Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ભાવનગરમાં ફોન રેકોર્ડ કરી બેન્ક કર્મચારીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી ૨૦ લાખની માંગણી : બે મહિલા સહિત ૩ ઝડપાયા

ભાવનગર, તા. ૧૯ : ભાવનગરમાં બેંક કર્મચારી એવા વણીક આધેડના ફોન રેકોર્ડ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ૨૦ લાખની માંગણી કરાતા ચકચાર મચી જવા પામી છે. દરમિયાન પોલીસે બે મહિલા સહિત ત્રણને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં જ સણોસરામાં હોસ્પિટલ ધરાવતા પટેલ તબીબને બ્લેકમેઈલીંગ કરી મોટી રકમની માંગણી કરવાનો બનાવ બન્યો હતો. ત્યાં શહેરમાં વધુ એક બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા પડાવવાના બનાવનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે.

વિગતો એવી છે કે ભાવનગર શહેરમાં વિજયરાજનગર દર્શન ફલેટમાં રહેતા અને યુકો બેંકમાં નોકરી કરતા મુકેશભાઈ કાંતિભાઈ વોરાને ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે રહેતા રવિભાઈ રમેશભાઈ પરમાર નામના શખ્સે ખાતુ ખોલાવ્યા બાદ ચેકબુક મેળવવા માટે અરજી કરેલી અને મોબાઈલ નંબર તેની પત્નિનો આપ્યો હતો. ચેકબુક તૈયાર થયા બાદ બેંક કર્મચારી મુકેશભાઈએ તે નંબર પર ફોન કરતા તેમની પત્નિએ મુકેશભાઈને ફસાવ્યા હતા અને પ્રેમભરી વાતો કરી આ વાતોનો સીલસીલો ચાલુ રાખ્યો હતો અને મુકેશભાઈનું રેકોર્ડીંગ કર્યુ હતું. આ રેકોર્ડીંગના આધારે રવિભાઈ, તેની પત્નિ સહિતના શખ્સોએ મુકેશભાઈને બળાત્કારના કેસમાં ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપી ઢીકા - પાટુનો માર મારી રૂ૨૦ લાખની માંગણી કરી હતી. જે પૈકી ૭૫ હજાર રૂપિયા તો મુકેશભાઈએ આપી પણ દીધા હતા.

આ અંગે કંટાળી ગયેલા બેંક કર્મચારી મુકેશભાઈ વોરાએ અને ડી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ૧૦ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવ અંગે રવિભાઈ રમેશભાઈ પરમાર, માયાબેન રવિભાઈ પરમાર અને કોમલબેન મહેન્દ્રભાઈ વાઘેલાને ફોન સાથે ઝડપી લઈ આ ષડયંત્રમાં સામેલ અન્ય શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ભાવનગરમાં મોબાઈલ ફોન ઉપર ચેટીંગ કરી બાદમાં ફસાવવા અને બ્લેકમેઈલ કરવાના બનાવો વધી રહ્યા છે.(૩૭.૫)

(12:09 pm IST)