Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

લીંબડીમાં મતદાનના દિવસે ચૂંટણી પ્રચાર માટેના મથકો ઉભા કરવા ઉપર પ્રતિબંધ

વઢવાણ, તા.૨૦: લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી તા. ૩/૧૧/૨૦૨૦ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉભા ન થાય અને ચૂંટણી મૂકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ મતદાનના દિવસે ચૂંટણી પ્રચાર માટેના મથકો ઉભા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમમાં વધુમાં જણાવ્યાં પ્રમાણે મતદારોને અવિધિસર ઓળખ કાપલીઓ આપવા માટે ઉમેદવારો તેમજ એજન્ટો અને કાર્યકરોના ઉપયોગ સારૂ મતદાન મથકથી ૨૦૦ મીટરથી દુરના અંતરે એક ટેબલ અને બે ખુરશીઓની તેમજ તેમને તડકા/વરસાદથી રક્ષણ આપવા માટે ઉપરના વિભાગમાં તાડપત્રી કે છત્રીની વ્યવસ્થા કરી શકશે. કંતાન વગેરે ઢાંકી શકશે નહીં. આવા ટેબલની આસપાસ ટોળું ભેગું થવું જોઈએ નહીં. આવા મથકો ઉભા કરવાની ઈચ્છા રાખનાર દરેક ઉમેદવારે પોતે જયાં આવા મથકો ઉભા કરવા માગે છે તે ચૂંટણી મથકોના નામ અને ક્રમ વિશેની માહિતી સંબંધકર્તા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને અગાઉથી લેખિતમાં આપવાની રહેશે. આવા મથકો ઉભા કરતા પહેલા સ્થાનિક કાયદા અનુસાર સંબંધિત સક્ષમસત્ત્।ાધિકારીની પરવાનગીની જરૂર હોય તેવા પ્રસંગે આવી પરવાનગી મેળવેલ હોવી જોઈએ અને બુથ સંભાળતી વ્યકિતઓ પાસે ઉપલબ્ધ હોવી જોઈએ. મતદારોને આપવાના હેતુસર અવિધિસર ઓળખ કાપલીઓ ભારતના ચૂંટણીપંચની સૂચનાઓ અનુસાર જ છપાયેલી હોવી જોઈએ અને તેના પર ઉમેદવારનું નામ અથવા ચિન્હ અથવા રાજકીય પક્ષનું નામ ન હોવું જોઈએ. તેમજ આવા દરેક બુથ ખાતે ઉમેદવાર તેમના પક્ષનું નામ અને તેમને ફાળવેલ ચૂંટણી પ્રતિક પ્રદર્શિત કરવા ત્રણ ફુટની લંબાઈ તથા દોઢ ફુટની પહોળાઈ વાળું ફકત એક જ બેનર ઉપયોગમાં લઈ શકશે. તેમજ એક જ મકાનમાં એક કરતા વધારે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હશે તો પણ ઉમેદવાર એક જ મથક આવા મકાનથી ૨૦૦ મીટરથી દુરના અંતરે રાખી શકશે.

આચારસંહિતાના અમલીકરણ માટે ૧૭ ટીમો કાર્યરત

લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો તથા ઉમેદવારોના ચૂંટણી ખર્ચ અને આચાર સંહિતાના અમલ માટે તથા દેખરેખ અને નિયંત્રણ માટે ૧૭ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે.

જે અન્વયે ૩ એફ.એસ.ટી., ૩ એસ.એસ.ટી., ૩ વી.એસ.ટી., ૩ વી.વી.ટી., ૪ એમ.સી.સી. અને ૧ એકાઉન્ટીંગ ટીમ કાર્યરત કરવામાં આવેલ છે. આ ટીમો દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રીયા દરમિયાન આદર્શ આચાર સંહિતાનું ચૂસ્ત પણે પાલન થાય અને સાથો – સાથ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખની સઘન કામગીરી કરવામાં આવશે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

(11:41 am IST)