Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કાલે મકરસંક્રાંતિઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશમાં પતંગોની રંગોળી સર્જાશે

દાન-પુણ્યનું વિશેષ મહત્વઃ શેરડી, જીંજરા, ચીકીની ખરીદીમાં વધારો : પતંગમાં નરેન્દ્રભાઇના ફોટાવાળી ''મે હું વિકાસ'' ભારે લોકપ્રિય : બૂલેટ ટ્રેન-મૂજમે કિતના હે દમ-સોનુ તને મારા ઉપર ભરોસો નઇ કે પણ પતંગો લોકપ્રિયઃ પતંગ દોરાના ભાવમાં ૧૦ થી ૧પ ટકાનો વધારો

મકરસંક્રાતિની સીઝન અને ચીકીની સોડમ...:રાજકોટઃ શિયાળાની  ઋતુમાં લોકો સ્વાસ્થ્ય વર્ધક ખોરાક,કસરત વગેરે કરતા હોય છે, ત્યારે આ સીઝનમાં ચીકીનો  સ્વાદ પણ રંગીલા રાજકોટીયનો ખુબ જ આનંદથી માણે છે. રવિવારે સંક્રાતે લોકો જીંજરા-ચીકીની લહેજત પતંગ ચગાવવાની સાથે જરૂર માણશે.મકરસંક્રાતિએ શીંગ, તલ,મીકસ તથા ડ્રાયફુટની ગોળ અને ખાંડની ચીકીની અનેક વેરાયટીઓ ઉપરાંત સાની પણ બજારમાં ઉપલબ્ધ છે. ત્યારે લીમડા ચોક સ્થિત જલારામ ચીકી ખાતે સ્વાદિષ્ટ, પોષ્ટીક અને ચોખ્ખાઇમાં બનાવવામાં આવતી ચીકી શહેરમાં ખુબજ પ્રખ્યાત છે. ઉપરોકત તસ્વીરમાં જલારામ ચીકીના પ્રકાશભાઇ ચીકીનો તાવડો ચલાવતા દર્શાય છે. પ્રકાશભાઇએ જણાવેલ કે અમારે  ત્યાં ચીકીનું કામ ટેબલ ઉપર જ કરવામાં આવે છે, સાથો સાથ ગોળને ગાળીને ચીકી બનાવ્યા બાદ તેને સીલ્વર ફોઇલ પાઉચમાં પેકીંગ કરવામાં આવે છે. બ્રાન્ડનેમ હોવા છતા ''જલારામ ચીકી''માં ભાવ પણ એકદમ વ્યાજબી હોવાનું પણ તેમણે અંતમાં ઉમેરેલ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩ :.. કાલે તા. ૧૪ :.. જાન્યુઆરીનાં રોજ મકરસંક્રાંતિ પર્વની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં કાલે મકરસંક્રાંતિ પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે અને આકાશમાં અવનવી પતંગોની રંગોળી સર્જાશે.

મકરસંક્રાંતિ પર્વમાં દાન-પુણ્યનું પણ વિશેષ મહત્વ રહેલુ છે અને લોકો દાન કરીને  ઉતરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે.

કાલે પતંગ ચગાવવાની સાથો સાથ શેરડી, જીંજરા, ચીકી, ધાણી, ખાવાની મજા લોકો માણશે આ માટે અત્યારથી જ ખાદ્ય વસ્તુઓની ખરીદી કરી લેવામાં આવી છે.મકર સંક્રાંતિના દિવસે ગૌમાતાને દાન, પક્ષીઓ માટે ચણ અને ગરીબોને દાન આપવામાં આવે છે આ માટે જુદી-જુદી સંસ્થાઓ દ્વારા દાનની અપીલ પણ કરવામાં આવી રહી છે.

ઉપલેટા

ઉપલેટા : શ્રી ભાદર ચોક ગૌસેવા જનસેવા ટ્રસ્ટ આમ તો ઘણા વર્ષોથી માનવતા વાદી કાર્યમાં અગ્રેસર હોય છે. ચાહે ગૌસેવા કાર્ય હોય કે કોઇ ગરીબ ગુરખા યા વિધવા ત્યકતતા પરિવારને સહાય કરવાની સેવા હોય હંમેશા નિષ્ઠા પૂર્વક સેવા પ્રદાન આ સંસ્થા નિભાવી રહી છે.

