Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કાગવડ - ખોડલધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ૪ વર્ષ પૂર્ણ

કોરોના મહામારીના કારણે આ વખતે સાદગીપૂર્ણ ઉજવણી : નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટી મંડળે માતાજીના દર્શન કર્યા : લાઇવ આરતીનો ભાવિકોએ લાભ લીધો

વિરપુર (જલારામ) : કાગવડ ખોડલધામ ખાતે આજે પ્રતિષ્ઠા મહોત્સવના ૪ વર્ષ પૂર્ણ થતા તેની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : કિશન મોરબીયા, વિરપુર - જલારામ)

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૨૧ : શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયો યજ્ઞ તેમજ લાઈવ આરતી,લાખો ભાવિકોએ લાઈવ આરતીનો લ્હાવો લીધો તેમજ ભાવિકોએ ઘરે બેઠાં લાઈવ આરતીના દર્શન કરી મા ખોડલનું પૂજન કર્યું હતું.

સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાનું પ્રતીક એટલે ખોડલધામ- કાગવડ તેમાં ૨૧ જાન્યુઆરીનો દિવસ દર વર્ષે ખોડલધામ માટે મહત્વનો હોય છે. ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત ૨૧ દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરના આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૧ જાન્યુઆરી ને ગુરુવારના દિવસે લાખો ભકતોએ આ લાઈવ આરતીનો લ્હાવો લીધો હતો.

૨૧ જાન્યુઆરીએ દર વર્ષે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ધામધૂમથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અને મોટી સંખ્યામાં ભાવિકો મા ખોડલના દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થવું હિતાવહ ન હોવાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીમંડળ દ્વારા પાટોત્સવની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. જેથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે ખોડલધામ મુકામે યજ્ઞ તેમજ લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઈવ આરતીનો લાખો ભકતોએ ઘરે બેઠાં લ્હાવો લીધો હતો અને મા ખોડલના દર્શન કરી પાટોત્સવની ઉજવણી કરી હતી.

ભકતોએ ઘરે જ મા ખોડલનું પૂજન પણ કર્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે આજે માં ખોડલના દર્શન કરી જણાવ્યું હતુ કે દર વર્ષે ૨૧ જાન્યુઆરીના દિવસે ખોડલધામ મુકામે ધામધૂમથી પાટોત્સવ ઉજવાય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈને સાદગી પૂર્ણ રીતે તેમજ લાઈવ આરતી કરી માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે, તેમજ સર્વે ભકતોને આહ્વાન કરવામાં આવ્યું હતું કે સૌએ ઘરે જ મા ખોડલની મૂર્તિ કે છબીનું સ્થાપન કરીને કંકુ અને ચોખાથી ચાંદલો કરવો, ત્યારબાદ મા ખોડલને ચુંદડી પહેરાવવી અને ફૂલનો હાર અર્પણ કરી ત્યારબાદ મા ખોડલને પ્રસાદ ધરીને દિવો પ્રગટાવી પૂજન કરવું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આ આહ્વાનને ઝીલી ભકતોએ ખોડલની મૂર્તિ કે છબીનું સ્થાપન કરીને પૂજન કરી આશીર્વાદ લીધા હતા.

(1:30 pm IST)