Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પોરબંદરના દરિયામાં લો-પ્રેશરની અસર : પવનનું વધતુ જોર : બંદરકાંઠે ૩ નંબરનું સિગ્નલ

માછીમારોને દરિયો નહી ખેડવા ચેતવણી : માધવપુરમાં ગઇકાલે ઝાપટા વરસ્યા : ખંભાળામાં છાંટા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭ : બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા લો-પ્રેશરની સૌરાષ્ટ્રના દરિયામાં અસર અને વરસાદની આગાહીના પગલે પોરબંદર મધદરિયામાં લો-પ્રેસરને લીધે આજે સવારે પવનનું જોર વધ્યું છે. જ્યારે દરિયાકાંઠે પવનની ઝડપ આજે સવારે ૭ કિ.મી. રહી છે. બંદરકાંઠે ૩ નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે.  લો-પ્રેશરની અસરને લીધે માછીમારોને તા. ૧૮મી સુધી દરિયો નહી ખેડવા તેમજ હાલ દરિયામાં રહેલી બોટોને પરત કાંઠે બોલાવી લેવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીથી ચેતવણી અપાઇ છે.

પોરબંદર નજીક માધવપુર (ઘેડ)માં ગઇકાલે સાંજે ઝાપટા વરસી ગયા હતા. રાણાવાવના ખંભાળામાં ગઇકાલે આકાશમાં સાંજથી શરૂ થયેલ વીજ ચમકારા મોડીરાત્રી સુધી ચાલુ રહ્યા હતા અને છાંટા પડયા હતા. પોરબંદર શહેર - જિલ્લામાં સખત બફારો થઇ રહ્યો છે.

(12:50 pm IST)