Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રાજ્ય સરકાર ૯૦૦ના ભાવે મગફળી ખરીદ નહીં કરે તો આંદોલનઃ અર્જુનભાઈ મોઢવાડીયા

પોરબંદર, તા. ૨૦ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિન પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ રાજ્યમાં રૂ. ૯૦૦ના ટેકાના ભાવથી મગફળીની ખરીદી બંધ કરવાના ભાજપ સરકારના નિર્ણયની આકરી જાટકણી કાઢતા જણાવ્યું હતુ કે, વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તમામ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી ખરીદી લેવામાં આવશે તેવી લોલીપોપ આપીને ખેડૂતોના મત મેળવી લીધા અને ખેડૂતોની મગફળી ખરીદવાના નામે મળતીયાઓને લાભ અપાવીને આજથી ખેડૂતોની મગફળી બંધ કરીને રાજ્યના ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે. તાત્કાલિક ધોરણે પુનઃ વિચારણા કરીને મગફળીની ખરીદી ચાલુ રાખવા અને ખરીદીમાં થયેલ વગે વાવણા અને ભ્રષ્ટાચારની તપાસ કરવા માગણી કરી છે.

તેમણે જણાવ્યુ હતુ કે ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનો ૩૫ લાખ ટન જેટલો મબલખ પાક થયો છે. ભાજપ સરકારની જીએસટી નોટબંધી તથા ખેડૂત અને વેપારી વિરોધી જીએસટીના કારણે સ્થાનિક ખરીદીમાં ઘટાડો થયો છે. નિકાસ માટેના પ્રોત્સાહનો પરત ખેંચાયેલા છે તે સંજોગોમાં ઈતિહાસમાં પહેલી વખત ખેડૂતોની મગફળીના માંડ રૂ. ૭૦૦ની આસપાસ ભાવ ઉપજે છે. વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોવાથી ભાજપની રાજ્ય સરકારે ૨૦ કિલોના રૂપિયા ૯૦૦ના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી અને ગુજરાતમાં ગુજકોમાસોલ તથા ગુજકોટ જેવી સહકારી સંસ્થાઓની રાહબરીમાં ભાજપ સાથે સંકળાયેલ સ્થાનિક સહકારી સંસ્થાઓ મારફત ખરીદી કરવાનું શરૂ કરાયું હતું. માત્ર સૌરાષ્ટ્રમાં જ ૨૦૦ કરતા વધારે સહકારી સંસ્થાઓને ખરીદી કરવાનું કામ સોંપ્યુ હતું. આ સહકારી સંસ્થાઓમાંથી મોટા ભાગની તો કાગળ ઉપર ચાલતી હતી. ભાજપના મુખ્યમંત્રી સહિતના તમામ ઉચ્ચ હોદેદારોએ ખેડૂતોને હૈયાધારણા આપી હતી કે તેઓ રૂ. ૯૦૦ કરતા ઓછા ભાવે મગફળી ના વેંચે. તેમની તમામ મગફળી રૂ. ૯૦૦ના ભાવે સરકાર ખરીદી લેશે. આ હૈયાધારણાને કારણે જ ખેડૂતોએ જે તે વખતે રૂ. ૮૦૦ની આસપાસનો ભાવ આવતો હોવા છતાં રૂ. ૯૦૦ના ભાવે વેચવાની રાહ જોઈને બેઠા હતા.

વિધાનસભાની ચૂંટણીઓ પુરી થતા પછી તુરંત જ ગોડાઉનો ઉપલબ્ધ નથી તેવા બહાના હેઠળ તુરંત જ ખરીદી અટકાવવામાં આવી અને તા. ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ પછી તમામ સીધી ખરીદી બંધ કરવાનો સરકારે નિર્ણય કરીને ભાજપ સરકારે ખેડૂતો સાથે મોટી છેતરપીંડી કરી છે. અત્યાર સુધીમાં માંડ ૮ લાખ ટન મગફળીની જ ખરીદી કરવામાં આવી છે. ભાજપ સરકારે ખેડૂતો પાસેથી વીઘા દીઠ ૧૬ મણ અને વધુમાં વધુ ૭૦ મણ ખરીદવાની નીતિ બનાવી હતી. તેને કારણે ખેડૂતો પાસેથી માંડ અડધી મગફળી ખરીદાય છે. હજી ૨૦ લાખ ટન મગફળી ખેડૂતો પાસે વેચાવાની રાહે પડી છે. ગયા વર્ષે પણ ખેડૂતોને મગફળીના પુરતા ભાવો નહોતા મળતા એટલે ૧૦ ટકા મગફળી ગયા વર્ષની પણ પડતર પડી છે. ભાજપ સરકારે ઓચિંતો ખેડૂતો ઉપર ઘા કરીને ખેડૂતોને મરણતોલ ફટકો મારેલ છે તેમ અર્જુનભાઈએ જણાવેલ છે.

(11:22 am IST)