Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સોમનાથ- વેરાવળમાં પેવર બ્લોકના કામ મુદ્દેની આરટીઆઇમાં એક વર્ષેય જવાબ નહિ!!

વોર્ડ નં. ૧ થી ૧૧ માં 'લોટ, પાણીને લાકડા'ની જેમ જ કામગીરી પૂર્ણ કરી દેવાયાનો આક્ષેપઃ રાજય માહિતી આયોગમાં પણ બે વખતની અપીલ છતા માહિતી નહિ અપાતા નારાજગીઃ હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની અરજદારની ચિમકી

પ્રભાસ પાટણ તા. ર૧ :.. સોમનાથ-વેરાવળમાં પાંચ કરોડની પેવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે આરટીઆઇ કરાયાને એક વર્ષ વિતી જવા છતાં પણ કોઇ પ્રકારનો જવાબ નહિ મળતા અરજદાર હાઇકોર્ટમાં જવાની તૈયારીમાં છે.

આ મુદ્ે પ્રભાસ પાટણના સામાજીક કાર્યકર હનિફ કાસમભાઇ કાલવાતે અરજીમાં જણાવેલ કે, ર૦૧૪ થી ર૦૧૬ બે વર્ષ દરમિયાન વોર્ડ નં. ૧ થી ૧૧ માં પેવર બ્લોકની કામગીરી આશરે પાંચ કરોડ રૂપિયા ના ખર્ચે પુર્ણ કરાઇ છે, પરંતુ તેમાં ગેરરીતિ થયાની શંકા હોવાથી ર૦૧૪ માં આરટીઆઇ મુજબ પેવર બ્લોક કંઇ કલોલીટીનાં વાપરેલ છે, લેબોરેટરી ટેસ્ટ કરાવેલ છે? શહેરી વિકાસમાં રજૂ કરી મંજૂર કરવેલ છે, કંઇ કંઇ રેતી અને સિમેન્ટ વાપરેલ છે ? કંપની પાસેથી સીધી લીધેલ છે કે ડીલર પાસેથી ? કેટલાક ચો. મીટરનું કામ થયેલ છે ? તે માહિતી માંગ્યાને બે વર્ષ વિતી જવા છતાં પણ હજૂ સુધી સાચી માહિતી આપવામાં આવી નથી.

આ મામલે રાજય માહિતી આયોગમાં પણ બે વખત અપીલ કરેલ છે. જો સત્વરે યોગ્ય કરવામાં નહિ આવે તો નાછૂટકે હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી કરવાની ફરજ પડશે તેવી ઉગ્ર ચિમકી ઉચ્ચારાઇ છે. (પ-૯)

(10:10 am IST)