Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

હવે હાઉં કરો મેઘરાજા : વરસાદથી લોકો કંટાળી ગયા

જામજોધપુરનાં પરડવામાં ૩, ધુનડામાં ૨ ઇંચ વરસાદ વરસ્યો : બે દિવસથી વરસાદ વરસતા ખેડૂતોની માઠી : કપાસ -મગફળીના પાકને ભારે નુકશાન : મિશ્ર વાતાવરણ યથાવત

ધોરાજી : તસ્વીરમાં ધોરાજી પંથકમાં કપાસ ઢળી પડેલ હાલતમાં નજરે પડે છે. (તસ્વીર : કિશોર રાઠોડ-ધોરાજી)

રાજકોટ,તા. ૨૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટા સાથે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય છે. જેના કારણે કપાસ-મગફળી સહિતના પાકે ભારે નુકશાન થયું છે.

ગઇ કાલે પણ ગિર સોમનાથ જીલ્લાના તાલાલાગીર, અમરેલીના સાવરકુંડલા, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તથા જૂનાગઢ શહેરમાં ઝાપટાથી માંડીને અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. લોકો પણ હવે વરસાદથી કંટાળી ગયા છે.

વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. અને લોકોને ઉકળાટમાંથી રાહત મળે છે. પરંતુ ફરી પાછો અસહ્ય ઉકળાટ થવા લાગે છે.

રવિવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં વરસાદ વરસતા ખેડૂતોની માઠી બેઠી છે. અને છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરીને પાક ઉત્પાદન માટે પરસેવો પાડી રહ્યા હતા. અને ચોમાસાના વિદાય સમયે વરસાદ વરસતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું.

વહેલી સવારે ઠંડક બાદ બફારો અને સાંજના સમયે વરસાદ પડે તેવું વાતાવરણ છવાઇ જાય છે.

ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાંથી ચોમાસાની વિદાય બાકી છે. વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાતા હવે આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો  વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રહી રહીને વરસતા વરસાદથી હવે ત્રાસ થઇ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પરડવામાં ૩ ઇંચ, ધુનડામાં ૨ ઇંચ, શેઠવડાળા -વાંસજાળીયામાં ૧ ઇંચ , સમાણામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

અમરેલી

અમરેલી : અમરેલી જિલ્લાના સાવરકુંડલા, બાબરા તેમજ ખાંભા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ સેવાઇ છે. આજે બપોરે અચાનક વાદળિયુ વાતાવરણ છવાયા બાદ વરસાદ શરૂ થયેલ હતો. જેમાં સાવરકુંડલામાં સાંજે જોરદાર ૨ ઇંચ વરસાદ પડી જતા માર્ગો ઉપરથી પાણી વહી ગયા હતા.

ગારીયાધાર

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધાર : શહેર ઉપરાંત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે ૫ કલાકના અરસમાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેમાં સરકારી ચોપડે ૨ મીમી વરસાદ નોંધાયો હતો. ગારીયાધાર પંથકમાં ચાલુ સિઝનનો વરસાદ ૫૧૪ મીમી નોંધાયને દર વર્ષ કરતા ૧૧૧ % વરસાદ વરસી પડ્યો છે.

નવા પાકોના વિણાટના સમયે વરસાદનું ફરી આગમન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કયાંક શિંગના પાકો તો કયાંક કપાસના પાકો પર ચિંતા વરસી રહી છે.

ધોરાજી

(કિશોરરાઠોડ દ્વારા)ધોરાજીઃ ધોરાજી પંથકમાં રવિવારના રોજ આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકશાની થવા પામી હતી.

નવરાત્રીના બીજા નોરતે ધોરાજી પંથકમાં એક થી ૩ ઇંચ પડેલા વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાની વેઠવી પડી છે. ભારે પવન અને વરસાદથી ખેતરમાં એકઠી કરેલ મગફળી પલળી ગઈ ઉપરાંત કપાસ ઢળી પડ્યો હતો. આ સિવાય જીરું કે અન્ય પાકો ને પણ ભારે નુકસાન થયું હતું.

ચાલુ વર્ષે ચોમાસામાં બમણો વરસાદ પડયો જે માંથી ખેડૂતો માંડ માંડ બહાર નીકળ્યા હતા કે તુરંત કમોસમી વરસાદથી મોઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેવો તાલ સર્જાયો છે.

ખેડૂત વિઠ્ઠલભાઈ હિરપરા એ જણાવેલકે ધોરાજી પંથકમાં ઉભા મોલ ઢળી પડ્યા ને મગફળી ખેતરમાં પલળી જવાથી આ પંથકમાં હજારો એકરમાં મોટી નુકશાની ખેડૂતોને થઈ છે. સરકારે ખેડૂતોની નુકશાની બાબતે સત્વરે સર્વે કરી યોગ્ય સહાય આપવી જોઈએ. જે બાબતે કૃષિમંત્રી ને ખેડૂતો દ્વારા રજુઆત કરાશે.

(11:40 am IST)