Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

મુંબઇમાં કોમ્પ્યુટર એન્જીનિયરીંગની નોકરી છોડીને અમરેલીના સરકારી પીપળવાના યુવા દ્વારા મધમાખી ઉછેર કેન્દ્ર સ્થાપ્યુ

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામના તરવરીયા અને ઉત્સાહી શ્રી મનિષભાઇ વઘાસીયાએ મુંબઇ ખાતેથી કોમ્પ્યુટર એન્જિનિયરીંગની નોકરી છોડી પોતાના વતનમાં મધમાખી ઉછેર - ખેતીનો પ્રારંભ કર્યો.

નવું કરવાનો એમનો તરવરાટ બીજાને માટે પણ પ્રેરણા આપે એવો એમની વાતોમાં કોમ્પ્યુટર એન્જિનિયર હોવા છતાંય અત્યંત સરળતા અને સાદગી જોવા મળી. મધમાખીની ખેતી-ઉછેરની વાત કરતા જ મનિષભાઇના પહેલા શબ્દો હતા કે મારે કંઇક નવું કરવું છે, મેં આ ખેતી શરૂ કરતા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બીજા કેટલાય સ્થળો પર ફર્યો હતો. સૌરાષ્ટ્રનું વાતાવરણ લગભગ બધા જ પાક માટે અનુકૂળ, જયાં કુદરત મન મૂકીને આપે ત્યાં આ મધમાખીનો ઉછેર-ખેતી પણ સફળ જ નીવડે એમ હતી.

રાજય સરકારના બાગાયત વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાગાયત મિશન અંતર્ગત રૂ.૧.૧૦ લાખની સહાય મેળવી શરૂઆત ૫૦ પેટીથી કરી, અત્યારે ૨૦૦ પેટીમાં મધમાખીઓ છે જેથી મધનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં મળી રહે છે, તેમ શ્રી મનિષભાઇએ જણાવ્યું. મધમાખી ઉછેરની ખાસિયત એ છે કે જે ખેતરમાં મૂકીએ-રાખીએ એ ખેતરમાં જે પાક હોય તે પાકમાં ફૂલમાંથી ફળમાં રૂપાંતરણ-ફલીકરણની પ્રક્રિયા વધુ સારી રીતે થાય એટલે પાક ઉત્પાદન વધુ મળે પણ એથી વધુ સારી બાબત એ કે ગુણવત્ત્।ાયુકત ઉત્પાદન મળે છે. મધમાખીના ઉછેરની સાથે મધ ઉત્પાદન પણ થાય ખેડૂતને ઓછામાં ઓછા ખર્ચે અન્ય પાકોનું જંગી ઉત્પાદન કરવાની તક સાંપડી શકે છે.

શ્રી મનિષભાઇએ કહ્યું કે, મધ એ માત્ર ઔષધિ નહિ એ ખોરાકમાં ઉપયોગમાં લઇ શકાય તેમ છે. મધ એ વજન ઉતારવા, ચામડીના રોગો ખાસ કરીને સોરાયસીસ, પાચનક્રિયાને સક્રિય કરવા, અનિંદ્રા દૂર કરવા, શારીરિક દુર્બળતા દૂર કરવા સહિત મધના અનેકવિધ ઉપયોગ છે. સોરાયસીસની સમસ્યા ધરાવતા હોય તેમને ૧૦૦ ટકા અકસીર સારવાર મધના પ્રયોગથી મળી રહે છે. મધની વિશેષતાઓ જોતા તેને કલ્પતરૂ સમાન કહી શકીએ.

મધુક્રાંતિના ક્ષેત્રમાં કંઇક નવું કરવાની તક મને મળી શકે તો હું પોતાને સદ્દભાગી સમજું. દેશ-વિદેશમાં મધના વેચાણની ઉમદા તકો છે ત્યારે સમગ્ર ભારતના ખેડૂતો આ મધમાખીની ખેતી તરફ આગળ વધે તે મારા માટે આનંદની ક્ષણ હોય શકે છે. જેમને મધમાખી ઉછેરની અથ થી ઇતિ માટે મો. નં. ૮૨૦૦૧ ૭૯૯૧૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.(૨૧.૫)

સંકલન : દિવ્યા છાટબાર, માહિતી ખાતુ, અમરેલી

 

(9:26 am IST)