Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ગોંડલના પિત્રોડા પરિવાર દ્વારા પુત્રીના લગ્નમાં થયેલ રૂ. ૧૦.પ લાખનાં ચાંદલાની રકમ સેવા કાર્યોમાં અર્પણ

જે.પી. પિત્રોડા (સુરેશ્વર) ચેરીટેબલ ટ્રસ્ટની રચના

ધોરાજી તા. ર૧ :.. ગોંડલના આશાપુરા સોસાયટી ખાતે રહેતા લુહાર રાજેશભાઇ પ્રભુદાસભાઇ પિત્રોડાની દિકરી ચિ. સપના ના શુભ લગ્નોત્સવ રીવરસાઇડ પેલેસ -ગોંડલ ખાતે યોજાયેલ હતો જે પ્રસંગમાં પિત્રોડા પરિવારના શ્રીમતી નિલમબેન રાજેશભાઇ પિત્રોડા અને શ્રીમતી જયોતિબેન અજયભાઇ પિત્રોડા પોતાની લાડલી પુત્રી ચિ. સપના ના હસ્તે મેળાપ માં કન્યાદાન આપતા હતા આ સમયે લાડલી દિકરી સ્વસૂર પક્ષમાં જવાથી લાગણીનો દરીયા અશ્રુની ધારાવહીથી વસતો હતો આવા સમયે દિકરીના પિતા રાજેશભાઇ પિત્રોડા અને કાકા અજયભાઇ પિત્રોડા એ જાહેરાત કરી કે મારી દિકરીના લગ્ન પ્રસંગે જે કાંઇ ચાંદલાની રકમ આવશે એ સમાજ સેવાના કાર્યામાં વાપરવામાં આવશે અને એનું ટ્રસ્ટ બનાવી ગોંડલ સાથે ગુજરાત અને દેશની સેવા કાર્યમાં આ રકમ વાપરવામાં આવશે. જેમાં રૂ. પાંચ લાખ એકાવન હજારની ચાંદલાની રકમ પિત્રોડા પરિવારે જ જાહેરાત કરી હતી.

 

એક બાજુ દિકરી સપનાના મંગલ ફેરા ફરતા હતા અને બીજી બાજુ ચાંદલાની આવકનો ધોધ વહતો હતો અને અંતે વિધિપૂર્ણ થતા રૂ. ૧૦,પ૦,૦૦૦ લાખ જેવી માતબર રકમ ચાંદલામાં જમા થઇ ગઇ આ તમામ રકમ રાજુભાઇ પિત્રોડા અને અજયભાઇ પિત્રોડા એ ગોંડલ ભુનેશ્વરી પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ અને ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા, અને ભોજપરા કષ્ટભોજન હનુમાનજી મંદિરના મહંત શ્રી સ્વામી હરીસ્વામી તથા શ્રી શ્યામ સુંદર સ્વામીજી ની હાજરીમાં શ્રી જે. પી. પિત્રોડા (સુરેશ્વર) ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલની રચના કરી તમામ આવેલ ચાંદલાની રકમ  આ ટ્રસ્ટના માધ્યમ દ્વારા સેવા કાર્યમાં વાપરવાની જાહેરાત કરેલ હતી.

આ સમયે રાજેશભાઇ પિત્રોડાએ જણાવેલ કે  ભગવાન શ્રી વિશ્વકર્મા અને મહામંત્રી લેશ્વરશ્રી હરીચરણદાસજી અને ભોલેબાબાની પ્રેરણાથી માતા જયાબા અને પિતા પ્રભુદાસભાઇના આશિર્વાદથી અમારી લાડલી દિકરી ચિ. સપનાના શુભ લગ્ને અમોને દિકરીને વળાવતા વળાવતા અમારા સપના અઘુરા રહી ન જાય એવા શુભ સંકલ્પ થી આજના શુભ લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની રકમ અમો સમાજ સેવાના કાર્યામાં ઉમેરો કરતા કરતા આ સેવા  ને અખંડ જયોત રૂપમાં પ્રગટાવતા રહેશુ અને ખરા અર્થમાં ગરીબ લોકોની સેવા કરતા રહીશુ એવી જાહેરાત કરેલ હતી.

આ તકે સમારોહમાં પૂ. આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજ શ્રી હરીસ્વામીજી, શ્રી શ્યામ સુંદર સ્વામીજી ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા વિગેરેએ દિપ પ્રાગટય કરી છે. જે. પી. પિત્રોડા (સુરેશ્વર) ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલને ખુલ્લુ મુકેલ હતું.

આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વ કર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડ, મજેવડી દેવતણખી ધામના શાન્તીભાઇ ગોહીલ, અમદાવાદના અશ્વિનભાઇ ચૌહાણ, લુહાર સમાજના પરેશભાઇ દાવડા, રાજકોટ શિયાણી લુહાર સમાજ જ્ઞાતિ પ્રમુખ ભુપતભાઇ ડોડીયા, પ્રદર્શનના પ્રણેતા જેન્તીભાઇ ડોડીયાળાવાળા ગોંડલ વિદ્યા ઉતેજક મંડળના પ્રમુખ શાંતિભાઇ પિત્રોડા સહિત ગુજરાતભરના લુહાર પંચાલ સમાજના અગ્રણીઓ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. અને લુહાર સમાજે ગુજરાતમાં આ પ્રથમ દાખલો બેસાડેલ હતો કે દિકરીના લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની રકમ સેવા કાર્યમાં વપરાશે સમારોહને સફળ બનાવવા માટે કુલદીપભાઇ પિત્રોડા, રોનકભાઇ પિત્રોડા, સુરેશભાઇ હણસોરા (જુનાગઢ) રોહીતકુમાર ઉમરાણીયા (પોરબંદર)  વિક્રમકુમાર મકવાણા રાજકોટ તથા બેનશ્રી પારૂલબેન, ક્રિષ્નાબેન, નૈનાબેન તથા કાકુભાઇ જે. પિત્રોડા, ભુપેન્દ્રભાઇ જે. પિત્રોડા વિગેરે પિત્રોડા પરિવારે જહેમત ઉઠાવેલ હતી.

આ પ્રસંગે વેવાઇ પક્ષના શ્રીમતી જયોતિબેન અનિલભાઇ સિધ્ધપુરા એ પિત્રોડા પરિવારના સેવા કાર્યોને બીરદાવેલ અને ચિ. સપના અમારા પુત્ર ચિ. સંદિપ સાથે મંગલમય જોડાતા હર્ષની લાગણી વ્યકત કરેલ હતી.

(10:09 am IST)