Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

મગફળીના ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચાર બંધ કરી ૩૧ માર્ચ સુધી તમામ કેન્દ્રો ચાલુ રાખો

ખેડૂતોના રોકાયેલા નાણા પણ તાત્કાલિક ચૂકવવા જોઇએઃ ઉપલેટા કિસાનસભાની માંગણી

ઉપલેટા તા.૨૦: ટેકાના ભાવથી ખરીદાયેલી મગફળીમાં ઢેફ ા,માટી નિકળવા સાથે જ ગોડાઉનમાં આગ લાગવાના બનાવો શંકાસ્પદ લાગી રહ્યા હોવાથી ભ્રષ્ટાચારના ભોરીંગને ડાભી તમામ કેન્દ્રો ૩૧મી માર્ચ સુધી ચાલુ રાખવા માંગણી થઇ રહી છે.

આ અંગે ઉપલેટાના ગુજરાત કિસાનસભાના પ્રદેશ પ્રમુખ ડાયાભાઇ ગજેરા, રાજકોટ જિલ્લા કિસાનસભાના દિનેશભાઇ કંટારીયા, લખમલભાઇ પાનેરા અને ખીમાભાઇ આલે સંયુકતમાં જણાવ્યુ છે કે ચૂંટણી વખતે ભાજપના આગેવાનોએ ૩૧ માર્ચ સુધી મગફળીની ટેકાના ભાવથી ખરીદી ચાલુ રહેશે.તેવી ખાત્રી આપી હોવા છતા પણ ૩૧ માર્ચને હજુ બે મહીનાથી વધુ સમયની વાર છે. ત્યાં સરકારે મગફળીના તમામ કેન્દ્રો બંધ કરવાની જાહેરાત કરી છે. મગફળીના ઉત્પાદનના ૨૦ ટકા ખરીદી પણ હજુ સુધી નથી કરી ત્યાં કેન્દ્રો બંધ થવાની નોબત આવી કેમ? સરકાર બની જતા ભાજપે ખેડુતોનો સાથ છોડી દીધો હોય તેમ લાગે છે.

ટેકાના ભાવથી ખરીદેલી મગફળીમાં ઢેફા, માટી નીકળે અને ગોડાઉન સળગી જાય તે ઘટનાઓ શંકાસ્પદ લાગે છે, તેની તપાસ કરી જવાબદારો સામે કડક પગલા ભરવા જરૂરી છે.

વધુમાં ઉમેર્યુ છે કે મગફળીની ખરીદી હજુ સુધી ૮ લાખ ટન થઇ છે તે ખરીદી વધારીને ૧૫ લાખ ટન સુધી લઇ જવી જોઇએ... એવી જ રીતે ખેડુતોને પ્રોત્સાહીત કરવા તમામ મગફળી ખરીદ કેન્દ્રો ૩૧ માર્ચ સુધી ચાલુ રાખવા  સાથેજ ખેડુતોના રોકાયેલા નાણા તાત્કાલીક ચુકવી આપવા જોઇએ.

(11:18 am IST)