Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્રવારા કેશોદ ખાતે રૂા.૨૮.૦૬ કરોડના વિકાસકામોનુ લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સામૂહિક અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

જૂનાગઢ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેશોદ ખાતે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે મહત્વના રૂા.૨૮.૦૬ કરોડના વિકાસકામોનુ લોકાર્પણ/ખાતમુહૂર્ત કર્યુ હતુ. તેમજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ૫૦ લાખ લાભાર્થીઓના સમાવેશ અન્વયે રાજ્યના ૧૦૧ તાલુકાઓમાં આયોજીત સામુહિક અભિવાદન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સહભાગી થયા હતા.
   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ ૧૦ લાખ કુટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓના સમાવેશ અન્વયે રાજ્યના ૧૦૧ તાલુકાઓમાં આયોજિત સામૂહિક અભિવાદન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સહભાગી થયા હતા.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નેશનલ ફુડ સિકયોરિટી એકટ-૨૦૧૩ના લાભાર્થીઓને રેશનકાર્ડનું વિતરણ કર્યું હતું, અને આ યોજનાના અન્ય જિલ્લાના લાભાર્થીઓ સાથે ઓનલાઇન વિચાર-વિમર્શ કર્યો હતો.સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતેથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ રાજ્યના ૧૦ લાખ કુટુંબો ના પચાસ લાખ લાભાર્થીઓનો સમાવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમને મુખ્યમંત્રીએ ગરીબોનો જઠરાગ્નિ ઠારવા માટેનો પુણ્યશાળી કાર્યક્રમ ગણાવ્યો હતો. અને ઉમેર્યું હતું કે રાજ્યના ગરીબોને રોટલો અને ઓટલો આપવો એ હંમેશા રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે
  રાજ્યભરમાંથી ભય-ભૂખ- ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે, એમ જણાવતા મુખ્યમંત્રીએ રાજ્યના ગરીબો-પીડીતો-વંચિતો માટે રાજ્ય સરકારે હાજર રહેલા પ્રયત્નોની આછેરી ઝલક રજૂ કરી હતી.
  મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ વધુ ૧૦ લાખ કુટુંબોના પચાસ લાખ લાભાર્થીઓ નો સમાવેશ કરીને આ કાયદાને વધુ ઉજ્જવળ બનાવ્યો છે અને રાજ્ય સરકારે મધ્યમ વર્ગની પણ ચિંતા કરી છે.
  કોરોનાના આપત્તિ કાળમાં રાજ્ય સરકારે લીધેલા જનકલ્યાણના કાર્યોની વિગતો મુખ્યમંત્રી રૂપાણીએ સવિસ્તર રીતે તેમના વક્તવ્યમાં વણી લીધી હતી અને આ દુષ્કર સમયમાં પણ રાજ્ય સરકારે તેનું ઉત્તરદાયિત્વ સક્ષમ રીતે નિભાવ્યા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.  
  મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે લોકડાઉનના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે ૬૮.૮૦ લાખ કાર્ડ ધારકોને રૂ. ૩૩૩૮ કરોડ રૂપિયાનુ નિ:શુલ્ક અનાજ વિતરણ કર્યું હતું. ૩.૩૬ કરોડ લોકોને ત્રણ માસ સુધી વિના મૂલ્યે અનાજ વિતરણ કરનારુ ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય છે, તે વાત મુખ્યમંત્રીશ્રીએ ગૌરવભેર ઉચ્ચારી હતી. અને ૬૧ લાખ મધ્યમ વર્ગીય પરિવારોના અઢી કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ કોરોના કાળમાં પૂરું પાડીને તથા પરપ્રાંતીય મજૂરોને પણ અન્નબ્રહ્મ યોજના હેઠળ આવરી લઇને રાજ્ય સરકારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ  ઉમેર્યું હતું
  રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ બાંધકામ શ્રમિકો, દિવ્યાંગો, વૃદ્ધો અને વિધવાઓને પણ રાજ્ય સરકાર દ્વારા સામેલ કરવામાં આવ્યા છે. આથી આ તમામને પણ હવે આ કાયદાના લાભ મળી શકશે
   મુખ્યમંત્રીએ કેશોદના આઇ.ટી.આઇ.કેમ્પસથી માર્ગ મકાન વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા સાકાર કરાયેલા વિવિધ વિકાસકામોના ડિજિટલ ખાતમૂહુર્ત અને ઇ-લોકાર્પણ કર્યા હતા,  જેમાં  રૂ. ૫.૮૦ કરોડના ખર્ચે બનનાર વંથલી તાલુકા સેવા સદનનું ખાતમૂહુર્ત,  રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા પંચાયત કચેરી, વંથલીનું ખાતમૂહુર્ત, રૂ.૨.૪૦ કરોડના ખર્ચે  નિર્માણ થયેલ તાલુકા પંચાયત કચેરી, માણાવદરનું લોકાર્પણ, રૂ. ૨.૮૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ ચોકી (સોરઠ)થી સ્ટેટ હાઇવે રોડ ઉબેણ નદી પર હયાત કોઝવેની જગ્યાએ પુલનું ઇ-લોકાર્પણ,  રૂ. ૨.૦૭ કરોડના ખર્ચે બનેલ ખડિયાથી પાતાપુર રોડનુ લોકાર્પણ, રૂ. ૩.૨૦ કરોડના ખર્ચે  તૈયાર થનાર ભાટીયાથી થાણાપીપળી રોડ (તા. વંથલી)નુ ખાતમૂહુર્ત,  રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર બગસરા ઘેડથી મંડેર રોડ (તા. માંગરોળ)નું ખાતમૂહુર્ત, રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે તૈયાર થનાર ખમીદાણાથી ઇસરા રોડ (કેશોદ)નું ખાતમૂહુર્ત, અને રૂ. ૪ કરોડના ખર્ચે તૈયાર થનાર  સામૂહિક આરોગ્ય કેન્દ્ર વંથલીના ખાતમૂહુર્તનો સમાવેશ થાય છે.
  અન્ના અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ પ્રાસંગિક પ્રવચનમાં લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારના અન્ન વિભાગની લોકલ્યાણલક્ષી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો અને એન. એફ. એસ. એ. કાયદા ની સમજ આપી હતી અને આ કાયદા અન્વયે સામેલ થયેલા ૧૦ લાખ પરિવારોને રાજ્ય સરકાર વતી આવકાર્યા હતાં.

  અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ મોહમ્મદ શાહિદે સ્વાગત પ્રવચન કર્યું હતું. આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કોવિડ-૧૯ દરમ્યાનની કામગીરી, કિસાન સૂર્યોદય યોજના, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો, ‘‘વન નેશન-વન રેશનકાર્ડ’’ વગેરે અંગેની ડોકયુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું.

  આ કાર્યક્રમમાં પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચૂડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ,જિલ્લા ભા.જ.પ.પ્રુમખ કિરીટભાઇ પટેલ,પ્રાંત અધિકારી રેખાબા સરવૈયા, જિલ્લા પુરવઠા અધિકારી ગોવાણી,જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના મેનેજીંગ ડિરેકટર દિનેશભાઇ ખટારીયા, શહેર ભા.જ.પ.પ્રમુખ પ્રવીણભાઇ ભાલારા, અગ્રણી વી.ડી.કરડાણી, પૂર્વ ધારાસભ્યો સર્વ અરવિંદભાઇ લાડાણી, વંદનાબેન મકવાણા, અને સામતભાઇ રાઠોડ, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ સહભાગી થયા હતા. મંત્રીમંડળના અન્ય મંત્રીઓ, ધારાસભ્યો અને સંસદસભ્યો  જુદા-જુદા તાલુકા મથકોએથી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલી જોડાયા હતા.

(6:45 pm IST)