Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કોડીનાર પાસેની ગેસ કંપની માટે હેવી મશીનરી લઇને જતા ૧૦૦ ટન વજનવાળા વાહનને પસાર કરવા દેવળીના રસ્તે ૧૦૦ વર્ષ જુના વૃક્ષોનો સોથ વળતા પોલીસ ફરીયાદઃ ગ્રામજનોમાં રોષ

કોડીનાર તા. ર૦ :.. તાલુકાના છારા-સરખડી ગામના દરિયાકાંઠે આકાર લઇ રહેલ શાપુરજી પીલોમજી ગ્રુપના સીમર પોર્ટ ખાતે એલએનજી ગેસ પ્લાન્ટની ચાલતી બાંધકામની કામગીરી માટે ૮૦ થી ૧૦૦ ટન વજનના તેમજ હેવી પહોળાઇ અને ઉંચાઇના સાધનો લઇ જવા માટે રસ્તામાં આવતા ગામોના રોડ ઉપરની સાઇડોમાં ૧૦૦ ઉપરાંત વર્ષો જુના વૃક્ષનો સોથ વાળવા ઉપરાંત વારંવાર ઇલેકટ્રીક લાઇનો બંધ કરવાથી આમ જનતાને વિજળી વાંકે ભોગવવી પડતી પરેશાની દુર કરવા અને આ વાદતુકમાં રોકાયેલા કંપનીના જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી રાહે પગલા લેવા દેવળી ગામના રણજીતસિંહ ભુપતસિંહ બારડ સહિતના લોકોએ પોલીસ તંત્રમાં લેખીત ફરીયાદ આપી છે.

આમ જનતા ઉપર કાયદાનો કોરડો વીંજી પરેશાન કરવામાં સુરા પુરા એવુ સરકારી તંત્ર કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં ઘુટણીયે પડી જતુ હોઇ લોકોમાં પણ ભારો ભાર રોષ ફેલાયો છે.

કોડીનારના છારાબંદરે સીમરપોર્ટની જેટી ખાતે ગેસ પ્લાન્ટનું બાંધકામ ચાલે છે. આ માટે તોતીંગ મશીરનીઓ રોડ ઉપરથી  પરિવહન કરવાની થાય છે જેમાં ગ્રામ્ય કક્ષાના વાહનો ઉપર રોડ એન પુલની ક્ષમતા કરતા વધુ હેવી વજનના સાધનો લાવવાની કામગીરી ચાલુ છે જે પૈકી એક ૧૦૦ ટન વજનની ક્ષમતાવાળુ હેવી મશીનરી વાળુ વ્હિકલ કોડીનારના દેવળી ગામ નજીકથી પસાર થઇ રહયુ હતું તે વખતે સો વર્ષ ઉપરાંત જુના વૃક્ષોનો સોથ વાળતુ જતુ હોઇ દેવળી ગ્રામજનો દ્વારા આ વાહનને રોકવામાં આવ્યુ હતું.

એક મહિના પહેલા પણ આવી વિરાટ મશીનરી લઇ નિકળેલ કંપનીના વાહનો આ દેવળી ગામે અટવાયા હતા તે વખતે મામલતદાર શ્રી એ વૃક્ષ કાપવાની મંજૂરી આપતા દેવળી ગામના વર્ષો જુના વૃક્ષો કાપવામાં આવ્યા હતા. દેવળી ગામના રણજીતસિંહ બારડે એવુ પણ જણાવ્યુ હતું કે, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક પી.ઇ.એન. ર૦૧૪-પ૧ તા. ર૦-પ-૧૬ ના પેરા નં. ૧૦ માં નોંધ છે કે વૃક્ષો કાપવા માટે કે તેને વાહતુક કરવા માટે ૧પ જુનથી ઓકટોબર સુધી ઓફ સીઝન ગણાય જેથી કોઇપણ સંજોગોમાં મંજૂરી સામે પણ પ્રશ્નો ઉઠયા છે. ફરીથી ગેસ કંપનીના હેવી વાહનો નીકળતા દેવળી ગામમાં વર્ષો જુના વૃક્ષોનો સોથ વળતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને આ વાહનો પસાર થતા અટકાવી વનતંત્રના અધિકારીને બોલાવી કંપનીના જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાવવા મકકમ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા કે તેના ઉપરના પુલ ઉપર હેવી વાહન ચલાવવા સક્ષમ છે કે તેના માટે માર્ગ મકાન વિભાગની મંજુરી લીધા સિવાય આવા હેવી વાહનોથી ગ્રામ્ય વિસ્તારના રોડ કે પુલ ટુટી જશે તો જવાબદારી કોની રહેશે હજુ આ સિવાય અનેક હેવી મશીનરી આ રોડ ઉપર પસાર કરવાની થાય છે ત્યારે આ રોડ ઉપર આવતી પ્રાથમિક શાળાથી લઇને કોલેજ સુધી અભ્યાસ કરતા હજારો બાળકોની અવર-જવરથી કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાય તે પહેલા આવી મશીનરીઓ ગ્રામ્ય વિસ્તારના રોડ ઉપરથી પસાર નહી કરવા દેવા આમ જનતાની માંગણી છે. કંપનીએ આ માટે દરિયાઇ માર્ગ વિકલ્પ તરીકે લેવા ગ્રામજનોની રજૂઆત છે.

(12:03 pm IST)