Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

સાવરકુંડલાઃ વી.એસ. હોસ્પીટલમાં ૧૫૦૦ બેડ કોરોના દર્દીઓ માટે કાર્યરત કરો

ધારાસભ્ય ગ્યાસુદીન શેખની રજૂઆત

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૨૦ :. દરિયાપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ દ્વારા જણાવ્યુ છે કે, અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટીના કોન્વેકેશન સેન્ટર ખાતે ડીઆરડીઓ દ્વારા ડેડીકેટેડ કોવિડ હોસ્પીટલ ઉભી કરાઈ રહી છે. આ હોસ્પીટલ ઉભી કરવામાં વી.એસ. હોસ્પીટલની મદદ લેવાય રહી છે પણ વાસ્તવમાં હાલ અમદાવાદ શહેરને હજારોની સંખ્યામાં બેડની જરૂર છે.

ગુજરાત યુનિવર્સિટીના કોન્વેકેશન સેન્ટર ખાતે ડીઆરડીઓ દ્વારા ડેડીકેટેડ કોવિડ હોસ્પીટલની ક્ષમતા ૯૦૦ બેડની રખાશે. અમારૂ માનવું છે કે, કોરોનાની હાલની સ્થિતિ જોતા અમદાવાદ મ્યુનિ.ની વી.એસ. હોસ્પીટલને ફરી શરૂ કરવી જોઈએ. વી.એસ. હોસ્પીટલના ૧૫૦૦ બેડ કોરોનાના દર્દીઓ માટે કાર્યરત કરવા જોઈએ. આ કામમાં પણ ડીઆરડીઓની મદદ લેવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યુ કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તા. ૧૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ પરિપત્ર કર્યો છે કે, ગુજરાત યુનિવર્સિટીના કોન્વેકેશન સેન્ટર ખાતે ડીઆરડીઓ દ્વારા ડેડીકેટેડ કોવિડ હોસ્પીટલનું નિર્માણ કરવામાં આવશે. આ નવી ઉભી થનારી હોસ્પીટલનું જોડાણ વી.એસ. હોસ્પીટલની સાથે કરાશે. આ કરવાથી અન્ય હોસ્પીટલો ઉપર ભારણ ઘટશે. દર્દીઓને બેડ ઉપલબ્ધ થશે. સમયસર જરૂરીયાતમંદ દર્દીઓને સારવાર મળી શકશે.

(12:59 pm IST)