Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પુર્વ નગરપતી જીતુભાઇ સોમાણી આયોજીત

વાંકાનેરમાં 'માર્કેટ ચોક કા રાજા' ગણેશ ઉત્સવમાં નરેન્દ્રભાઇના ૭૧ માં જન્મદિવસની ઉજવણી

૭૧ કીલોનો શુધ્ધ ઘીનો લાડુ ભગવાનને ધરવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમમાં જનમેદની ઉમટી પડી

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૦ :.. માર્કેટ ચોક પાસે ટાઉન હોલ પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં વાંકાનેરના પુર્વ નગરપતી અને ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીના નેતૃત્વમાં ભવ્યાતી ભવ્ય રીતે ગણેશ ઉત્સવની ઉજવણી દર વર્ષ કરવામાં આવે છે.

આ ગણેશ પંડલામાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દરરોજ હજજારો લોકો દુંદાળા દેવના દર્શન આરતી માટે ઉમટી પડે છે. ૧૧ દિવસ સુધીના આ આયોજનમાં દરરોજ જુદા જુદા યજમાનો પૂજન વીધીમાં બેસી વિધ્નહર્તાની પૂજા-આરાધના કરી ધન્યતા અનુભવે છે. આજે આઠમા દિવસે પત્રકાર નિલેશ ચંદારાણા, રાજવીર અને પાટીલ પરિવારે પૂજન-આરતીનો લાભ લીધો હતો. મેહુલ મહારાજ સહિતના બ્રહ્મદેવો વૈદીક મંત્રોચ્ચાર સાથે ગજાનની પૂજા-આરતી યજમાન પરિવારોને કરાવે છે.

તા. ૧૭ મીના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ૭૧ મો જન્મ દિવસ હોય જેને જીતુભાઇ સોમાણી અને નગરપાલિકાના સદસ્યો તથા સાથી મિત્રો એ ભવ્યતાથી ઉજવવાનું આયોજન કર્યુ હતું અને ૭૧ કિલોનો શુધ્ધ ઘીમાંથી ડ્રાયફ્રુટ વાળો મહા લાડુ બનાવી ભગવાનને ધરવામાં આવ્યો હતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. જેમાં મ્યુનીસીપાલીટી સંચાલીત ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય ગીતાબેન ચાવડા અને સ્કુલની વિદ્યાર્થીનીઓએ દેશના રાજનેતાઓના પહેરવેશ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો સાથે રાસ રજૂ કર્યા હતાં.

આ કાર્યક્રમ નિહાળવા હજજારો લોકો ઉમટી પડયા હતા અને ગ્રાઉન્ડ નાનુ પડયુ હતું આસપાસના કોમ્પ્લેક્ષની ગેલેરીઓમાં ઉભા કરી લોકોએ મનભરી કાર્યક્રમ નિહાળ્યો હતો.

કાર્યક્રમના અંતે ૧૧૧૧ એક હજાર એકસો અગીયાર દીવા પ્રગટાવી ભગવાન ગણેશજીની ઉપસ્થિત ભાવીકોએ મહાઆરતી કરી હતી દીવા ખુટી પડતા લોકોએ મોબાઇલની ટોર્ચ ચાલુ કરી ભગવાનની આરતી કરી હતી.

નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મ દિવસની અનેરી ઉજવણીના કાર્યક્રમમાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય શ્રીમતી જયોત્સનાબેન સોમાણી, વાંકાનેર નગરપાલીકાના પ્રમુખ જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ, વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, નગરપાલિકાના સદસ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુનિલભાઇ મહેતા, બ્રિજરાજસિંહ ઝાલા, રમેશભાઇ વોરા, ભાવેશ શાહ, સંગીતાબેન વોરા, વાંકાનેર શહેર - તાલુકા શિવસેનાના પ્રમુખ મયુર ઠાકોર, મેહુલ ઠાકોર, રાજ સોમાણી, અમિત સેજપાલ, મહેશભાઇ ચૌહાણ, દિપકસિંહ ઝાલા, વિનુભાઇ સચાણીયા સહિતના અગ્રણીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:42 am IST)