કાલે મકરસંક્રાંતિ પર્વમાં શ્રી ભાદર ચોક ગૌસેવા જનસેવા ટ્રસ્ટની એનીમલ હેલ્પ લાઇન દ્વારા શહેરના બાપુના બાવલા ચોકમાં સંક્રાંતનાં દિવસે સારવાર અને સેવા માટે સારવાર કેન્દ્ર રૂપે રાવટી  નાખીને સંસ્થાની ડોકટરની ટીમ  ત્યાં લઇ જવા અથવા ત્યાં જાણ કરવા જણાવ્યું છે. ઘટના સ્થળે ડો.મીલન મુરાણી તેમજ પક્ષી પ્રેમી અને જીવદયાની ટીમ બીટુભાઇ જાદવ, મૌલીકભાઇ હાસલીયા તેમજ રવિભાઇ ચંદ્રવાડીયા ત્યાં સેવા નિભાવવા કાર્યરત હશે. મેનેજીંગ ટ્રસ્ટી જગદીશભાઇ બારૈયાએ જણાવ્યું છેકે લોકો જયારે  સંક્રાંત પર્વ પર દાન પુણ્યના માધ્યમથી વિશેષ સેવાના લાભાર્થે ગાયોને અઢળક પ્રમાણમાં નિરણ નીરે છે ત્યારે ખાસ તકેદારી દાખવે કે સારાયે વર્ષ દરમ્યાન જે ગાયોને ભરપેટ ચારો નસીબ નથી હોતો તેમનું પાંચન તંત્ર ખૂબજ નબળુ પડી ગયુ હોય તેથી વર્ષ દરમ્યાન એકી સાથે વધુ પડતા કાચો પાકો ચારો આરોગવાથી અપચો અને આફરાનો ભોગ બની માતા ગાય મૃત્યુના ખપ્પરમાં હોમાઇ જાય છે. તો મકરસંક્રાંત પર માત્ર સંકલ્પ રૂપી દાન કરીને બાકીના દિવસોમાં માતા ગાયોને જઠરગ્નિ બુઝાવીને વિશેષ પુણ્ય  પ્રાપ્ત કરી શકાય છે અને માતા ગાયને જીવતદાન પણ આપી શકાય છે તેવી અપીલ સંસ્થા દ્વારા કરાઇ છે.

જેતપુર

જેતપુર : સંઘ અવિરત પોતાના સેવાકાર્ય, સમાજ જાગૃતિ, સામાજીક સમરસતા, સંગઠન સુત્રો લઇને સમાજમાં કાર્ય કરતુ આવે છે. એટલા માટે જ સંઘ સંગઠીત સમાજ તરીકે ઓળખાય છે. અને દૈનમ દિન શાખા દ્વારા વ્યકિત નિર્માણનું કાર્ય કરી સમાજ ઉપયોગી બને તેવા પ્રયત્નો કરે છે. સંઘને પ્રત્યક્ષ રીતે જોવા માટેનો કાર્યક્રમ એટલે જાહેર ઉત્સવ.

અવાજ જાહેર ઉત્સવ મકરસંક્રાંતિના ઉત્સવનું આયોજન આગામી તા. ૧૪-૧ રવિવારના સાંજે પ થી ૬.૩૦  કલાકે વિરજીભાઇ વેકરીયાનો પ્લોટ, જુનાગઢ રોડ ખાતે કરવામાં આવેલ છે. જેમાં પૂ. શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી આર્શીવચન પાઠવશે મુખ્ય વકતા તરીકે મહેશભાઇ જીવાણી (પ્રાંત સહ પ્રચારક, ગુજરાત) ઉપસ્થીત રહેશે તો આ ઉત્સવનો લાભ લેવા સહ પરિવાર પધારવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

જેતલસર

જેતલસર : ધર્મભકિત ગૌશાળા દ્વારા મકરસંક્રાંતિ પર્વમાં દાન માટે અપીલ કરવામાં આવી રહી છે. ધર્મભકિત ગૌશાળા દ્વારા મુંગા જીવ બચાવવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં અનેક લોકો સહયોગ આપી રહ્યા છે.

(12:03 pm IST)