Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કોડીનાર : મતદાન બઘડાટી પ્રકરણ

પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સહિતના નામો સાથે સામસામી ફરીયાદ

ભાજપના પૂર્વ સાંસદ સહિત ૧૧ લોકો વિરૂદ્ધ કોંગ્રેસ અગ્રણી પિન્ટુ બારડે માર મારી-લૂંટની ફરીયાદ નોંધાવી : સામસામી લૂંટની ફરીયાદ : જયારે ભાજપના મહિલા ઉમેદવારના પતિ એ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ૪ શખ્સો અને ૧૦થી ૧પ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી-તાલુકાભરમાં ચકચાર

કોડીનાર, તા. ૧૯ : કોડીનારમાં ગઇકાલે નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પુરૂ થયા બાદ ભાજપ-કોંગ્રેસમાં ટોળા વચ્ચે સર્જાયેલી બઘડાટીમાં ફરીયાદ નોંધાઇ છે. કોડીનાર પાલિકાના મતદાનના અંતિમ તબક્કામાં કોંગ્રેસ અગ્રણી પિન્ટુ બારડ ઉપર થયેલા હુમલા બાદ શહેરભરમાં ભારે તંગદલીપી અને તણાવ વચ્ચે ભાજપ કોંગ્રેસના ટોળા સામસામે આવી જતાં હિંસક અને લોહીયાળ બઘડાટી થતા સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ પાલિકા ચૂંટણી લોહીયાળ બનતા શહેરભરમાં તંગદીલી ફેલાઇ હતી.

આ અંગે ભાજપ છાવણી તરફથી પ્રકાશ લખમણભાઇ ડોડીયાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડ, હરેશ ચિકુ દમણીયા, રફીક સેલોત, ચંદ્રસિંહ ઉર્ફે બાબુડી અને બીજા ૧૦થી ૧પ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા ચકચાર મચી છે.

પ્રકાશ ડોડીયાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમની પત્ની લલીતાબેન અને માનસીંગભાઇ જાદવની પત્ની રાણીબેન વોર્ડ નં.૧માંથી ભાજપની પેનલમાં અને સામા પક્ષે ચંદ્રસિંહ ઉર્ફે બાબુડીની પત્ની, હરેશ દમણીયાની માતા અને રફીક સેલોતના પિતા કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હોય તેનું મનદુઃખ રાખી આ શખ્સોએ પ્રકાશભાઇ લખમણભાઇ ડોડીયા, માનસિંગભાઇ માંડણભાઇ જાદવ, બાલુ હરિજભાઇ જાદવ, અમરસિંગ માંડણભાઇ, દિલીપ કચરાભાઇ ગોહીલને તલવાર-બેઝબોલના ઘોકા-લોખંડના પાઇપ વડે હુમલો કરી મારમારી બે મોબાઇલ અને સોનાના ચેઇનની લુંટની ફરીયાદ નોંધાવી છે.

જયારે કોંગ્રેસના અગ્રણી રણજીતસિંહ ઉર્ફે પિન્ટુ ભુપતસિંહ બારડે ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી, તેમના પુત્ર જશપાલ દિનુભાઇ સોલંકી, રવિ દીપુ સોલંકી, અમરસિંહભાઇ સોલંકી, મુના રાણા કાચેલા, રણજીત અરજણ વાળા, કેશુ જીવા, ફારૂક શેખના મિત્ર શિવાભાઇ સોલંકી, વિરૂદ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ પોતે કોંગ્રેસમાં ગીર સોમનાથ જીલ્લા ઉપપ્રમુખ હોય અને કોડીનાર પાલિકા ચૂંટણીમાં દિનુભાઇ સોલંકી સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઉભા રાખ્યા હોય તેમજ અગાઉના ઝઘડાઓનું દુઃખ રાખી ઉપરોકત તમામ ૧૧ શખ્સોએ જીવલેણ હથીયારો ધારણ કરી હુમલો કરી ઇજા પહોંચાડી મોબાઇલ અને સોનાનોચેઇન  લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે. (૮.૭)

(11:15 am IST)