Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મોટી પાનેલી પટેલ સમાજના મોભીનો ભોગ લેતો કોરોના : મોરબીના ૩ નાયબ મામલતદાર સંક્રમિત

કડવા પટેલ સમાજના ઉપપ્રમુખ ફળદુ જિંદગીનો જંગ હાર્યા : કચ્છમાં-૨૩, મોરબી જિલ્લામાં ૧૮ અને ભાવનગરમાં ૧૩ પોઝિટિવ કેસ

રાજકોટ તા. ૧૭ : સૌરાષ્ટ્ર - કચ્છમાં કોરોનાનો ડર હજુ યથાવત છે અને દરરોજ સરકારી ચોપડે દર્દીઓ નોંધાઇ રહ્યા છે ત્યારે મોટી પાનેલીના કડવા પટેલ સમાજના ઉપપ્રમુખનો ભોગ લેવાયો છે ત્યાં મોરબીના ત્રણ નાયબ મામલતદાર સંક્રમિત થયા છે.

સમાજમાં મોટું  યોગદાન : શોકનું મોજું

મોટી પાનેલી : શુક્રવારનો સુરજ શોકના સમાચારથી ઉગ્યો હતો કડવા પાટીદાર સમાજના બહુ પ્રતિભાવત અને શાંત વ્યકિતત્વ ધરાવતા સમાજના ઉપ પ્રમુખ જેન્તીભાઇ પ્રાગજીભાઈ ફળદુ ઉં. વ. ૭૫ કોરોના સામેનો જંગ હાર્યા હતા. ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા, ગીંગણી ગામે વર્ષો સુધી હાઇસ્કૂલ માં શિક્ષક તરીકેની સેવા બજાવી વર્ષ બેહજાર પાંચ માં નિવૃત થઇ પાનેલી કડવા પાટીદાર સમાજમાં સેવા અર્પિત કરવા લાગ્યા પાંચેક વર્ષથી ઉપ પ્રમુખ તરીકે સેવા બજાવી સમાજના બિલ્ડીંગમાં વ્યાપક સુધારા વધારા કરી સમાજ માટે ઉપીયોગી કાર્ય કરેલ જેન્તીભાઇ ને ગત સોમવારે તબિયત બગડતા ધોરાજી ચેકઅપ કરાવેલ ત્યાંથી જામનગર જી. જી. હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ પરંતુ ટૂંકા સમયમાં તબિયત બગડતા જેન્તીભાઇ સવારે કોરોના સામેનો જિંદગીનો જંગ હારી ગયા હતા જેન્તીભાઈનું આમ અચાનક વિદાય લેવું પરિવાર અને કડવા પાટીદાર સમાજ માટે ખોટ હોય સમાજમાં શોકનું મોજું પ્રસરી ગયેલ છે.

મોરબીની મામલતદાર કચેરીમાં કોરોનાનો પગપેસારો

મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે તો બીજી તરફ આરોગ્ય તંત્ર રૂપાળું ચિત્ર બતાવવા પ્રયાસ કરી રહ્યું છે અને સ્થિતિ કાબુમાં હોય તેવો આભાસ ઉભો કરવાના હીન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જોકે કોરોના કહેર સતત વધી રહ્યો છે જેમાં હવે મામલતદાર કચેરીમાં પણ ત્રણ નાયબ મામલતદાર કોરોના સંક્રમિત થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

મોરબીના તાલુકા સેવાસદનમાં મામલતદાર કચેરીમાં ત્રણ નાયબ મામલતદારના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં નાયબ મામલતદાર પી આર ગંભીર અને જી એસ જાડેજાના રીપોર્ટ ત્રણ દિવસ પૂર્વે પોઝીટીવ આવ્યા હતા તો નાયબ મામલતદાર જે સી પટેલનો રીપોર્ટ તાજેતરમાં કોરોના પોઝીટીવ આવ્યો છે. મામલતદાર કચેરીમાં કોરોનાનો પગપેસારો થતા અન્ય કર્મચારીઓમાં પણ ભય જોવા મળી રહયો છે.

મોરબી જિલ્લામાં કોરોના  આંક ૨૦૦૦ને પાર

મોરબી જીલ્લામાં મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા તાલુકામાં કોરોનાના નવા ૧૮ કેસ નોંધાયા છે જયારે ૧૬ દર્દીઓ સ્વસ્થ થયા છે.

મોરબી જીલ્લાના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૩ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૧૦ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૨ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તાર, હળવદ તાલુકાના ૦૨ કેસો શહેરી વિસ્તારમાં જયારે માળિયા તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૧૮ કેસ નોંધાયા છે. જયારે વધુ ૧૬ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે નવા ૧૮ કેસો સાથે કુલ કેસનો આંક ૨૦૦૪ થયો છે જેમાં ૧૭૯ એકટીવ કેસ છે જયારે ૧૭૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે.

દર્દીઓની વધ ઘટ વચ્ચે કચ્છમાં કુલ કેસ ૨૫૦૦ને પાર

ભુજ : સરકારી ચોપડે કચ્છ જિલ્લામાં કોરોનાના આંકડાની થઈ રહેલ વધઘટ વચ્ચે કોરોનાનો ખોફ બરકરાર છે. નવા ૨૩ કેસ સાથે અત્યારસુધીના કુલ દર્દીઓનો આંકડો અઢી હજારને પાર કરી ૨૫૧૪ ઉપર પહોંચ્યો છે. સાજા થયેલા દર્દીઓનો આંક ૨૦૯૧ છે. જયારે એકિટવ દર્દીઓની સંખ્યા ૩૦૪ છે. જોકે, ગુંચ મૃત્યુ આંકમાં છે. સરકારી ચોપડે મૃત્યુ આંક ૭૦ છે. પણ, રજા મળેલ દર્દીઓ અને એકિટવ કેસ સાથેનો સરવાળો જો કુલ દર્દીઓની સંખ્યામાથી બાદ કરીએ તો ૪૯ દર્દીઓની ઘટ આવે છે. એટલે બિનસતાવાર મૃત્યુ આંક ૧૧૯ હોવાની આશંકા છે.

ભાવનગરમાં ૨૯ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર : જિલ્લામા વધુ ૧૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૫૬૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૮ પુરૂષ અને ૩  સ્ત્રી મળી કુલ ૧૧ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૬ અને તાલુકાઓના ૧૩ એમ કુલ ૨૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૫૬૩ કેસ પૈકી હાલ ૧૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૩૬૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:41 am IST)