Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કોવિડ દર્દીઓની લાશોનો વિડીયો વાયરલ થવાના મુદ્દે ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલના ૪ નાના કર્મચારીઓનો ભોગ લેવાયો

મોતના આંકડા છુપાવવા ના માંગતા સત્તાવાળાઓએ ૪ કર્મીઓને કાઢી મુકતા અન્ય ૨૦ કર્મીઓ હડતાળ ઉપર ઉતર્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: કચ્છમાં કોરોનાના દર્દીઓની સાચી સંખ્યા તેમ જ મોતના આંકડા બાબતે તંત્ર હોય કે હોસ્પિટલના સત્તાવાળાઓ હોય બન્ને ખેલ કરે છે. લોકોમાં ચાલતી આ જ વાતનો પડદ્યો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની પત્રકાર પરિષદમાં પત્રકારોએ પાડ્યો હતો. જોકે, તે વચ્ચે બે દિવસ થયા ભુજની કોવિડ હોસ્પિટલમાં એક સાથે ૧૧ જેટલા કોરોનાના દર્દીઓની લાશનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેણે કચ્છના વહીવટીતંત્ર તેમ જ અદાણી જીકે જનરલ હોસ્પિટલની પોલ ખોલી નાખી હતી. આ વીડિયો ઉપરાંત સ્થાનિક મીડિયામાં પણ આ અંગેના સમાચારોએ તંત્ર સામે અનેક સવાલો ખડા કર્યા હતા. જેને પગલે વીડિયોમાં દેખાતા ૪ હંગામી કર્મચારીઓને છૂટા કરી દેવાયા હતા. નાના કર્મચારીઓ ઉપર વરસેલી ગાજ ને પગલે અન્ય સાથી કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. જેને પગલે મોર્ગ રૂમમાં કોરોનાના દર્દીઓની લાશને સુરક્ષા સાથે પેક કરવાનું કામ ખોરંભે ચડ્યું હતું. જોકે, સત્તાવાળાઓએ કર્મચારીઓને સમજાવવા પ્રયાસો હાથ ધર્યા છે.

(1:02 pm IST)