાં તળાવો બનાવી દીધેલા.

આ બાબતે તેઓને પૂછતા તેઓએ જણાવેલ કે આ જમીન અમારી છે અમોએ ખુબજ મહેનત-મજુરી કરીને બચાવેલા પૈસાનાં લીધેલા પ્લોટો ઉપર આ માથાભારે શખ્સોએ જમીન પચાવી પાડેલ છે તેમજ એવુ તો નથી બન્યુ કે મુળ માલીક દ્વારા આ જમીન ફરીથી વેચી દિધેલ હોય. આ તમામ બાબતની તપાસ કરીને દલિત સમાજનાં લોકોને અમારા મહેનત મજુરીનાં લીધેલા પ્લોટો પાછા મળે તે માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ  રૂપાણ, રાજયસભાના સાંસદ શંભુપ્રસાદ ટુડિયા,  જીલ્લા કલેકટર, ડી.એસ.પી.ને લેખિતમાં રજુઆત કરેલ છે અને યોગ્ય ન્યાય મળે તે માટે માંગણી કરવામાં આવેલ છે.

(11:26 am IST)