Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પોરબંદર નગરપાલિકામાં ભરતી કૌભાંડનો પર્દાફાશઃ ૪૦૦ કર્મચારીઓની ગેરકાયદેસર ભરતી થઇ ગઇઃ ૧ કરોડથી વધુનો પગાર પણ ચૂકવાઇ ગયોઃ પારદર્શકતાની વાતો કરતી ભાજપ સરકાર વાસ્તવમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબઃ કોગ્રેસના નેતા અર્જુનભાઇ મોઢવાડિયાના આક્ષેપો

પોરબંદરઃ પોરબંદર નગરપાલિકામાં ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આચરવામાં આવેલા ભરતી કૌભાંડમાં 400 કર્મચારીઓની ગેરકાયદેસરની ભરતી થઈ છે. આ કર્મચારીઓને સરકારી તિજોરીમાંથી અત્યાર સુધીમાં દસ કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે. આ પર્દાફાશ બીજા કોઈએ નહી પરંતુ રાજ્ય સરકારના ઓડિટ વિભાગે કર્યો હતો.

ભાજપ સરકારની નગરપાલિકાઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. તેના વિકાસથી લઈને નોકરીએ રાખવા સુધીના દરેક કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. કદાચ કોંગ્રેસે આક્ષેપ કર્યો હોત તો લોકો ધ્યાન ન આપત, પરંતુ હવે સરકારનો પોતાનો જ ઓડિટ વિભાગ કહી રહ્યો છે કે પોરબંદર નગરપાલિકાની આ ગેરકાયદેસરની ભરતીના લીધે નિગમની તિજોરીને દસ કરોડનો ફટકો લાગી ચૂક્યો છે.

આ ભરતી કૌભાંડ વરિષ્ઠ અધિકારીઓ સાથેની મિલીભગતથી આચરવામાં આવ્યું હોવાનું મનાય છે. તેમા 2017-18માં જરૂરિયાત કરતાં વધુ 321 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. તેને વેતન એક કરોડ 34 લાખ રૂપિયાથી વધુ રકમની ચૂકવણી પણ થઈ ચૂકી છે. તેના પૂર્વે 2015-16માં 121 કર્મચારીઓની જરૂર કરતાં વધારે ભરતી કરવામાં આવી હતી. તેઓને પણ અત્યાર સુધીમાં 1 કરોડથી વધારે રકમનો પગાર ચૂકવાઈ ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભરતી કરાયેલા કર્મચારીઓની દાદાગીરી એવી હતી કે તેઓ નોકરીએ ન આવે તો પણ તેમને પગાર ચૂકવાતો હતો.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પારદર્શકતાની વાતો કરતી સરકાર વાસ્તવમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. ભાજપના શાસકો અને મળતિયાઓ પારદર્શકતાના નામે વડાપ્રધાનની તસવીરને વંદન કરીને ભ્રષ્ટાચારના સરોવરમાં ડૂબકીઓ મારે છે. કમિશન અને કોન્ટ્રાક્ટનું રાજ ચરમસીમાએ છે.

(4:51 pm IST)