Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

માંગરોળમાં હિંસક માથાકુટઃ ૮ ખારવા-મુસ્લિમોના ૧ હજારના ટોળા સામે નોંધાતો ગુન્હોઃ કડક જાપ્તોઃ મુખ્ય ૪ શખ્સોની ધરપકડ સહિત ૬ શખ્સો ડીટેઇન

એક રેસ્ટોરેન્ટમાં ચાઇનીઝ જમવા બાબતે ઝઘડો થયેલઃ બાદમાં બન્ને ટોળા સામસામે આવી ગયાઃ મોટર સાયકલોનો ઢગલો કરી સળગાવી માર્યોઃ એક દુકાન, એક હોટલને પણ આગ ચંપાઇઃ ટીયર ગેસના ૪ સેલ છોડાયાઃ પાંચ ઘાયલઃ એસપી શ્રી નિલેષ જાજડીયાનો પડાવ

માંગરોળમાં બે પોલીસ વાનના કાચ તૂટયાઃ શાંતિ છતા સ્કુલોમાં રજાઃ માંગરોળઃ કારવીના વડલા પાસે રવિવારે રાત્રે ખારવા અને મુસ્લીમ જુથો વચ્ચે માથાકુટ થયા બાદ કારવીના વડલા પાસે દુકાનો, પેટ્રોલપંપમાં ભારે તોડફોડ કરાઇ હતી. ૧પ જેટલા બઇકો સળગાવાયા હતા અને શહેરમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. પાંચથી સાત જેટલા ઇજાગ્રસ્ત થતા એકને જુનાગઢ રિફર કરાયો હતો. ઘટના સ્થળે પહોંચેલા પોલીસના બે વાહનોમાં પથ્થરમારો થતા કાચ તુટયા. શીલ, ચોરવાડ, જુનાગઢથી ડીવાયએસપી જાડેજાએ પોલીસ બંદોબસ્ત મંગાવ્યો હતો. પરિસ્થિતિ થાળે પડી છતાં મોટાભાગની સ્કુલોમાં સવારે રજા આપી દેવાઇ. કાથીના વડલા પાસે એક બાઇક ફેકટરીમાં પણ તોડફોડ થઇ છે. પોલીસ પહોંચી જતા પેટ્રોલ પંપમાં અઘટીત બનાવ બનતા અટકયો હતો અને કોઇએ પાર સપ્લાય બંધ કરી દેતા ફીડર ઉપર પોલીસ રક્ષણ બાદ વિજળી ચાલુ કરાઇ હતી. (તસ્વીરઃ અહેવાલઃ નિલેષ લખલાણી, માંગરોળ)

 

જુનાગઢ, તા., ૧૯: માંગરોળમાં થયેલી હિંસક માથાકુટમાં પોલીસે ખારવા-મુસ્લીમોનાં ૧૦૦૦ શખ્સો સામે ગુન્હો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો છે. માંગરોળ ખાતે શનિવારે મોડી રાતની ઘટના બાદ આજ સવાર સુધી વધુ કોઇ અઘટીત બનાવ બન્યો નથી. એસઆરપીના જવાનો સહીત વિશાળ પોલીસ કાફલાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

માંગરોળના બંદર રોડ પર કાટીના વડલા વિસ્તારમાં રાત્રે ૧૧ વાગ્યે ફકીર સાથે મુસ્લીમો અને ખારવાનું જુથ સામસામે આવી ગયું હતું.

કાટીના વડલા પાસે આવેલ રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ જમવા બાબતે થયેલી માથાકુટ હિંસક બની હતી.

ટોળાએ મોટર સાયકલોનો ઢગલો કરી સળગાવી માર્યા હતા. તેમજ બનાવના પગલે દોડી આવેલી પોલીસની જીપને હુમલાખોરોએ નિશાન બનાવી હતી. તેમજ ૧ દુકાન અને ૧ હોટલને પણ આગ ચાંપી દીધી હતી.

આ બનાવના પગલે માંગરોળ શહેરમાં તંગદીલી સર્જાઇ ગઇ હતી. એસપી નિલેશ જાજડીયા રાત્રીના જ માંગરોળ ખાતે દોડી ગયા હતા. બંદર રોડ વિસ્તારમાં સ્થાનીક તેમજ ચોરવાડ, શીલ અને જુનાગઢથી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસના ૪ સેલ છોડયા હતા. ઘટનામાં પાંચથી વધુ વ્યકિતને નાની મોટી ઇજા થઇ હતી.

આ બનાવમાં મોડી રાત્રે પીએસઆઇ આર.આર.ચૌહાણે ફકીર સાથે મુસ્લીમોનાં પ૦૦ અને ખારવા જુથના પ૦૦ મળી કુલ ૧૦૦૦ શખ્સો સામે ફરીયાદી બની ગુનો દાખલ કરાયો હતો.

જેમાં ૧૦૦૦ શખ્સોએ ચાઇનીઝ જમવા બાબતે હુલ્લડના ઇરાદે સામસામે આવી જઇ સરકારી જીપના કાચની તોડફોડ કરવા ઉપરાંત ૧પ જેટલા બાઇકનો ઢગલો કરી સળગાવી માર્યા હોવાની બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી.

મોડી રાતથી માંગરોળ ખાતે પડાવ કરી સ્થિતિ પર નજર એસપી નિલેશ જાજડીયા રાખી રહયા છે.

એસપી શ્રી જાજડીયાએ સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે માંગરોળમાં પોલીસની સામે એસઆરપીની ૧ કંપનીનાં જવાનો પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવેલ છે રાત્રે સંપુર્ણ શાંતી રહી હતી.

શ્રી જાજડીયાએ જણાવેલ કે ૧૦૦૦ શખ્સો સાથેગુનો નોંધીને ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે. મુખ્ય ૪ શખ્સોની ધરપકડ કરવા ઉપરાંત ૬ શખ્સોને ડીટેઇન કરાયા છે.

સ્થિતિ અંકુશ હેઠળ હોવાનું જણાવી એસપી શ્રી જાજડીયાએ સવારથી માંગરોળ પાલીકાની ચુંટણીની મતગણતરી ચાલી હતી.(૪.૧૧)

(12:06 pm IST)