Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

જસદણ પાલિકામાં ફરીવાર ભાજપનો ભગવો લહેરાયોઃ ર૮માંથી ર૩ સીટો મેળવી

અગાઉના શાસનમાં ભાજપ સામે ભ્રષ્ટાચારનાં ખુબ જ આક્ષેપો વચ્ચે ભાજપનો રીપીટ થીયરી અજમાવતાં ફરી ભાજપનું શાસન

આટકોટ, તા. ૧૯:  જસદણનગર પાલિકાની કુલ -ર૮ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ર૩ બેઠકો મળી છે. કોંગ્રેસને માત્ર પ બેઠકો મળી છે જયારે અપક્ષોના સુપડા સાફ થઇ ગયા છે.

 

જસદણ નગરપાલિકામાં વર્તમાન બોડી ભાજપની જ હતી જેમાં કુલ ર૭ સીટોમાંથી ભાજપને ર૧ સીટો મળી હતી જયારે આ વખતે ર૮ સીટો હતી જેમાંથી ર૩ સીટો ઉપર ભવો લહેરાતા ભાજપમાં કાર્યકરો ભારે ઉત્સાહમાં આવી ગયા હતા.

 

જસદણનગરપાલિકાની ગત ટર્મમાં ભાજપ સામે ભ્રષ્ટાચારા અનેક આક્ષેપો થયા હતા જેમાં શૌચાલય, આકારણી, ભૂગર્ભ ગટર સહિતના કૌભાંડો મુખ્ય હતા. જેામાં ભારે ભ્રષ્ટાચાર થયો હતો અને ભાજપના અમુક સભ્યો ઉપર તો ખુલ્લા આક્ષેપો પણ થયા હતાં. જેથી આ વખતે નગરપાલિકામાં ભાજપના સુપડા સાફ થઇ જવાના છે તેવું પ્રજા ખુલ્લે આમ બોલતી હતી પરંતુ ભાજપનો રીપીટ થીયરી અજમાવતાં અને અગાઉના ભ્રષ્ટ સભ્યોને ટિકિટ નહીં આપતા ફરીવાર ભાજપનો ભગવો લહેરાયો છે.

અગાઉ ભાજપનાં શાસનમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સભ્યોને ભાજપ ટિકિટ ન ફાળવતા તેઓએ અપક્ષ તરીકે જંપલાવ્યું હતું પરંતુ મતદારોએ તેમને જાકારો આપી દીધો છે.

જો કે ભાજપની નો રીપીટ થીયરીમાં  બે સભ્યોને બદલે તેમના પરિવારમ)ંથી ઉપરથી ભારે ભલામણ આવતા ટિકિટો આપવી પડી હતી.

આ ચૂંટણીમાં સ્થાનિક ભાજપનાં અનેક આગેવાનોને રોષ હોય કાં તો નિષ્ક્રિય રહ્યા હતા અને અમુકે તો ખુલ્લેઆમ ભાજપની વિરૂદ્ધમાં પ્રચાર કર્યો હોવા છતાં મતદારોએ ભાજપ ઉપર ફરીવાર વિશ્વાસ મુકયો છે.

અગાઉ જસદણનગર પાલિકાના પ્રમુખ તરીકે રહી ચુકેલા ભરતભાઇ ઉન્નડકટ કે જેઓ વ્યવસાય અર્થે હાલ સુરત જતા રહ્યા છે તેઓ ફરી જસદણનાં રાજકારણમાં સક્રિય થતાં ભાજપે જસદણ નગર પાલિકાની ચૂંટણીનાં ઇન્ચાર્જ બનાવતા તેમની મહેનત તેમજ જસદણનાં પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોધરા જસદણ શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઇ ભાયાણી સહિતનાઓની ભારે મહેનતથી જસદણમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. (૯.૩) 

(11:57 am IST)